Home Special ભુજના થંભી ગયેલા વિકાસને ગતિ આપવા કોને સોંપાશે કમાન? ભાડાના ચેરમેન માટે...

ભુજના થંભી ગયેલા વિકાસને ગતિ આપવા કોને સોંપાશે કમાન? ભાડાના ચેરમેન માટે કોણ છે, મજબુત દાવેદાર?

3088
SHARE
ભુજ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી(ભાડા) આ નામ પડે એટલેજ લોકોને પોતાના અનેક પડતર પ્રશ્નો, સમસ્યા અને મુશ્કેલીની યાદ આવી જાય. સતત બે ટર્મ માટે ચેરમેનપદ મેળવવામાં નસીબદાર રહેલા કીરીટભાઇ સોમપુરાએ કઇ કામ નથી કર્યુ એવુ તો ન કહી શકાય. પરંતુ, ભુજના લોકોની અપેક્ષા મુજબનુ કામ તેઓ કરી શક્યા નથી તે પણ પણ એટલુજ સત્ય છે. જો કે હવે તેમની મુદ્દત પુરી થઈ ગઈ હોઈ નવા ચેરમેન માટે ની કવાયત શરૂ થઇ ગઈ છે. ભાડાના નવા ચેરમેનની નિયુક્તિ જ્યારે થશે ત્યારે ચોક્કસ લોકોને નવા ચેરમેન પાસે ઘણી કામગીરી ની અપેક્ષા રહેશે કે, જે ઉદ્દેશ માટે ભાડાની રચના કરાઇ હતી તે મુજબનુ કામ થાય અને ભુજનો થંભી ગયેલો વિકાસ ફરી આગળ વધે. ટુંકમાં નવા ચેરમેન માટે નવા આયોજન સાથે કીરીટભાઇ દ્વારા ન થઈ શકેલા કામો પણ પુર્ણ કરવાનો પડકાર રહેશે. સંભવત 15 જુન પહેલા આ નામ જાહેર થાય તેવી શક્યતા છે, અને તેના માટે અત્યાર થી જ ભાજપમાં રાજકીય ઘમાસાણ, ખેંચતાણ અને ગોઠવણનો દોર શરૂ થઇ ગયો છે, સાથે લોકોને પણ ઉત્સુકતા છે કે,ભાડાના નવા ચેરમેન કોણ બનશે? જેમાં અત્યારે સૌથી મોખરાનુ સ્થાન લોહાણા સમાજનુ રાજકીય પ્રતિનિધીત્વ કરતા પાલિકાના પૂર્વ પ્રમુખ શંકર મેધજી ઠક્કરનુ નામ મોખરે છે. જો કે, દાવેદારોનુ લીસ્ટ લાંબુ છે.

ભાડાના ચેરમેન બનવા આ મોટા માથાઓ પણ છે,મેદાને !!

ભુજ એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટીમાં બે ટર્મ સુધી પોતાનુ સ્થાન ટકાવ્યા બાદ અપેક્ષા મુજબનુ કામ ન કરી શકનાર કીરીટભાઇ રીપીટ થાય તેવી તો કોઇ સંભાવના નથી. પરંતુ અત્યારે ધારાસભ્ય માટે વિધાનસભામાં તન મન ધનથી કામ કરનાર શંકર મેધજી ઠક્કર કે જે લોહાણા સમાજનુ પ્રતિનિધીત્વ કરવા સાથે ભુજમાં સારુ નામ ધરાવે છે અને રેસમાં પણ તે આગળ છે. તેમના પછી પટેલ સમાજના આગેવાન પ્રવિણ પીંડોરીયા નું નામ ચર્ચામાં છે. તેઓ હાલ પૂર્વ ચેરમેન અને આર.એસ.એસ.લોબી સાથે વધુ જોવા મળતા દેખાઇ રહ્યા છે. તો, બે ક્ષત્રિય આગેવાન બાપાલાલ જાડેજા અને પરાક્રમસિંહ જાડેજા પણ રેસમાં છે તેમની સાથે માધાપરના યુવા નેતા હિતેશ ખંડોર પણ આ રેસમાં છે. જો કે, અત્યાર સુધી ચર્ચામાં ન રહેલા નામો અંગે જો પાર્ટી વિચારે તો ઘનશ્યામ રસિકભાઈ ઠક્કરનુ નામ પણ ચર્ચા છે. જો ભાજપના આંતરીક સૂત્રોનુ માનીએ તો શંકર મેધજી ઠક્કરનુ નામ નિશ્ચિત મનાય છે.

આ રાજકીય અને સામાજિક ગણીત બગાડી શકે છે, દાવેદારોની ગણતરી..

આમ તો રાજકીય ક્ષેત્રમાં ક્યારે કયુ ગણીત બદલાઇ જાય તે નક્કી કરવુ અઘરું છે. અને તેમાય ભાજપમાં કે જ્યા મુખ્યમંત્રી પદ્દના દાવેદારો ગણતરીની મીનીટોમાં બદલી જાય છે ત્યારે કોઇ ક્યાસ લગાવવો મુશ્કેલ છે. પરંતુ શંકરભાઇને ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિત તેમના સમાજનો ટેકો છે.તો અન્ય રાજકીય માંધાતાઓ પણ તેઓ ચેરમેન બને તેવું ઇચ્છી રહ્યા છે. જેથી તેમનું નામ મોખરાનુ છે.તો બીજા દાવેદાર પ્રવિણ પીંડોરીયા પણ મજબુત દાવેદાર છે. પરંતુ. કચ્છ જિલ્લા પંચાયતનુ પ્રમુખ સ્થાન પાર્ટી જો પટેલ સમાજને આપે તો ભાડામાં તેમનુ પત્તુ કપાઇ શકે છે. કેમકે બે મોટા હોદ્દા ભાજપ પાર્ટી એક સમાજને આપી શકે તેમ નથી. તો બે ક્ષત્રિય આગેવાનો પણ રેસમાં છે. પરંતુ સુત્રોનુ માનીએ તો ધારાસભ્ય નીમાબેનને ટીકીટ મળવા સાથે પાર્ટી સામે માંડેલો ખુલ્લો મોરચો અને કયાંક પડદા પાછળની રાજકીય ખટ્ટપટ આ બે ક્ષત્રિય આગેવાનોને નડી શકે છે. તેવુ રાજકીય સૂત્રો કહી રહ્યા છે. તો હિતેશ ખંડોર પણ ભાડાના ચેરમેનની રેસમાં છે પરંતુ હવે તાલુકા પંચાયત પ્રમુખનુ રોટેશન બદલાતા તેમને ભાડાના ચેરમેન પદ કરતા ભુજ તાલુકા પંચાયત પ્રમુખ બનવા તરફ વધારે ફોકસ કર્યુ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.

આ રહેશે નવા પ્રમુખ માટે પડકાર !!

‘મુંગેરીલાલના હસીન સપના’ની જેમ ભાડાએ ભુજના વિકાસ માટે કામો કરવાના વાયદા તો અનેક કર્યા. પરંતુ જ્યુબીલી સર્કલ પર ઓવરબ્રીજની જેમ તે માત્ર સપના સમાન જ લોકોને લાગ્યા. કેમકે, વાતો અનેક થઇ પરંતુ કામ ક્યાંયે દેખાયુ નહી .તો જમીન માલિકી હક્કના પ્રશ્નો,નવી ટીપી સ્કીમ અમલી બનાવવાનુ કામ.નવી શરત ના પ્રિમીયમનો પ્રશ્ન, રીલોકેશન સાઇટ પર ખાલી દુકાનોના પ્રશ્ર્નો, ભુજ ની હદ વધારવાનો મુદ્દો ઉપરાંત ઝોન બદલવાની માંગણી, રહેણાંક ના પ્લોટના સબ પ્લોટિંગ, બાંધકામ મંજુરીમાં થતો વિલંબ,ગેરકાયેદસર બાંધકામોના ફાટી નિકળેલા રાફડાને રોકવા સહિતના અનેક પડકારો રહેશે. જેમા ક્યાક જુના ચેરમેન ઉંણા ઉતર્યા છે. પરંતુ ,હવે નવા પ્રમુખ પાસે શહેરને અપેક્ષા પણ છે. અને તેમના માટે તે ભુજ ના લોકોની અપેક્ષાઓ પુરી કરવાનો પડકાર પણ રહેશે.