Home Current ૪ વર્ષની સિદ્ધિઓની પ્રશંસા વચ્ચે પેટ્રોલ,ડીઝલ,ગેસ ના ભાવ અને ડૉ. પ્રવીણ તોગડીયા...

૪ વર્ષની સિદ્ધિઓની પ્રશંસા વચ્ચે પેટ્રોલ,ડીઝલ,ગેસ ના ભાવ અને ડૉ. પ્રવીણ તોગડીયા વિશે ગોરધન ઝડફીયા એ શું કહ્યું?- જાણો ચર્ચાતા પ્રશ્નોની રાજકીય નવાજુની

986
SHARE
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા હમણાંથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીનું મૂલ્યાંકન અને લોકોમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે મોદી સરકારની ૪ વર્ષની કામગીરીનું રિપોર્ટકાર્ડ લઈને ભુજ આવેલા ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાની પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકારના દાવાઓ વચ્ચે કચ્છના પત્રકારોએ પ્રજામાં ચર્ચાતા પ્રશ્નોના સવાલોની ઝડી વરસાવી હતી. ગરમાટો સર્જતા પ્રશ્નો વિશે વાત કરીએ તે પહેલા મોદી સરકારની સિદ્ધિઓ વિશેના દાવાઓ જાણી લઈએ. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રીઓ અંનિરુદ્ધ દવે, દેવજીભાઈ આહીર, શૈલેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સાંસદ વિનોદ ચાવડાએ જિલ્લા કક્ષાએ કરાયેલી સિદ્ધિ રૂપ કામગીરી વિશે વાત કરી હતી. જેમાં પાસપોર્ટ કેન્દ્ર, ઘડુલી-સાંતલપુર રોડ, ચિત્રોડ હાઈ વે, ઉજ્જ્વલા યોજના, જનધન યોજના, સુજલામ સુફલામ યોજના, નર્મદાના પાણી, સહિતની કચ્છમાં કાર્યરત કરાયેલ અનેક સફળ કામગીરીનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને આપ્યો હતો.

નરેન્દ્ર મોદી વિશે ગોરધન ઝડફીયાએ શું કહ્યું ?

ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વૈશ્વિક પ્રતિભા ગણાવીને તેમના કાર્યકાળમાં ભારતે વિશ્વમાં નવી જ ઓળખ ઉભી કર્યાનો દાવો કર્યો હતો. જનધન,જીવન વીમા, જીવન સુરક્ષા, ઉજ્જ્વલા,શૌચાલય, વીજળીની સુવિધા, અંત્યોદય, મુદ્રા લોન, નવા ઘર માટે સહાય,જેવી અનેકવિધ યોજનાના સફળ અમલીકરણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો લોકોના જીવનમાં બદલાવ લાવીને આ સરકાર તેમની પોતાની હોવાનો અહેસાસ કરાવ્યો છે, એવો દાવો કર્યો હતો. કિસાનો માટે સોઈલ હેલ્થકાર્ડ, ફસલ યોજના, માઈક્રો ઇરિગેશન, યુરિયા ખાતર, ખેત પેદાશોના ભાવ માટે મોદી સરકારની કામગીરીને કિસાનલક્ષી બતાવી હતી. આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી હોય કે સર્જીકલ સ્ટ્રાઈક, નોટબંધી, GST હોય, હૃદયના ઓપરેશન માટે શસ્ત્રક્રિયાના ભાવ ઘટાડવા, જેનરીક દવાઓના દવાઓના વેંચાણ માટે મોદી સરકારે પોતાના મજબૂત ઇરાદાઓ સાથે કામ કર્યું છે. નર્મદા ડેમની ઊંચાઈ વધારવા, LED ના ઉપયોગ વડે વીજળી બચાવવા, નમો કેર દ્વારા ૫ લાખ રૂપિયાની મેડીકલેઇમ વીમા યોજના, બુલેટ ટ્રેનના નિર્માણ માટે મોદી સરકારે નવી પહેલ કરી છે. રાજ્યની વિજય રૂપાણીની સરકાર ને બિરદાવતા સ્કુલ હેલ્થ, માં કાર્ડ, બોર્ન મેરો માટે આર્થિક સહાય ની કામગીરીને બિરદાવી હતી.

ગોરધન ઝડફીયા કયા ક્યા પ્રશ્નો માં મૂંઝાયા ?

કચ્છ ભાજપ કાર્યાલયમાં યોજાયેલી આ પત્રકાર પરિષદમાં વાતાનુકુલિત વાતાવરણ વચ્ચે પત્રકારોએ કચ્છી પ્રજામાં ચર્ચાતા સવાલોની ઝડી વરસાવતા ગરમાટો આવી ગયો હતો. પેટ્રોલમાં એક પૈસો ભાવ ઘટાડનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ચૂંટણી પહેલાના પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધારાના ભાષણો અને સતામાં આવ્યા પછી ૧૦૦ દિવસમાં ભાવ ઘટાડવાના વચનને શું ભૂલી ગયા છે ? કાશ્મીર સરહદે યુદ્ધમાં શહીદ થતા સૈનિકો, આંતરિક અશાંત પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન સાથે કડક હાથે કામ લેવાના ભાષણો ભુલાઈ જવાયા છે ? જેનરીક દવાઓ ડૉક્ટર લખતા નથી તો આવા સ્ટોરનો ફાયદો દર્દીઓને શું થાય? કૃષિક્ષેત્રે અપાયેલી રાહતો છતાંય ખેડૂતોનો વિરોધ, ભારતીય કિસાન સંઘની નારાજગી,ભુજની અદાણી GK હોસ્પિટલમાં થયેલા બાળકોના મોત નો જવાબ તેમણે ટાળ્યો હતો. તો દેશના ચોકીદાર તરીકે દાવો કરનારી મોદી સરકાર દાઉદ ઇબ્રાહિમ હોય કે પછી નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી જેવા કૌભાંડિયાઓને કેમ પકડી શકી નથી? જોકે, વિહિપ ના પૂર્વનેતા ડો. પ્રવીણ તોગડીયા શા માટે મોદી સરકારથી નારાજ છે તે સવાલ પૂછાતા જ ગોરધન ઝડફીયાએ આ વિશે હું કહી નહીં કહું એવું કહી પત્રકાર પરિષદ પૂર્ણ કરી દીધી હતી. કચ્છ ભાજપ વતી પત્રકાર પરિષદની વ્યવસ્થા મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર અને સહ ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીએ સંભાળી હતી.