ચૈત્ર મહિનામાં સરહદી કચ્છ જીલ્લો તપી રહ્યો છે. ત્યારે પશ્ર્ચિમી વિક્ષોભને કારણે અચાનક હવામાન પલ્ટાઇ ગયુ છે. જેને કારણે કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે ગરમી વચ્ચે ખાવડા અને નિરોણા સહિતના પંથકમાં વરસાદી ઝાંપટા પડી રહ્યા છે. એક તરફ ગરમીનો પારો 40 ડીગ્રીને પણ પાર કરી ગયો છે. ત્યારે ચૈત્રી માહોલ વચ્ચે જાણે કે ભાદરવો હોય તે રીતે ઝાંપટાથી માંડીને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સોમવારે સતત ત્રીજા દિવસે નિરોણા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા હતા. તો બાળકો વરસાદની મઝા માણતા પણ નજરે પડ્યા હતા. પ્રી-મોનસુન એક્ટીવીટીના પગલે આ રીતે વરસાદી ઝાંપટા ચોક્કસ વિસ્તારોમાં પડી રહ્યા છે. ભિષણ ગરમી વચ્ચે વરસી રહેલા વરસાદથી પાવરપટી પંથકમાં ઠંકડ પ્રસરી હતી. ગઇકાલે ખાવડા અને નિરોણા સહિત આસપાસના વિસ્તારોમાં કરા તો ક્યાક વરસાદી ઝાંપટા પડયા હતા.