વૈશ્ર્વિક મહામારી કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે તે વચ્ચે લોકોનો ડર પણ…લોકડાઉનના નિયમોના પાલન વચ્ચે સરકારની શું તૈયારી છે તેની પણ કોઇ ચર્ચા નથી. જો કે વાત કચ્છના પરિપેક્ષમાં કરવી છે કે જ્યાં રાજ્યના અન્ય જીલ્લાની સરખામણીએ કેસોની સંખ્યા ઓછી છે છંતા પણ લોકોમાં ડર છે. અને તેનુ કારણ છે કચ્છ બહારથી બે રોકટોક અને ક્યાક તંત્રની મીઠી નઝર હેઠળ અન્ય રાજ્યમાંથી આવતા લોકો। અત્યાર સુધી પ્રશાસન અને લોકોના સંયમથી કચ્છમાં આપણે કેસોની સંખ્યા ઘટાડવામાં સફળ રહ્યા છીએ પરંતુ શુ એ લાંબો સમય નિયત્રંણમાં રહેશે? સોશ્યિલ મિડીયાથી લઇ જાહેર માધ્યમોમાં તેની ચર્ચા અને પરિણામ અંગે વાત થઇ રહી છે પરંતુ તંત્ર આ મામલે પ્રજાને કોઇ સંતોષકારક જાહેર જવાબ નથી આપતું તે વાસ્તવીકતા છે. અને આજ બધા સવાલોને લઇને ચોક્કસથી થાય કે શુ કચ્છ તાનાશાહી સાશનમાં જીવી રહ્યુ છે?
શુ પ્રજાને સંતોષકારક જવાબ આપવાની તંત્રની ફરજ નથી ?
કોરોનાની મહામારી વચ્ચે મોટાભાગના લોકોએ સરકાર અને સ્થાનીક પ્રશાસનના નિર્ણયો અને ગાઇડલાઇનનો અમલ કર્યો છે તો સાથે-સાથે જરૂરી જણાય ત્યા તંત્રની ભુલ પ્રત્ય અંગુલીનિર્દેશ પણ કર્યો છે પરંતુ તેમનુ સકારાત્મક પરિણામ મળ્યુ નથી તેવી ચર્ચા આમ નાગરીકોમાં છે હાલ મુંબઇ અને વિવિધ વિસ્તારોમાંથી જ્યારે વતન ભણી લોકો આવી રહ્યા છે ત્યારે પણ સોશ્યિલ મિડીયામાં સરકાર અને સ્થાનીક પ્રશાસનને લોકો અનેક સવાલો પુછવા સાથે પોતાનો ડર પ્રગટ કરી રહ્યા છે. છંતા તંત્રએ અત્યાર સુધી પ્રજાના આ પ્રશ્ર્નનો સંતોષકારક જવાબ આપ્યો નથી ચેકપોસ્ટ તેમજ લોકો માહિતી આપે છે ત્યાં તંત્ર પહોચ્યુ છે પરંતુ ઘણા કિસ્સામાં તંત્રની જાણ બહાર પણ મોટી સંખ્યામાં લોકો આવી ગયા છે જે કોરોના ફેલાવશે તો જવાબદારી કોની? હજુ પણ કચ્છમાં કેટલા લોકો આવશે? કચ્છમાં આરોગ્યની શુ સુવિદ્યા છે? લોકોના આવા અનેક પ્રશ્ર્નો છે. પરંતુ માત્ર જાહેરનામા બહાર પાડી સરકારના આદેશોનુ પાલન કર્યા સિવાય સંવેદનશીલ બની પ્રજાને આશ્વાસન અને સચોટ જવાબ આપવાનુ કામ કચ્છના તંત્રએ ન કરી પ્રજાસેવક તરીકે ફરજચુક રાખી છે.
તંત્રના નિર્ણયો અને વાલા દવલાની નિતી
લોકડાઉનના આટલા દિવસોમાં આમતો તંત્રની ભુલ અને વાલદવલાની નિતીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ જે બાબતે આમ નાગરીકોએ પ્રશ્ર્નો ઉઠાવ્યા છે તેનો જવાબ પણ તંત્રએ આપ્યો નથી. મિડીયાએ પ્રજાનુ માધ્યમ બની સવાલો ઉઠાવ્યા છે. તેના પર પણ કોઇ એકશન કે નિતી વિષયક પ્રજાહિતમાં જવાબ મળ્યા નથી. અહી કેટલાક મુદ્દાઓ પ્રસ્તુત છે જે કચ્છના વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. અને પ્રજાએ જાહેરમાં વિરોધ કરવા છંતા તેનો જવાબ તંત્રએ આપ્યો નથી.
-કચ્છમાં ખરેખર કેટલા લોકોને સ્કેનીંગ કરવામાં આવ્યા ?– કોરોનાની શરૂઆત સાથે કચ્છમાં તંત્રએ હાઉસ ટુ હાઉસ સર્વેના આંકડાઓ બહાર પાડ્યા જે થોડા દિવસોમાંજ લાખોમાં પહોચી ગયા કચ્છની જનસંખ્યા અને સર્વેના આંકડાઓ સાથે લોકોએ સવાલ ઉભા કર્યા વિસ્તાર મુજબ લોકોએ ફરીયાદ કરી કે અમારે ત્યાં કોઈ આવ્યા નથી છંતા આંકડાનો ખેલુ ચાલુ રહ્યો અને હજુ પણ લોકો સર્વેના સાચા આંકડા જાણી શક્યા નથી.
– તંત્રના છબરડા અને લોકોમાં ડર કચ્છમાં અત્યાર સુધી માત્ર 9 કેસ પોઝીટીવ આવ્યા છે. પરંતુ આટલા આંકડાઓમાં પણ તંત્રએ છબરડા વાળ્યા છે પહેલા પુરૂષ દર્દીને મહિલા દર્શાવી દેવાઇ અને ત્યાર બાદ સંકલનના અભાવ વચ્ચે ભચાઉના એક દર્દીનો રીપોર્ટ પોઝીટીવ દર્શાવી દેવાયો જેની પાછળથી ભુલ સુધારાઇ
-સંકલનના અભાવ અને આપસી તકરારમાં યોગ્ય માહિતી નહી જીલ્લા આરોગ્ય અધિકારી અને ડી.ડી.ઓ વચ્ચે માહિતી આપવાના સમય અને સંકલનનો અનેકવાર અભાવ જોવા મળ્યો છે જેને લઇને તંત્ર કરતા પહેલા સોશ્યિલ મિડીયામાં સાચી વાતો ઝડપથી વહેતી થઇ ગઇ છે જેના પરિણામ સ્વરૂપ ખોટી માહિતીથી અનેકવાર લોકોમાં ભય સર્જાણો છે. અને આ તમામ બાબતો પર જીલ્લા કલેકટરથી લઇ તમામ જવાબદારો મૌન રહ્યા છે.
-લોકડાઉનનો અમલ અને તંત્રની વાલાદવલાની નિતી લોકડાઉનના ચુસ્ત અમલ વચ્ચે કચ્છની કલેકટર કચેરીમાંજ અનેકવાર ચેકવિતરણના નામે જાહેરનામાના ભંગના કિસ્સાઓ બન્યા પરંતુ તેની સામે કોઇ કાર્યવાહી નહી અને ક્યાક બીનજરૂરી રીતે લોકો સામે કડક કાર્યવાહી જેનો સોશ્યિલ મિડીયામાં અવાજ ઉઠ્યો પરંતુ કાર્યવાહી શુન્ય
– મુંબઇની યુવતી કચ્છ પહોચી આવી અને કચ્છમાં ચિંતા મુંબઇથી રાજકીય વગની મદદથી કચ્છ સુધી પહોચી આવેલી ડોક્ટર યુવતીની હાલ સમગ્ર કચ્છમાં ચર્ચા છે. કોરોના પોઝીટીવ યુવતીને મદદ કરનાર લોકો પર મીઠી નઝર રાખનાર તંત્રને લોકોએ સવાલ પુછ્યા પરંતુ ન નક્કર કાર્યવાહી કે ન કોઇ યોગ્ય જવાબ જો આવુ કોઇ સામાન્ય માણસે કર્યુ હોત તો?
– મુંબઇથી કચ્છ આવતા લોકોના આંકડા અને વ્યવસ્થા બેરોકટોક અને હવે મંજુરી સાથે કચ્છમાં અનેક લોકો મુંબઇ અને અલગ વિસ્તારોમાંથી કચ્છમાં આવી રહ્યા છે. જેની આમ નાગરીકોને ચિંતા છે. લોકોએ સોશ્યિલ મિડીયામાં વિરોધ નોંધાવવા સાથે ચિંતા વ્યક્ત કરી પરંતુ પ્રશાસને ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો તાલ સાથે પણ તેના ચોક્કસ આંકડા વ્યવસ્થા અંગે કોઇ જાહેર માહિતી આપી નથી હા લોકોને અપિલ કરી છે આવી માહિતી તંત્રને આપવા માટે
કોરોના મહામારી વચ્ચે પોલિસ તથા વહીવટી તંત્રની કામગીરી ન ભુલાય તેવી છે પરંતુ માનવીય અભીગમ વચ્ચે આમપ્રજાના પ્રશ્ર્નોના જવાબ આપવામાં અને લોકોના ડર સાથેના સવાલોનો જવાબ આપવામાં કચ્છનુ તંત્ર નિષ્ફળ રહ્યુ છે માત્ર સરકારની ગાઇડલાઇનો અમલ કરી જાહેરનામુ બહાર પાડવાનું કામ તંત્રનુ નથી પરંતુ સ્થિતી મુજબ કુનેહ પુર્વક નિર્ણયો લઇ પ્રજાહીત માટે કામ કરવા સાથે પ્રજાનો ડર દુર કરવાની પણ તંત્રની જવાબદારી અને ફરજ છે. જેમાં કચ્છનુ તંત્ર નિષ્ફળ રહ્યુ હોય તેવું લોકો દ્રઢપણે માની રહ્યા છે જો કે તાનાશાહી તંત્ર વર્તમાન સંજોગોમાં આવી ઘટનાઓ બાદ બોધપાઠ લઇ સાશનમાં સુધારા સાથે પ્રજાની લાગણી અને માંગણી સંતોષે એ કચ્છના હિતમાં છે.