બેંક કૌભાંડના કારણે ચર્ચામાં આવેલા ભદ્રેશ મહેતા અને કચ્છનું શું કનેક્શન છે? લાખો નહીં પણ કરોડો રૂપિયાની લોન એક થી વધુ બેંકો પાસેથી મેળવનાર ભદ્રેશ મહેતાનું ભદ્રેશ શાહ અને ભદ્રેશ ટ્રેડીંગના નામે કચ્છમાં જાણીતું નામ છે. તેનું કારણ તેનો કચ્છના અમુક રાજકીય અને સામાજિક આગેવાનો સાથેનો ઘરોબો છે. કોણ છે એ આગેવાનો તેની લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તો આ લોન કૌભાંડમાં કઈ કઈ બેંકો છે એમના વિશે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
કઈ બેંકો છે? લોનનો આંકડો સાંભળીને આંખો થઈ જશે પહોળી!!
સામાન્ય માણસને લોન આપવામાં અખાડો કરતી બેંકોએ ભદ્રેશ મહેતાને કરોડો, હા કરોડો રૂપિયાની લોન ફટાફટ આપી દીધી છે,અને લોન આપનારી આ બેંકો જેવી તેવી નથી હાઇફાઈ છે. ચર્ચાતી વાતો પ્રમાણે દેશની નંબર વન ગણાતી બેંકોએ ભદ્રેશ મહેતા અને તેની કંપનીના કચ્છના અને અન્ય શહેરોના બેંક એકાઉન્ટમાં લાખો અને કરોડો રૂપિયાની હેરાફેરી અંગે રિઝર્વ બેંકને જાણકારી નથી આપી. પશ્ચિમ કચ્છની એક રાષ્ટ્રીયકૃત બેંકના ભદ્રેશ મહેતાના એકાઉન્ટમાં સતત લાખ અને કરોડ રૂપિયાની રકમની હેરફેરના જમા ઉધારના હવાલા કચ્છના સ્થાનિક રહેવાસીઓના ખાતામાં થી થતા રહેતા હતા. જે ને ધંધાદારી ટર્ન ઓવર તરીકે દર્શાવી લોન મેળવવામાં આવતી હતી. જોકે, આજ મોડ્સ ઓપરેન્ડી પ્રાઇવેટ બેંકો સાથે પણ અજમવાઈ હોવાનું ચર્ચાય છે. જે બેંકો સાથે મોટી મોટી રકમની છેતરપીંડી કરી લોન મેળવાઈ છે, તે બેંકની સ્થાનિક કચ્છની શાખા ઓને વિશ્વાસમાં લીધા વગર જ પરબારા કરોડો રૂપિયા મંજુર કરી દેવાયા છે. લોન કૌભાંડમાં ચર્ચાતી બેંકોમાં સ્ટેટ બેંક, દેના બેંક, ICICI, HDFC, IDBI બેંકના નામ છે અને બિનસત્તાવાર જોકે, ATS અને CID ક્રાઇમની કાર્યવાહી પછી DLBC(જિલ્લા કક્ષાની બેંક કમીટી) અથવા તો SLBC(રાજ્યકક્ષાની બેંક કમિટી) એ ભદ્રેશ મહેતાના લોન કૌભાંડમાં સંકળાયેલી બેંકોના નામ અને લોનની રકમ વિશે સાચી માહિતી મેળવીને તે મીડીયાના માધ્યમથી જાહેર કરવી જોઈએ, જેથી લોકોને સાચી માહિતી મળે. ચર્ચાતી વાતો પ્રમાણે લોન કૌભાંડ નો આંક ૫૦૦૦ કરોડ થી ૭૦૦૦ કરોડ વચ્ચેનો હોઈ શકે . પ્રશ્ન એ જ છે કે સામાન્ય માણસને બેંક ના ખાતામાં નાણાકીય વ્યવહાર માટે આધારકાર્ડ, પાનકાર્ડ જેવા દસ્તાવેજો માંગતી બેંકોએ કઈ રીતે ભદ્રેશ મહેતાની ફટાફટ લાખો અને કરોડોની લોન મંજુર કરી?
અબડાસા અને ભુજમાં જમીન દર્શાવી લોન મેળવાઈ?
ખેતીની જમીનની ઊંચી વેલ્યુએશન દર્શાવીને મોટી રકમની લોન મેળવાતી હતી. એટલે આ લોન કૌભાંડમાં જમીનની કિંમત નું ખોટું સર્ટીફીકેટ આપનાર વેલ્યુઅર એવા ઈજનેર, સ્થાનિક બેંક શાખાને પૂછીને રૂબરૂ ઇન્સ્પેક્શન કર્યા વગર લાખો કરોડોની લોન મંજુર કરનાર અધિકારીઓને પકડવામાં આવે તો જ સાચી હકીકત બહાર આવશે. ભદ્રેશ મહેતાના કચ્છ કનેક્શનની ચર્ચાતી વાત કરીએ તો તેમની જમીન અબડાસા અને ભુજમાં હોવાનું મનાઇ રહ્યું છે. લોકોમાં ચર્ચાતી વાતો પ્રમાણે ભદ્રેશ મહેતાના લોન કૌભાંડમાં કચ્છમાં શાસક પક્ષ સાથે સંકળાયેલા પાવરફુલ અને આંટીઘૂંટી જાણનારા ત્રણેક નેતા છે. તેઓ ભૂતકાળમાં ભદ્રેશ મહેતા સાથે ખૂબ જ નજીકનો વ્યાપારી અને નાણાકીય લેતીદેતી ઉપરાંત વ્યવસાયિક સંબધ ધરાવતા હતા. જોકે,અત્યારે તો સતાવાર રીતે બીજા કોઈ નામ પોલિસ તપાસમાં ખુલ્યા નથી.જમીનના ધંધામાં માહિર એવા ત્રણેક નેતાઓ સરકારી ખરાબાની જમીનની આજુબાજુ ખેતીની ભદ્રેશ મહેતા માટે જમીન ખરીદતા હતા અને પછી માલિકીની જમીન સાથે સરકારી ખરાબાની જમીન ભેળવી દેતા હતા. આમાં ક્યાંક બોગસ ૭/૧૨ ના ઉતારા અને ખોટો રેવન્યુ રેકોર્ડ ઉભા કરાયા હોવાની પણ ચર્ચા છે. હવે એ જોવું રહ્યું કે CID ક્રાઇમની તપાસમાં કચ્છ કનેક્શનનો રેલો ક્યાં સુધી પહોંચે છે ??