જયેશ શાહ(ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ભુજ) ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા સંવેદનશીલ, ગતિશીલ, પારદર્શક વગેરે જેવા શબ્દો થકી જાતે જ પોતાની પીઠ થાબડતી રહી છે જેમાં ઘણીવાર સરકારની મજાક પણ ઊડતી જોવા મળી છે. આવો જ એક કિસ્સો કચ્છ જિલ્લામાં જોવા મળ્યો હતો જેમાં સરકાર કેટલી ગતિશીલ છે તે દેખાડવાની લ્હાયમાં ભાંગરો વાટ્યો હતો કચ્છનાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા પાસાનાં હુકમમાં નામ બદલી થઈ ગયેલા મહિલા કલેક્ટરનું હતું જયારે સહી મહિલા આઈએએસની જગ્યાએ આવેલા નવા સનદી અધિકારીની હતી.
કોપી-પેસ્ટની આ ટાઇપની ભૂલ પાસાના ઓર્ડરમાં જોવા મળી હતી હુકમનાં આ લેટરમાં શરૂઆતમાં જયાં હાલનાં કલેક્ટર એમ.નાગરાજનનું નામ આવે છે ત્યાં બીજા ફકરામાં ટ્રાન્સફર થઈને રાજકોટ ગયેલા મહિલા કલેક્ટર રેમ્યા મોહનનું નામ આવે છે અને છેલ્લે ઓર્ડરમાં સહી એમ. નાગરાજનની આવે છે.
પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય લાગતી આ ભૂલ ત્યારે વહીવટી તંત્ર માટે ભારે થઈ પડે છે જયારે આવી ભૂલનો સહારો લઇને કથિત આરોપી પાસા કોર્ટમાં પોતાનો બચાવ પણ કરી શકે છે
આવી જ એક કોપી-પેસ્ટ પ્રકારની ભૂલનાં કારણે માંડવી પોલીસ તડીપારનાં એક પ્રકરણમાં નીચું જોવાની નોબત આવી હતી તે કેસમાં પણ પોલિસે કોપી-પેસ્ટ કરવાની ઉતાવળમાં રઘુવીર જાડેજા નામનાં એક શખ્સનું નામ એવા ગુનામાં નાખી દીધું હતું જેમાં તેની ધરપકડ થઈ જ ન હતી અને જેને કારણે તડીપારનો હુકમ થઈ શક્યો ન હતો પાસાના આ હુકમમાં પણ આરોપીને ભૂલનો લાભ થાય તો તેના માટે જવાબદાર કોણ એ એક મોટો પ્રશ્ન છે.
ચાર અધિકારીઓએ જોયું શુ?
કલેક્ટર કચેરી દ્વારા તૈયાર કરવામાં આવતી પાસાની દરખાસ્ત આમ તો દસેક જેટલા ટેબલ ઉપરથી પસાર થતી હોય છે પરંતુ જેની સૌથી મોટી જવાબદારી અથવા તો કાઉન્ટર સહી કરવાની હોય છે તેમાં મેજીસ્ટ્રેટ બ્રાન્ચનાં નાયબ મામલતદારથી માંડીને ચિટનીસ, અધિક નિવાસી કલેક્ટર અને છેલ્લે કલેક્ટરનો નંબર આવે છે આથી અહીં એ પ્રશ્ન જરૂર થાય છે કે ચાર-ચાર અધિકારીઓની નજરમાંથી આ હુકમ કેવી રીતે નીકળી ગયો હશે જે હોય તે પણ, એક વાત તો આ ભૂલમાંથી ચોક્કસ ખબર પડે છે કે કેટલી ગંભીરતાથી કચ્છનું વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે.