ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ગાંધીધામ
લોકડાઉનનાં બોરિંગ વાતાવરણમાં લોકોને ઘરમાં કેવી રીતે બેસાડી રાખવા અને તેમને મેન્ટલી કેવી રીતે ફિટ રાખવા તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે લોકાભિમુખ પોલીસનો નવો જ ચહેરો ભુજનાં લોકો સમક્ષ આવી રહ્યો છે ત્યારે સોમવારે અચાનક ભુજની ગલીઓમાં પોલીસ બેન્ડની ફોજ સુરાવલી રેલાવતી નીકળી ત્યારે ઘરમાં બંધ લોકો પણ નવાઈ સાથે બારીઓ ખોલીને જોવા નીકળ્યા હતા.
‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા’ સહિતની જુદી જુદી ધૂન ઉપર ભુજમાં પોલીસ બેન્ડની ટુકડી નીકળી ત્યારે લોકો પણ આવા શાંત માહોલમાં બેન્ડ કયાંથી આવ્યું તેવા આશ્ચર્ય સાથે બહાર દોડી આવ્યા હતા. કાયદાના કડક અમલની સાથે સેવાની સરવાણી અને હવે સંગીતનું મનોરંજન આપતી પોલીસને જોઈને ભુજનાં લોકો માટે પોલીસનો આ નવો અવતાર અનોખો સાબિત થયો હતો.
સ્પેન પોલીસનો આવો વિડિઓ વાયરલ થયેલો
લોકડાઉનનાં નીરસ માહોલમાં દુનિયાનાં જુદા જુદા દેશમાં પોલીસ દ્વારા અવનવા કરતબ કરવામાં આવી રહ્યા છે જેમાં થોડા દિવસ પહેલા વોટ્સએપ ઉપર સ્પેન પોલીસનો એક વિડિઓ વાયરલ થયો હતો જેમાં પોલીસ સાયરન વગાડતી આવે છે અને પછી ગલીમાં ઉભી રહીને સંગીતના તાલે લોકોનું મનોરંજન કરે છે પશ્ચિમ કચ્છ પોલીસનાં બેન્ડના આ પ્રયોગથી સ્પેન પોલીસનો વિડિઓ લોકોને યાદ આવી ગયો હતો.