Home Current કલેક્ટર જાહેર કરે બાળ મૃત્યુ નો રિપોર્ટ, કોંગ્રેસે GK અદાણી સામે તપાસ...

કલેક્ટર જાહેર કરે બાળ મૃત્યુ નો રિપોર્ટ, કોંગ્રેસે GK અદાણી સામે તપાસ માટે કરી માંગણીઓ અને દેખાવો સાથે કર્યો વિરોધ

1854
SHARE
અદાણી GK જનરલ હોસ્પિટલના બાળ મૃત્યુનો વિવાદ હવે તપાસ સમિતિના અહેવાલને પગલે ગરમાયો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસે અદાણી GK જનરલ હોસ્પિટલની સામે બેનરો અને સૂત્રોચ્ચાર યોજીને કથળેલી તબીબી સેવાઓની સામે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાંચ મહિનામાં ૧૧૧ બાળકોના મોત અને ૨૦ દિવસમાં ૨૬ બાળકોના મોતના બનાવ ને કારણે સારવાર સામે સવાલો ઉઠાવીને વિરોધ વ્યક્ત કરતા અદાણી GK થી જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાની નીચે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલ, પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, પૂર્વ ધારાસભ્ય વાલજી દનીચા,નવલસિંહ જાડેજા, રફીક મારા, સહિત અન્ય આગેવાનો અને કાર્યકરો પગપાળા રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.અહીં કલેકટર કચેરી સામે પણ કોંગ્રેસે બાળ મૃત્યુની ઘટના ને વખોડીને નારાજગી વ્યક્ત કરી હતી.

કોંગ્રેસે કલેકટરને શું કહ્યું ?

કચ્છ જિલ્લા કોંગ્રેસે કલેકટર રેમ્યા મોહન સમક્ષ લેખિત અને મૌખિકમાં અદાણી GK વિરુદ્ધ અને હાલની તપાસ સમિતિના ક્લીનચીટના અહેવાલ વિરુદ્ધ રજુઆત કરીને આ માંગણીઓ કરી હતી.
◆રાજ્ય સરકાર બાળ મૃત્યુ મામલે ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ સમિતિ રચી ફેર તપાસ કરે ◆ છેલ્લા ત્રણ વર્ષમાં મૃત્યુ પામેલા નવજાત શિશુઓના વાલીઓને મળી તપાસ કરવામાં આવે ◆સારવારમાં બેદરકારી દર્શાવનાર સ્ટાફ વિરુદ્ધ પગલાં ભરાય ◆ તપાસ સમિતિ દ્વારા તબીબ, સ્ટાફ અને વાલીઓને મળી તેનો રિપોર્ટ જાહેર કરવો ◆ રાજ્ય સરકાર હોસ્પિટલનું સંચાલન જાતે કરી લોકોને મફત સારી સારવાર પુરી પાડે ◆ કચ્છમાં થતા તમામ બાળ મૃત્યુની તપાસ થાય ◆તાલુકા કક્ષાએ નવજાત શિશુની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવે ◆ કલેકટરે પોતે જે અહેવાલ મંગાવ્યો હતો તેને કલેકટર જાતે જાહેર કરે ◆ તપાસ સમિતિનો બાળ મૃત્યુનો અહેવાલ રાજ્યના આરોગ્યમંત્રી અથવા તો આરોગ્ય કમિશનર દ્વારા જાહેર કરવામાં આવે.

કલેકટરે બાળમૃત્યુ અંગે શું કહ્યું ?

અદાણી GK માં થયેલા બાળમૃત્યુ અંગે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કહ્યું હતું કે તેમને તપાસ સમિતિનો લેખિત રિપોર્ટ મળ્યો નથી. માત્ર મૌખિક રીતે તેમણે રિપોર્ટ જાણ્યો છે. અદાણી દ્વારા જાહેર કરાયેલી ક્લીનચીટના મુદ્દે તેમણે તપાસ કરવાની વાત કરી હતી. ચેરમેન તરીકે પોતે સીધી જ બાળમૃત્યુની તપાસ પુરતી તબીબી જાણકારીના અભાવે ન કરી શકે એટલે તેમણે હોસ્પિટલ પાસે થી અહેવાલ મંગાવ્યો હતો. જિલ્લામાં થતા નવજાત શિશુઓના મોતના કારણોની સમીક્ષા નિયમિત થાય છે. તપાસ સમિતિએ અદાણી GK માં તબીબી સારવાર માટે કરેલા સૂચનાનું પાલન ચુસ્ત પણે થાય તેનું મોનીટરીંગ કલેકટર તરીકે પોતે કરશે એવું રેમ્યા મોહને ન્યૂઝ4કચ્છ ને જણાવ્યું હતું.