Home Current કચ્છ ભાજપે પ્રભારીમંત્રી પાસે ભણ્યા જનસંઘ ના “પાઠ” : જાણો શું આપી...

કચ્છ ભાજપે પ્રભારીમંત્રી પાસે ભણ્યા જનસંઘ ના “પાઠ” : જાણો શું આપી મંત્રી દિલીપ ઠાકોરે સલાહ ?

683
SHARE
(ન્યૂઝ4કચ્છ) શનિવારે ભુજ આવેલા પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરે કચ્છ ભાજપ ના ચુંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓ, સંગઠન ના હોદેદારો અને જિલ્લા વહીવટીતંત્ર સાથે એક સંયુક્ત બેઠક યોજી ને પ્રજાકીય પ્રશ્નો ઉકેલવાની દિશા મા કામગીરી હાથ ધરી હતી. પ્રભારીમંત્રીની આ પહેલને બિરદાવવી રહી. જો ભાજપના કર્મઠ કાર્યકરોની વાત માનીએ તો વર્ષો બાદ આવી બેઠક યોજાઇ કે જેમાં સૌ એ પ્રજાકીય પ્રશ્નો રજૂ કર્યા અને સીધો જ એ પ્રશ્નો અંગે વહીવટીતંત્ર સાથે સંવાદ થયો, ચર્ચા-વિચારણા થઈ અને જિલ્લાકક્ષાએ ઉકેલ લાવી શકાય તેવા પ્રશ્નોનો યોગ્ય સમયમર્યાદામાં તેનો ઉકેલ લાવવાની સૂચના કલેકટર, ડીડીઓ અને પૂર્વ-પશ્ચિમ કચ્છના બન્ને ડીએસપીને મંત્રી દિલીપ ઠાકોર દ્વારા આપવામા આવી.
બે કલાક ચાલેલી આ બેઠકમા કચ્છ ભાજપના સાંસદ, રાજ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત – નગરપાલિકાના પ્રમુખો, ચુંટાયેલા સદસ્યો, જિલ્લા, તાલુકા, શહેર સંગઠનના પ્રમુખ અને કારોબારી સભ્યો, વિવિધ મંડલના પ્રમુખ સહિત અપેક્ષિત સદસ્યોએ ભાગ લઈને ઢગલાબંધ પ્રશ્નો રજૂ કર્યા હતા.

મંત્રી દિલીપ ઠાકોરે શું ટકોર કરી ?

આ બેઠક દરમ્યાન પ્રભારીમંત્રી દિલીપ ઠાકોરે કરેલી ટકો ની કચ્છ ભાજપના કાર્યકરોમા ભારે ચર્ચા છે. રજૂ થયેલા પ્રશ્નોમા મોટાભાગના જિલ્લાકક્ષા એજ ઉકેલાઈ શકે તેવા હતા. છતાંયે, જિલ્લા ભાજપ પ્રમુખ અને અન્ય આગેવાનોના પ્રશ્નો છેક ગાંધીનગર સુધી પહોંચતા મંત્રી દિલીપ ઠાકોર ને જાહેરમા ટકોર કરવી પડી હતી. રૂબરૂ અને લેખિતમાં પ્રશ્નો રજૂ કરનારાઓને તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, એકબીજા ની વિરુદ્ધ રજૂઆતો નહીં કરતા, સત્તા ની બહુમતી ભાજપ પાસે હોવા છતાંયે જિલ્લા કક્ષા ના પ્રશ્નો માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની પદ્ધતિ સામે તેમણે નારાજગી વ્યક્ત કરી , પક્ષમા આપસી તાલમેલ જાળવવા કહ્યું હતું. જો કાર્યકરોની વાત માનીએ તો, જે કામ કચ્છ ભાજપ  અત્યારસુધી ન કરી શક્યું તે કામ મંત્રી દિલીપ ઠાકોરે કરી ને કાર્યકરો ને એ અહેસાસ અપાવ્યો કે રાજ્યમાં તેમની સરકાર ચાલે છે.

કાર્યકરોએ કેશુબાપાને યાદ કર્યા..

રજૂ થયેલા પ્રશ્નોમા મોટાભાગના પ્રશ્નો જમીનદબાણ, પાણી , ટ્રાફિક, કાયદો-વ્યવસ્થા, ખનિજચોરી, ઓવરલોડ ,જમીનસર્વે , વીજ જોડાણ જેવા સ્થાનિકે ઉકેલાઈ શકે તેવા હોઈ મંત્રી દિલીપ ઠાકોરે ટકોર કરવી પડી એવી ચર્ચા પણ થઈ રહી છે. મંત્રી દિલીપ ઠાકોરની આ બેઠક બાદ કાર્યકરોએ કેશુબાપાની સરકારને યાદ કરી હતી. તેમના સમયમા આ જ રીતે પક્ષના પ્રજાકીય પ્રતિનિધિઓ જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ અને પક્ષ ના હોદેદારોની ઉપસ્થિતિમાં અધિકારીઓની બેઠક યોજી પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવામા આવતો હતો.જનસંઘ ની આ પદ્ધતિ ભુલાઈ અને કચ્છમા જે રીતે “ખેંચતાણ” ચાલે છે, એ જોતાં કાર્યકરોની ચર્ચા અને ઈશારો થોડામાં ઘણું બધુ કહી દે છે.