સરહદી કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે વિવિધ સમાજોમાં નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે.આજથી ૩ વર્ષ પહેલાં ભુજના ભારાપર ગામના સરપંચ માયાભાઈ સવા મહેશ્વરીના ખૂન કેસના હત્યારાઓ હજી સુધી નહીં ઝડપાતા દલિત સમાજ દ્વારા જિલ્લા કલેકટર કચેરીની સામે ધરણા કરાયા હતા.દરમ્યાન મૃતક સરપંચના પરિવાર વતી તેમના ભાઈ દેવાભાઈ મહેશ્વરી દલિત સમાજના આગેવાનો પૂર્વ ધારાસભ્ય વાલજી દનીચા, રમેશ ગરવા અને અન્ય આગેવાનો આ ધરણામાં જોડાયા હતા.દલિત સમાજની નારાજગી અને ન્યાય મેળવવા માટે ઉગ્ર લડત શરૂ કરવાની ચીમકીએ વહીવટી તંત્ર અને પોલીસને ઉભે પગે રાખ્યા હતા.ધરણા છાવણીની મુલાકાત દરમ્યાન બંદોબસ્ત માં તૈનાત પોલીસ અધિકારીઓએ આ મામલે પશ્ચિમ કચ્છ પોલીસ વડાને રજુઆત કરવા સૂચન કર્યું હતું. જેના પગલે દલિત સમાજના પ્રતિનિધિ મંડળે ડીએસપી એમ.એસ.ભરાડા સમક્ષ આક્રોશપૂર્ણ રજૂઆત કરી હતી કે ગત ૧૭/૨/૨૦૧૫ ના ભારાપર મધ્યે તત્કાલીન સરપંચ માયાભાઈ મહેશ્વરીની હત્યા કરાઈ હતી.ત્યારબાદ વારંવાર રજૂઆતો કરવા છતાંયે ૩ વર્ષ થયા હત્યારાઓને પકડવામાં પોલિસ નિષ્ફળ રહી છે.
હવે શું? પોલીસે શુ કહ્યુ?અને દલિત સમાજે શું આપ્યું અલ્ટીમેટમ?
દલિત સમાજની ઉગ્ર રજૂઆતને પગલે ડીએસપી એમ.એસ.ભરાડા એ જણાવ્યું હતું કે પોલીસ ૩ વર્ષ જુના આ ખૂન કેસ નો ભેદ ઉકેલવા FSL ની મદદ લેશે.આ મામલે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક કામગીરી કરી હત્યા નો ભેદ ઉકેલાશે.જોકે, પોલીસની ખાત્રી પછી પોતે ધરણાનો કાર્યક્રમ હમણાં પૂરો કરે છે એવું કહેતા દેવાભાઈ મહેશ્વરીએ દલિત સમાજના અન્ય આગેવાનો સાથે પોલીસતંત્ર ને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો એક મહિના માં પોલીસ ખૂનકેસ નો ભેદ નહીં ઉકેલે તો આમરણાંત ઉપવાસ સાથે દલિત સમાજ ઉગ્ર આંદોલન છેડશે.