Home Current કચ્છનાં બે ફાયરિંગ કેસમાં પોલીસનાં બેવડા માપદંડ, ભચાઉમાં છ મહિના સુધી...

કચ્છનાં બે ફાયરિંગ કેસમાં પોલીસનાં બેવડા માપદંડ, ભચાઉમાં છ મહિના સુધી શાંત રહેલી પોલીસ અબડાસામાં બીજા જ દિવસે ધરપકડ કરી

1971
SHARE
જયેશ શાહ,ભુજ એવું કહેવામાં જરૂર આવે છે કે કાયદો તમામ લોકો માટે સરખો છે પરંતુ હકીકતમાં એવું હોતું નથી તેમાં પણ કચ્છ પોલીસની વાત આવે ત્યારે સમાન કાયદો-કાર્યવાહીની વાત લાગુ પડતી નથી જયાં એક તરફ ભચાઉના ફાયરિંગ પ્રકરણમાં પોલીસ આર્મ્સ એકટ હેઠળ ફરિયાદ થયા પછી પણ સાતેક મહિના સુધી ધારાસભ્યનાં પુત્રની ધરપકડ કરતી નથી અને તે દરમિયાન આગોતરા જામીન મેળવી લેવામાં આવે છે બીજી તરફ અબડાસાના ફાયરિંગ પ્રકરણમાં ફરિયાદના બીજા જ દિવસે ધારાસભ્યના પુત્રની ધરપકડ કરી લેવામાં આવે છે બંને કેસમાં ધારાસભ્ય પુત્ર સહિતની કેટલીક સામ્યતાની સાથે ફરક માત્ર રાજકીય પાર્ટીનો જ છે જેને કારણે બંને કેસ કચ્છમાં ચર્ચાનો વિષય બન્યા છે.
કોંગ્રેસ પક્ષના કચ્છની અબડાસા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનાં દીકરા જયદીપસિંહે હવામાં ફાયરિંગ કરવાનો વિડિઓ વાયરલ થતા જ ભુજથી છેક ગાંધીનગર પોલિસ ભવન સુધી સક્રિયતા જોવા મળે છે પરંતુ આવી સક્રિયતા ભચાઉના કેસમાં જોવા મળતી નથી જેમાં સત્તાપક્ષ ભાજપના માંડવી ક્ષેત્રના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનાં પુત્ર એવા ભચાઉ નગર પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા સામે અન્ય વિવિધ કલમો ઉપરાંત આર્મ્સ એકટ હેઠળ પણ જૂન-૨૦૧૯માં ભચાઉ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કારણ ગમે તે હોય પરંતુ પોલીસે આ કેસમાં ધારાસભ્ય પુત્ર કુલદીપસિંહ જાડેજાની ધરપકડ કરી ન હતી ત્યાં સુધી કે અંજારની સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જમીન અરજી નકારવામાં આવી તો પણ પોલીસ નિષ્ક્રિય જોવા મળી હતી અંજાર કોર્ટના હુકમમાં તો ભચાઉ પોલીસ દ્વારા જાણી જોઈને આરોપીને ફાયદો થાય તેવી કાર્યવાહી કરવામાં આવી હોવાની ગંભીર ટિપ્પણી પણ કરવામાં આવી હતી સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન નકારવામાં આવતા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જયાં છેવટે ધારાસભ્ય પુત્ર કુલદીપસિંહને જામીન મળી જાય છે સેશન્સ કોર્ટના અને હાઇકોર્ટના ચુકાદા વચ્ચે પંદર દિવસના સમયગાળામાં પણ પૂર્વ કચ્છની પોલીસ ભચાઉ નગર પાલિકાના પ્રમુખની ધરપકડ કરી ન હતી.

નખત્રાણા પોલીસનું પણ સોફ્ટ કોર્નર

એવું નથી કે પોલીસ માત્ર સત્તાપક્ષના એમએલએ પ્રત્યે જ સોફ્ટ કોર્નર રાખે છે વિપક્ષી ધારાસભ્ય માટે પણ પોલીસ થોડી ઘણી કૂણી લાગણી જરૂર રાખે છે અબડાસાના ધારાસભ્ય પુત્રની સામે બીજા જ દિવસે કાર્યવાહી કરી પોતાની સક્રીયતાનો દાખલો બેસાડતી નખત્રાણા પોલીસે ધરપકડના સમાચાર સાંજ સુધી દબાવી રાખ્યા હતા નખત્રાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જયદીપ રાઠોડે બપોર સુધી એવું રટણ કર્યુ હતું કે, હવામાં ભડાકા કરનારા જયદીપસિંહની સાંજ સુધીમાં ધરપકડ કરી લેવામાં આવશે હકીકતમાં પોલીસે તેને સવારે જ પકડી લીધો હતો અને બપોર સુધીમાં તો તેના જામીન પણ થઈ ગયા હતા ત્યારે પ્રશ્ન એ થાય કે પોલીસે આ વાત શા માટે દબાવી રાખી હશે ? બોર્ડર રેન્જના આઈજી તરીકે કડક અને પ્રામાણિક ઓફિસરની છાપ ધરાવતા આઇપીએસ સુભાષ ત્રિવેદી છે ત્યારે કચ્છ પોલીસની આ પ્રકારની બેવડા માપદંડની કાર્યવાહી કેવી રીતે થતી હશે તે વાત પણ ગળે ઉતરે તેમ નથી.