Home Current કચ્છ જિલ્લા ભાજપે શા માટે ચિંતિત થઈ બોલાવી બેઠક? : મુખ્યમંત્રીએ શેનો...

કચ્છ જિલ્લા ભાજપે શા માટે ચિંતિત થઈ બોલાવી બેઠક? : મુખ્યમંત્રીએ શેનો લીધો રીવ્યુ?

1091
SHARE
કચ્છ જિલ્લા ભાજપે શનિવારે અચાનક યોજેલી બેઠક ચિંતાની સાથે ચર્ચામાં રહી હતી. જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો,નગરપાલિકાના હોદેદારો અને મંડલના આમંત્રિત સભ્યો અને સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે સૌને સુજલામ સુફલામ યોજના માટે કામે લાગી જવા હાકલ કરી હતી. કચ્છમાં સુજલામ સુફલામ અંતર્ગત તળાવો ઊંડા કરવાના કામો ટાર્ગેટ કરતા ઓછા થયા હોવાનું જણાવીને ચોમાસાને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે ટાર્ગેટ પૂરું કરવા ઝડપભેર કામે લાગી જવા હાકલ કરી હતી. કચ્છ ભાજપની આ ચિંતાનું કારણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત અઠવાડિયે વહીવટીતંત્ર સાથે લીધેલી સુજલામ સુફલામની રીવ્યુ બેઠક હોવાનું જાણવા મળે છે. જિલ્લાના પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાએ પણ સોમવારે લીધેલી રીવ્યુ બેઠક દરમ્યાન સુજલામ સુફલામ યોજનાના કામો કચ્છમાં ઓછા થયા હોવાનું જણાયું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુજલામ સુફલામ યોજના તળે રાજ્યભરમાં જળ સંચયના કામો થાય તેવી ઈચ્છા સાથે જાતે જ કામનું મોનીટરીંગ કરે છે. એટલે, ખુદ મુખ્યમંત્રીએ કચ્છના વહીવટીતંત્ર અને પ્રજાકીય પ્રતિનિધિઓને જળ સંચયના કામો પુરા કરવા તાકીદ કરી છે. તેને પગલે રાજ્યમંત્રી વાસણભાઇ આહીર જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે બેઠકો યોજીને રૂબરૂ પણ જળ સંચયના કામોની મુલાકાત લેવા સમગ્ર કચ્છ નો પ્રવાસ કરી રહ્યા છે. તો જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ ઉદ્યોગો દ્વારા JCB ફાળવવામાં થતી મુશ્કેલીઓ અંગેની ફરિયાદો થતાં તેના નિવારણ માટે જે તે વિસ્તારના ચૂંટાયેલા પદાધિકારીઓને પણ મદદ કરવાની સૂચના અપાઈ છે. તો, સુજલામ સુફલામ યોજના માટે જિલ્લા અને તાલુકા સ્તરે વહીવટીતંત્રને પણ કામે લાગી જવા સરકાર દ્વારા અને પ્રભારી સચિવ દ્વારા તાકીદ કરાઈ છે.

જિલ્લા ભાજપના મહામંત્રી શુ કહે છે ?

કચ્છ ભાજપ ની મળેલી બેઠક સંદર્ભે ન્યૂઝ4કચ્છે મહામંત્રી અંનિરુદ્ધ દવે સાથે વાત કરી હતી. જો કે તેમણે કચ્છમાં સુજલામ સુફલામના કામો બહુ જ સારી રીતે ચાલી રહ્યા હોવાનું જણાવીને આ બેઠકમાં આવી કોઈ ચિંતા વ્યક્ત ન કરાઇ હોવાનું કહ્યું હતું અને સ્વૈચ્છીક સંસ્થાઓ સામેથી સુજલામ સુફલામ માટે સહયોગ આપી રહી હોવાનું જણાવ્યું હતું. એ વાત અલગ છે કે,કચ્છમાં સુજલામ સુફલામના કામો ધીમા છે અને ધાર્યા પ્રમાણે નથી થઈ રહ્યા તે અંગે વહીવટીતંત્ર, રાજ્યમંત્રી વાસણભાઇ આહીર અને પ્રભારી સચિવ જે.પી.ગુપ્તા જાહેર બેઠકોમાં નિવેદનો કરી ચુક્યા છે. અનિરુદ્ધ દવેના જણાવ્યા પ્રમાણે બેઠક માં કેન્દ્ર ની ભાજપ સરકારને આગામી ૨૬/૫ ના ચાર વર્ષ પુરા થઈ રહ્યા હોઈ સરકારના કાર્યો લોકો સુધી લઈ જવાની ચર્ચા તેમ જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રેડીઓ ટોક ‘મન કી બાત’ અંગે ચર્ચા કરાઈ હતી.