જયેશ શાહ (ન્યૂઝ4કચ્છ.ભુજ) : સ્વતંત્રતા પર્વ અને ચીન સાથેના વિવાદને પગલે દેશની તમામ બોર્ડર હાઇએલર્ટ મોડ ઉપર છે તેવામાં શુક્રવારે મધરાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)દ્વારા રાજસ્થાનની બાડમેર બોર્ડરે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરી દેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સીમાને પાર કરીને ભારતમાં પ્રવેશી રહેલા પાકિસ્તાનીને પહેલા ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં તે આગળ વધી રહ્યો હતો ત્યારે સીમા સુરક્ષા દળના જવાનોએ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને પગલે બોર્ડર પોલીસ ઉપરાંત સુરક્ષા દળો અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ વધુ સાવચેત બની ગઈ છે.
ગુજરાત બીએસએફનાં IGP જી.એસ.મલિકે આ અંગે જણાવ્યું હતું કે, શુક્રવારે મધરાતે આ ઘટના બની હતી. બાડમેર બોર્ડર પાસે મધરાતે પાકિસ્તાન તરફથી એક વ્યક્તિ ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. બીએસએફ દવારા તેને ચેતવણી આપવામાં આવી હતી છતાં તે આગળ વધી રહ્યો હોવાથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ બાદ પાક ઘૂસણખોર ઝાડીઓ પાછળ સંતાઈ ગયો હતો. ગોળીબાર બાદ સીમા સુરક્ષા દળની ટુકડી ઘટના સ્થળે પહોંચી તો ત્યાં ઘૂસણખોરની લાશ પડી હતી. બીએસએફ દ્વારા આ અંગે લોકલ પોલીસને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર બોર્ડર એરિયામાં વધુ સલામતી વ્યવસ્થા ગોઠવામાં આવી હોવાનું આઈજી મલિકે ઉમેર્યું હતું.
સામે પર નાપાકની હલચલ વધી
ઘૂસણખોરી અને ફાયરિંગની ઘટનાને પગલે સામેપાર અચાનક પાક સેના અને રેંજરની મુવમેન્ટ વધી ગઈ હતી. જેને પગલે રણ સાથે જોડાયેલી બોર્ડર ઉપરાંત દરિયાઈ સીમા ઉપર ચોકસી વધારી દેવામાં આવી હતી.