Home Current સોશ્યલ મીડીયાના અતિરેકે કચ્છમા ફરી સર્જ્યો વિવાદ : ટોપી મુદ્દે ટ્રોલ થયા...

સોશ્યલ મીડીયાના અતિરેકે કચ્છમા ફરી સર્જ્યો વિવાદ : ટોપી મુદ્દે ટ્રોલ થયા બાદ અબડાસાના ધારાસભ્યની ફરીયાદ પછી શું થયું?

4045
SHARE

સમગ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ સોશ્યલ મીડીયામાં ટ્રોલ થયેલી તેમની મુસ્લિમ ટોપી પહેરેલી તસ્વીરની કોમેન્ટ અંગે કરેલી પોલીસ ફરિયાદ અને ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાની વિરુદ્ધ વિક્રમસિંહ સોઢાએ તેમની પોસ્ટ અંગે અપાયેલી ધાકધમકીની પ્રતિ ફરિયાદે ચર્ચા જગાવી છે.

શુ છે વિવાદ અને બંને પક્ષે શું કરાઇ છે પોલીસને રજુઆત ?

અબડાસાના આશાલડી ગામે મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાને મુસ્લિમ ટોપી પહેરાવાઇ હતી. આ ટોપી પહેરેલી તેમની તસવીર સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ હતી. ટોપી પહેરેલી તસ્વીર ટ્રોલ થઈ અને તેના ઉપર ટીક્કા ટિપ્પણી અને અભદ્ર કોમેન્ટ્સ કરાઈ હતી. જે અંગે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએએ પશ્ચિમ કચ્છ એલસીબીને લેખિત ફરિયાદ કરી કસુરવારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું છે. દરમ્યાન આ જ મુદ્દે વેડહાર ગામ ના વિક્રમસિંહ જાડેજાએ નખત્રાણા ડીવાએસપી ને લેખિતમાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા તેમના પુત્ર અને ટેકેદારો વિરુદ્ધ ધાકધમકીની અને જાન નું જોખમ હોવાની ફરિયાદ કરી છે.
આ વિવાદ દરમ્યાન આ જ સમયગાળા માં પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડાએ છેલ્લા કેટલાક સમયથી સોશ્યિલ મીડિયામાં થઈ રહેલી ટીક્કા ટિપ્પણીઓ સહિત ઉશ્કેરણી જનક મેસેજ અને કોમેન્ટ સામે કડક કાર્યવાહીનો સંકેત આપ્યો હતો નલિયા મધ્યે પોલીસ લોકદરબારમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભરાડાએ સોશ્યિલ મીડિયાના દૂર ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરતા જણાવ્યું હતું કે અભદ્ર ભાષાના પ્રયોગ કે ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ સામે “પાસા’ સહિતની કાર્યવાહી પણ કરાશે.

ટોપી અને ધમકી મુદ્દે શું કહે છે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા?

મુસ્લિમ ટોપી પહેરવા અંગે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા એ ન્યૂઝ4કચ્છ સાથે ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું હતું કે તેઓ તેમના મત વિસ્તારમાં મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા ત્યારે એક વડીલે તેમને ટોપી પહેરાવી હતી. સમાજની ધાર્મિક લાગણીનું માન રાખતા તેમણે એ ટોપી પહેરી હતી. પ્રજાકીય પ્રતિનિધિ તરીકે તેઓ દરેક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એટલે તેમણે સદ્દભાવનાના પ્રતીક રૂપે આ ટોપી પહેરી રાખી હતી, અને દરેક રાજકીય પક્ષના નેતાઓ રમજાન દરમ્યાન મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમોમાં જતા હોય છે. પરંતુ, સોશ્યલ મીડીયામાંમાં મને ઉતારી પાડે તેવું લખાણ લખાયું તેનાથી મને ઠેસ પહોંચી છે અને મેં આ અંગે પશ્ચિમ કચ્છ એલસીબી ને ફરિયાદ કરી છે. બાકી જે ટીકા કરી રહ્યા છે, તેમને મારો જવાબ છે કે, મારી પોતાની ધાર્મિક લાગણી એ મારી અંગત બાબત છે. પણ ધારાસભ્ય તરીકે હું દરેક ધર્મના કાર્યક્રમમાં જાઉં છું, નખત્રાણાની ક્રિશ્ચિયન સ્કૂલ અર્ચના સ્કૂલના કાર્યક્રમમાં પણ જાઉં છું. મારા મુસ્લિમ ટોપી પહેરવાના ફોટા સોશ્યલ મીડીયામાં ફરતા કરીને તે વિશે ટીક્કા ટિપ્પણી તેમજ અભદ્ર કોમેન્ટ્સ કરનારાઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તેવી મારી માંગ છે.

જો મેં ધમકી આપી તેવી ઓડિયો કલીપ હોય તો પોલીસ કાર્યવાહી કરે,બાકી મારો પુત્ર ગુસ્સે થયો હશે…

નખત્રાણાના વેડહાર ગામના વિક્રમસિંહ સોઢાએ નખત્રાણાના ડી.વાય.એસ.પી. લેખિતમાં કરેલી રજુઆત પ્રમાણે તેમણે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાની મુસ્લિમ ટોપી પહેરેલી તસ્વીર અંગે કરેલી કોમેન્ટ્સ બાદ તેમને ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા,તેમના પુત્ર જયદીપસિંહ અને અન્ય ટેકેદારો દ્વારા ધાકધમકી કરાઈ હોવાનું અને પોતાને જાન નું જોખમ હોવાનું જણાવ્યું છે.આ લેખિત અરજીમાં ફરિયાદી વિક્રમસિંહ સોઢાએ પોલીસને ધમકીની ઓડિયો કલીપ પણ મોકલી હોવાનો ઉલ્લેખ કર્યો છે. ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાને ન્યૂઝ4કચ્છે ધમકી અંગે થયેલી ફરિયાદ વિશે પુછ્યું તો તેમણે કહ્યું હતું કે જો મેં કોઈ ધમકી આપી હોય અને તેની કોઈ ઓડિયો કલીપ હોય તો પોલીસ મારી સામે કાર્યવાહી કરે. પણ, મારા પુત્ર જયદીપસિંહ એ પિતા ઉપરની કોમેન્ટ્સના કારણે કદાચ ઉગ્ર પ્રતિક્રિયા આપી હશે. પણ મને કાયદો અને વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે.

આ વિવાદ અંગે ભુજ ખાતે મળી ગયેલા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આપેલી પ્રતિક્રિયા જાણવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો