Home Current ગાંધીધામ બાઇક રેલીમાં હેલ્મેટ મુદ્દે સોશ્યલ મીડીયામાં ટ્રોલ થયા બાદ યુવા ભાજપના...

ગાંધીધામ બાઇક રેલીમાં હેલ્મેટ મુદ્દે સોશ્યલ મીડીયામાં ટ્રોલ થયા બાદ યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલે શુ કર્યો ખુલાસો? જાણો આખોય મામલો

1416
SHARE
આજે દરેક નેતાઓની જાહેર વર્તણુંક ઉપર લોકોની બારીક નજર રહે છે. યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલનો શનિવારે યોજાયેલો કચ્છ પ્રવાસ તેમની બાઇક રેલીના કારણે ગાંધીધામ અને કચ્છભરમાં ચર્ચામાં આવી ગયો. એમાં થયું એવું કે જળ સંચયનો સંદેશો આપવા માટે યોજાયેલી બાઇક રેલીમાં ડો.ઋત્વિજ પટેલ સહિતના યુવા ભાજપના આગેવાનો અને કાર્યકરો હેલ્મેટ પહેર્યા વગર બાઇક રેલી દ્વારા આખાયે ગાંધીધામના જાહેર માર્ગો ઉપર ફર્યા. આ હકીકત સોશ્યલ મેડિયામાં ટ્રોલ થઈ અને જે રીતે ડો.ઋત્વિજ પટેલ અને યુવા ભાજપના આગેવાનો કાર્યકરો કોર્ટના અને સરકારના રોડ સેફ્ટીના આદેશની અવગણના કરી ઉન્માદમાં જાહેર માર્ગો પર ફર્યા તેની સોશ્યલ મીડીયામાં ટીકા થઈ. આ રોડ શો માં એક ખુલ્લી જીપમાં હકડેઠઠ કાર્યકરો ભરાયા હતા. આમ,શાસક પક્ષ ભાજપના જ નેતાઓ દ્વારા રોડ સેફ્ટીના નિયમોનો ભંગ કરવાનાના મુદ્દે આ રોડ શૉ સોશ્યલ મીડીયા માં ચર્ચામાં રહ્યો.

ડો.ઋત્વિજ પટેલે શુ કર્યો ખુલાસો ?

યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે ન્યૂઝ4કચ્છ વેબ સાઈટમાં પ્રકાશિત થયેલા આ સમાચારના મુદ્દે એડિટર વિનોદ ગાલા સાથે વાત કરતાં ખુલાસો કર્યો હતો કે કોર્ટના રોડ સેફ્ટીના કાયદાને અને સરકારના ટ્રાફિક અંગેના નિયમોને તેઓ માન આપે છે. ડો.ઋત્વિજ પટેલે કહ્યું હતું કે, બાઇક રેલીનો તેમના રોડ શૉનો હેતુ મુખ્યમંત્રીની સુજલામ સુફલામ જળસંચય યોજના પ્રત્યે લોક જાગૃતિ કેળવવાનો હતો. પણ,ઉત્સાહ અને જોશ માં કાર્યકરો હેલ્મેટ વગર બાઇક રેલીમાં જોડાયા તે તેમની ભૂલ છે,પોતે બાઇક સવારી દરમ્યાન હંમેશા હેલ્મેટ પહેરે છે,અને રોડ સેફ્ટી તેમ જ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે એવો ખુલાસો ડો.ઋત્વિજ પટેલે કર્યો હતો.

યુવા વર્ગને જળસંચય માં જોડાવવા હાકલ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુજલામ સુફલામ યોજના દ્વારા જળસંચય પ્રવૃત્તિને વેગ મળે તે માટે સંવેદનશીલ છે એવો ઉલ્લેખ કરતા ડો.ઋત્વિજ પટેલે કચ્છના યુવાનોને જળસંચય ની પ્રવૃત્તિ માં જોડાવવા હાકલ કરી હતી. ચોમાસુ નજીક જ છે ત્યારે, કચ્છમાં વધુને વધુ તળાવો ઊંડા થાય અને અધિક જળસંગ્રહ થાય તેવી ઈચ્છા સાથે કચ્છ નો તમામ યુવાવર્ગ સુજલામ સુફલામ માં જોડાય તેવી ઈચ્છા અને અપીલ યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે વ્યક્ત કરી હતી.આ મુલાકાત સમયે યુવા ભાજપના પ્રદેશ સંયોજક ધવલ આચાર્ય અને જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રાહુલ ગોર ઉપસ્થિત રહ્યા હતા.