Home Current એકાએક કચ્છ જિલ્લાની ૮૦૦ ખાણોની લીઝ રદ કરાતાં ચકચાર

એકાએક કચ્છ જિલ્લાની ૮૦૦ ખાણોની લીઝ રદ કરાતાં ચકચાર

2283
SHARE
મોટાપાયે રોજગારી રળી આપતા કચ્છના ખાણ ખનીજ ઉદ્યોગ ઉપર પ્રતિબંધના નિર્ણયે દેકારો બોલાવી દીધો છે. કચ્છ જિલ્લા ખાણ ખનીજ કચેરીએ જાહેર કરેલા આ નિર્ણયને પગલે કચ્છનો ખાણ ખનીજ ઉદ્યોગ આર્થિક કટોકટીમાં સપડાઈ જાય તેવી ભીતિ ખાણ માલિકો વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે ન્યૂઝ4કચ્છ સાથે ટેલિફોનિક વાતચીત કરતા ખાણ ખનીજ અધિકારી શ્રી માવદીયાએ જણાવ્યું હતું કે અદાલત દ્વારા ખાણ માલિકોને પર્યાવરણ ક્લિઅરન્સ પ્રમાણપત્ર લેવાના કરાયેલા આદેશ ને પગલે જે ખાણ માલિકો પાસે પર્યાવરણ ક્લિઅરન્સ પ્રમાણપત્ર નથી તે તમામની લીઝની મંજૂરી રદ કરી દેવાઈ છે. આ આદેશને પગલે કચ્છની બેંટોનાઈટ,કાંકરી,પથર અંદાજીત ૮૦૦ જેટલી ખાણો બંધ થઈ ગઈ છે. કચ્છમાં ટ્રાન્સપોર્ટ પછી ખાણ ઉદ્યોગ સૌથી વધુ રોજગારી રળી આપતો ઉદ્યોગ હોઈ હજારો લોકો અચાનક બેકાર જવાની ભીતિ સર્જાઈ છે.

NOC ની ફાઈલો ૩ વર્ષથી ગાંધીનગર ખાણ ખનીજ કચેરીમાં જ

કચ્છ જિલ્લા બેંટોનાઈટ એસોશીએશનના પ્રમુખ લક્ષ્મીકાંત કારાણી એ ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે કચ્છના પ્રવાસે આવેલા ખાણ ખનીજ કમિશનર રૂપવંતસિંહને રજુઆત કરી છે કે NOC ની ફાઈલો ગાંધીનગર માંજ છે.  આ સંદર્ભે કચ્છ જિલ્લા કૉંગ્રેસના મહામંત્રી રવિન્દ્ર ત્રિપાઠી એ ન્યૂઝ4કચ્છ સાથે વાતચીત કરતા આક્ષેપ કર્યો હતો કે સરકાર પાસે જ ૩-૩ વર્ષથી કચ્છનાખાણ માલિકોની ફાઈલો NOC માટે પડી છે ,તેનો નિકાલ કરી NOC આપવાના બદલે ખાણની મંજૂરી જ રદ કરવાનો નિર્ણય તઘલખી અને મનસ્વી છે. સરકાર અને ખાણ ખનીજ કચેરીનો વાંક હોવા છતાં ખાણ માલિકોને દંડ કરવો અયોગ્ય છે.

સરકારી અધિકારીઓ ના જવાબો હાસ્યાસ્પદ !!

વિકાસશીલ અને કર્મશીલ ગુજરાતના સરકારી બાબુઓના હાસ્યાસ્પદ અને ઉડાઉ જ્વાબો રાજ્યની ભાજપ સરકારની પ્રતિષ્ઠા સામે સવાલો સર્જે છે. કચ્છ ના ખાણ ખનીજ અધિકારી શ્રી માવદીયાને કચ્છમાં કેટલી ખાણોની લીઝ રદ થઈ તેનો આંકડો જ ખબર નથી તો બીજી બાજુ ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીત માં તેમણે NOC લેવાનો મુદ્દો ખાણ માલિકો ઉપર જ ફેંક્યો હતો. જ્યારે તેમના ઉપરી અધિકારી ખાણ ખનીજ કમિશનર રૂપવંતસિંહે ભુજમાં જ શ્રી માવદીયાની હાજરીમાં ખાણ માલિકો પાસે નિખાલસ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે ગાંધીનગરમાં સ્ટાફના અભાવે NOC ની કામગીરી ૩ વર્ષથી થઈ શકી નથી.આ સંજોગોમાં ખાણ ખનીજ વિભાગના સરકારી એડવોકેટની સલાહ મેળવી કોર્ટના નિર્ણય અંગે માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કરાશે.

કાયદેસરનો ૨૦૦ કરોડનો ઉદ્યોગ ઠપ્પ અને ગેરકાયદેસર ખાણ ઉદ્યોગ ધમધમે છે..

એકાએક એક સાથે ૮૦૦ ખાણોની લીઝ રદ કરવાના પગલે સરકારને વાર્ષિક ૨૦૦ કરોડ રૂપિયા કમાવી આપતી કાયદેસરની ખાણો બંધ થઈ ગઈ છે. જ્યારે કાયદાના ડર વગર કોઈ પણ જાતની મંજૂરી વગર ચાલતી ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે. એ કડવી વાસ્તવિકતા છે. ખાણ માલિકોની વાત માનીએ તો કોર્ટ ના NOC અંગેના ઓર્ડરને ૪ મહિના થઈ ગયા.પણ ખાણ ખનીજ કચેરીએ આગોતરી નોટિસ કે જાણ કર્યા વગર જ એકાએક લીઝ રદ કરી નાખી. શુ આ જ ગતિશીલ ગુજરાત છે?