Home Current કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખના મુદ્દે ભાજપ ના સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાનો...

કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખના મુદ્દે ભાજપ ના સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાનો ધડાકો-અરવિંદ પીંડોરિયા વિશે કોંગ્રેસે શું કહ્યું?-જાણો રાજકીય હલચલ

2303
SHARE
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખની બીજા અઢી વરસ ની મુદ્દત માટેની વરણીને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે. ત્યારે ગરમીના આ દિવસોમાં રાજકીય ગરમાટો પણ વધી રહ્યો છે. આમ તો, જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છે,અને પ્રમુખની વરણી ભાજપના સભ્યોમાં થી જ થશે. પરંતુ, ભાજપની આંતરિક ખેંચતાણ અને રાજકીય બળાબળ ના પારખામાં કોંગ્રેસે ઝુકાવતાં રાજકીય ગરમાટો વધી ગયો છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના વિપક્ષી નેતા વી.કે. હુંબલે સુજલામ સુફલામ ના મુદ્દે પત્રકાર પરિષદ બોલાવી હતી અને જળસંચય યોજનાને નિષ્ફળ ગણાવી સરકાર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે એવો આક્ષેપ કર્યો હતો. બંધારા યોજના અને બોરીબંધના ભ્રષ્ટાચાર ની વાત કરી એ બંધો ક્યાં ગયા એવો વેધક સવાલ કોંગ્રેસે કર્યો હતો. હમણાં સિંચાઈ હસ્તકના ડેમ ના અને બંધપાળા ના કામોની લીપાપોતી ને ઢાંકવા સુજલામ સુફલામ યોજના ચાલુ કરાઈ હોવાનો આક્ષેપ કરી ભ્રષ્ટાચારને ઢાંકવા સુજલામ સુફલામ યોજના કાર્યરત કરાઈ હોવાનું જણાવ્યું હતું. ભાજપ ના આગેવાનોની સાથે વહીવટીતંત્ર ના મેળાપીપણા સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા.

અને જિલ્લા પંચાયતના પ્રમુખનો મુદ્દો છેડી કોંગ્રેસે કર્યો રાજકીય ધડાકો !!

કચ્છ જિલ્લા પંચાયતના વહીવટને ભ્રષ્ટ ગણાવીને વિપક્ષી નેતા વી. કે. હુંબલે ભાજપ વિરુદ્ધ મોરચો માંડીને રાજકીય ખળભળાટ સર્જતું નિવેદન કર્યું. કચ્છ ભાજપમાં અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે આંતરિક હુસાંતુસી ચાલી રહી છે તે વચ્ચે કોંગ્રેસે ઝુકાવી દીધું હતું. વી.કે. હુંબલે એવો દાવો કર્યો હતો કે જિલ્લા પંચાયતના ભાજપના અમુક સભ્યો અમારા કોંગ્રેસના સંપર્ક માં છે,અને રાજકીય નવાજુની થઈ શકે છે. જોકે, વી.કે.હુંબલે એક કાંકરે બે નિશાન તાકતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કૌશલ્યાબેન માધાપરિયાની કામગીરીથી કોંગ્રેસને સંતોષ છે, ભાજપે નવા પ્રમુખ એમના જેવાજ નીમવા જોઈએ. તો અરવિંદ પિંડોરીયાને કોઈ પદ નથી જોઈતું એવું તેઓ કહે છે,એમ કહીને ભાજપે અન્ય સમાજના પ્રતિનિધિઓને પણ તક આપવી જોઈએ એવું રાજકીય સુચન કરીને રાજકીય વમળો સર્જ્યા હતા. જોકે, ફરી આ મુદ્દે પ્રશ્ન કરતા વી.કે.હુંબલે ફેરવી તોળ્યું હતું કે હું પાટીદાર સમાજનો વિરોધ નથી કરતો પણ ભાજપ અન્ય સમાજને પ્રમુખ પદ માટે તક આપે એવું ઈચ્છું છું.

કચ્છ કોંગ્રેસનું ઘર બળી રહ્યું છે,છતાં ભાજપ ઉપર નિશાન કોના ઈશારે?

જિલ્લા પંચાયત ના અઢી વરસ ના શાસનબાદ વિપક્ષી નેતા માટે કચ્છ કોંગ્રેસ માં થી કિશોરસિંહ જાડેજા,સલીમ જત અને હઠુભા જાડેજા જેવા નેતાઓ તૈયાર છે. પણ પત્રકાર પરિષદ માં જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી અને ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાની હાજરીમાં વી.કે.હુંબલે પોતાની મુદત પુરી થશે તો તેમના સ્થાને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા તરીકે કોંગ્રેસમાથી કોણ આવશે તે વિશે બોલવાનું ટાળ્યું હતું. તો ભાજપને સલાહ આપનાર વી.કે.હુંબલે કચ્છ કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરીને કાબેલ ગણાવ્યા પરંતુ તેઓને કાબેલ નેતા તરીકે બીજી ટર્મ માટે કચ્છ કોંગ્રેસના પ્રમુખ તરીકે ટેકો આપવાના પ્રશ્ને તેમણે હાઇકમાન્ડ ને ખો આપી દીધો. ખુદ કચ્છ કોંગ્રેસનું ઘર ભડકે બળી રહ્યું છે ત્યારે પૂર્વ પ્રમુખ અને પીઢ નેતા તરીકે કચ્છ કોંગ્રેસના બળતા ઘર ની આગ ઠારવાને બદલે વી.કે. હુંબલે ભાજપ ને આપેલી સલાહ પાછળ કોનું ભેજું છે એ કોંગ્રેસ અને ભાજપના રાજકારણને સમજનારા સારી રીતે સમજી શકે તેમ છે. જોકે, હમણાં લાંબા સમયથી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા જ્યંત માધાપરિયા નું મૌન પણ સૂચક છે.આ પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત સદસ્યો કિશોરસિંહ જાડેજા, હરિભાઈ આહીર, હઠુભા જાડેજા, રશીદ સમા,ઉપરાંત ઘનશ્યામસિંહ ભાટી, રમેશ ગરવા અને ગની કુંભાર ઉપસ્થિત રહ્યા હતા.