ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ગાંધીધામ કચ્છમાંથી બહાર પોતાને વતન જઈ રહેલા 280થી વધુ મજૂરોને જિલ્લા બહાર જતા રોકી લેવામાં આવ્યા છે તથા તેમના રહેવા જમવા માટે શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાતમાં પરપ્રાંતિય મજૂરોનું મોટી સંખ્યામાં સ્થળાંતર કરવાની ઘટનાઓ બહાર આવતા કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે જેને પગલે આજે શુક્રવારે રાજ્યનાં ડીજીપી દ્વારા તમામ જિલ્લાનાં એસપી સહિત તમામ પોલીસ કમિશનરને લેબર માઈગ્રેશન અટકાવવા માટે કડક પગલા લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેને પગલે પશ્ચિમ તથા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કચ્છની મહત્વપૂર્ણ ચેકપોસ્ટ ઉપર આજે કડક ચેકીંગ કરીને વાહન ડિટેઇન કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
રાજકોટમાં વધુ ત્રણ પોઝીટીવ કેસ બહાર આવતા રાજ્ય સરકાર દ્વારા વસ્તીનું સ્થળાંતર અટકાવવાના ભાગરૂપે રાજ્યની પોલીસને કડક હાથે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી જેને પગલે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શુક્રવારે બપોરથી જ ભુજનાં પ્રવેશદ્વાર એવા શેખપીર પાસે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો જે પશ્ચિમ કચ્છમાંથી પલાયન કરી રહેલા શ્રમિકોને અટકાવી રહ્યો હતો પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભ તોલંબિયાનાં જણાવ્યા પ્રમાણે આજે દિવસભર 280 જેટલા કામદારોને પશ્ચિમ કચ્છમાંથી બહાર જતા અટકાવવામાં આવ્યા હતા પૂર્વ કચ્છમાં પણ કચ્છનાં પ્રવેશદ્વાર એવા સામખીયાળી પાસેથી શ્રમિકોને સમજાવી કચ્છ પરત કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું
પરપ્રાંત તથા અન્ય જિલ્લાઓમાંથી કચ્છમાં રોજગારી માટે આવેલા હજારો કામદારોને રહેવા તથા જમવા માટે જિલ્લાનાં તમામ દશેય તાલુકામાં શેલ્ટર હોમ ઉભા કરવામાં આવ્યા હોવાનું કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા જણાવવામાં આવ્યું હતું તમામ આશ્રય સ્થાનોનું જે તે પ્રાંત અધિકારી દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હોવાનું પણ કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું.
કચ્છનાં સાંસદે પણ મદદની કરેલી અપીલ
કચ્છ જિલ્લામાંથી માઈગ્રેટ કરી રહેલા શ્રમિકો માટે જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ આગળ આવે તે માટે કચ્છનાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પણ એક વિડિઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી જેમાં એમ.પી ચાવડાએ કચ્છની સંસ્થાઓ તેમજ મહાજનો દ્વારા છાત્રાલયો, શાળાઓ જેવી સાર્વજનિક જગ્યાએ શ્રમિકોને આશ્રય આપવા ઉપરાંત જમવાની સગવડ ઉભી કરીને સખાવતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવા માટે પણ જણાવાયું હતું.