ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ભુજ
ગમે એટલી વિપરીત પરિસ્થિતિ હોય તેમ છતાં રાજકારણમાં હંમેશા સામા પ્રવાહે ચાલીને આગળ આવેલા ભુજનાં મહિલા ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય સાથે થોડા દિવસ પહેલા એક અજીબ ઘટના બની હતી જેને જોઈને તેમના કાર્યકરો તો ઠીક, તેમના ટીકાકારો પણ અચંબિત થઈ ગયા હતા થોડા દિવસ પહેલા બહેન ખાવડા પંથકમાં એક વિકાસ કામનું ખાતમુહૂર્ત કરવા ગયા હતા લગભગ સાડા ચાર કરોડના બંધારાના કામ અંગેના આ પ્રસંગમાં આશ્ચર્યજનક રીતે ધારાસભ્ય નિમાબેનની સાથે તેમના પતિ અને માત્ર બે કાર્યકર જ સાથે જોવા મળ્યા હતા ભુજ ભાજપના પ્રમુખની વરણી વેળાએ ભાજપમાં જૂથબંધી છે એવું કહેનારા બહેનને જ સાક્ષાત જુથબંધીનો પરચો જોવા મળતા ઘટના ચર્ચાનો વિષય બની છે માધ્યમોમાં આ ઘટના આવી જરૂર હતી પરંતુ જાહેરાતના બોઝથી દબાયેલા માધ્યમોએ આ સામાન્ય કહી શકાય તેવી વાતને પ્રસિદ્ધ કરવાનું ટાળ્યું હતું પરંતુ પાછળથી આ વાત ફોટા અને વિડિઓ સહિત સોશીયલ મીડિયામાં ફરી વળતા બહેને પત્રમાં લખેલી જૂથબંધીની વાતને સમર્થન ચોક્કસ મળ્યું હતું.
બન્યું એવું કે ગઈ છઠ્ઠી ડિસેમ્બરના રોજ ખાવડા પંથકના કાઢવાંઢ નામના ગામે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ૪૪૨ લાખનાં ખર્ચે બંધારો તૈયાર કરવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભુજના ધારાસભ્ય તરીકે નીમાબેન આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા આટલો મોટો કાર્યક્રમ હોય જેમાં કરોડો રૂપિયાના વિકાસ કામની વાત હોય અને લોકલાડીલા ધારાસભ્ય આવવાના હોય ત્યારે કમ સે કમ જિલ્લાના નહીં તો ભુજ તાલુકાનાં ભાજપનાં સંગઠનના લોકો હાજર રહી શકતા હતા પરંતુ કારણ ગમે તે હોય બહેનના આ ફંક્શનમાં તેમના પતિ ભાવેશભાઈ અને બે કાર્યકર સિવાય કાર્યક્રમમાં કોંગ્રેસીઓની હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી.
જૂથબંધીને કારણે માત્ર ભુજ જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લો અલગ અલગ જૂથમાં વહેંચાઈ ગયો છે તેવામાં બહેન સાથે બનેલી આ ઘટના કચ્છ ભાજપ માટે સારા સંકેત નથી તેવું ખુદ ભાજપનાં કર્મઠ કાર્યકરો માની રહ્યા છે.
મુકેશભાઈ ઝવેરીની પક્કડ હતી આ વિસ્તાર ઉપર
ગાંધીધામમાં રહેતા ડોક્ટર નીમાબેનને જયારે ભુજ વિધાનસભા ક્ષેત્ર માટે ભાજપે ટિકિટ આપી ત્યારે ભુજના સ્થાનીક અને વર્ષોથી કાર્યકરો ઉપર પક્કડ ધરાવતા નેતાઓ ચોંકી ઉઠ્યા હતા અને પ્રદેશમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરી હતી જેમાં મુકેશભાઈ ઝવેરી પણ હતા એક સમય હતો જયારે ખાવડા પંથકના બન્ની પછમ વિસ્તારમાં ભાજપનો દબદબો હતો જેમાં મુખ્ય ફાળો મુકેશભાઈ ઝવેરીનો હતો પરંતુ ત્યારબાદ ભુજ ભાજપમાં ધીમે ધીમે જૂથવાદ પ્રસરતા આ વિસ્તારમાંથી ભાજપની પકડ ઓછી થતી ગઈ અને હવે શું હાલત છે તે ડોક્ટર બહેનનાં આ કાર્યક્રમમાંથી જોઈ શકાય છે.