કચ્છમાં સુવિદ્યા વધારાશે-સુધારાશે એવા તંત્રના દાવાઓ અને વાયદાઓ વચ્ચે કચ્છમાં સ્થિતી વિકટ બની રહી છે. ગઇકાલે જ્યા લોકોએ કચ્છની મુખ્ય અદાણી સંચાલીત હોસ્પિટલમાં હાઉસફુલના બોર્ડ મરાતા જીલ્લા વહીવટી તંત્રના ઇન્ચાર્જ વડાના ઘર પાસે વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર ન ફરકતા વહેલી સવાર સુધી પોલિસના ઉચ્ચ અધિકારીઓએ મોરચો સંભાળી મામલો થાડે પાડ્યો હતો ત્યા આજે ફરી તંત્ર-રાજકીય આગેવાનોની બેઠક મળી હતી જેમાં પણ સબસલામતી સાથે બધુ થઇ જશે તેવા દાવાઓ કરાયા હતા. પરંતુ તે વચ્ચે મુન્દ્રાના જાગૃત નાગરીકોએ આજે અદાણી અને તંત્ર સામે મોરચો ખોલ્યો હતો અને અદાણી મેનેજમેન્ટ 150 બેડની હોસ્પિટલની સુવિદ્યા ઉભી કરી તેવી માંગ સાથે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ભાજપના આગેવાનો પણ જોડાતા અનેક સવાલો ઉભા થયા હતા. મુન્દ્રા માટે તાત્કાલિક 150 બેડ ની કોવીડ હોસ્પિટલ શરૂ કરવા માંગણી સાથે આજે મુન્દ્રા થી અદાણી ના રંગોલી ગેટ જઇ રોડ પર ચક્કાજામ કરાતા મોટા વાહનો ના થપ્પા લાગ્યા હતા અને મુન્દ્રા ના રાષાપીર સર્કલ થી રંગોલી ગેટ સુધી સિંગલ રસ્તો ચાલુ હતો અને એક બાજુ 3કિ.મિ વાહનોનો મોટો ટ્રાફીક જામ થયો હતો. સવારથી શરૂ થયેલા આ વિરોધ વચ્ચે બપોર બાદ નગરપતી કિશોર સિંહ પરમાર અદાણી ના એકઝીક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત ભાઈ શાહ ને મળ્યા હતા પરંતુ મંત્રણા સફળ ન થઈ હતી. જો કે ફરી મંત્રણા થતા અદાણી જુથ દ્રારા 100 બેડની હોસ્પિટલ 10 દિવસમાં ઉભી કરવા માટેની સહમતી અપાઇ હતી. આજે રંગોલી ગેટ પાસે ભાજપ ના આગેવાનોમાં નગરપતી કિશોરસિંહ પરમાર, શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશી.નગરપાલિકા ના કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર,પ્રકાશ પાટીદાર.મુન્દ્રા ચેતન ચાવડા, નગરપાલિકાના ધ્રુવરાજસિંહ ચુડાસમા, ભોજરાજગ ગઢવી, જીવણજી જાડેજા, જીતુ માલમ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા..વિરોધ વચ્ચે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા, સાંસદ વિનોદ ચાવડા અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ ફોન પર સતત સંપર્કમાં હતા. અને બપોર બાદ તંત્ર,પોલિસ અદાણી મેનેજમેન્ટ અને આગેવાનો વચ્ચે મળેલી બેઠક બાદ 10 દિવસમાં 100 બેડ ધરાવતી હોસ્પિટલ સુવિદ્યા મુન્દ્રામા ઉપલબ્ધ કરાશે તેવી ખાતરી અદાણી મેનેજમેન્ટ દ્રારા અપાઇ હતી જેથી વાહન વ્યવહાર હવે ટુંક સમયમાં રાબેતા મુજબ થશે પરંતુ કલાકોના વિરોધની અંતે જીત થઇ હતી. અને આરોગ્ય સુવિદ્યા ઝંખતા મુન્દ્રાના લોકોની માંગણી સંતોષાઇ હતી.