મુંદરાના બેરાજા પાસે આજે સવારે એરફોર્સ નું ફાઇટર પ્લેન ક્રેશ થતા લોકોમાં દોડધામ સાથે ગભરાટ મચી જવા પામ્યો હતો. આકાશમાં ઉડતું પ્લેન ક્રેશ થવાની ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. દરમ્યાન જિલ્લા કલેકટર રેમ્યા મોહને ન્યૂઝ4કચ્છ ને આપેલી સતાવાર વિગતો પ્રમાણે બેરાજા અને બાબીયા ની વચ્ચે ઉડતું આ ફાઇટર પ્લેન જામનગર એરફોર્સ નું હતું અને કોઈ યાંત્રિક ખામીને કારણે તૂટી પડ્યું હોઈ શકે છે. જોકે, ફાઇટર પ્લેન ક્રેશ થવાના સાચુ કારણ તો એરફોર્સ ની તપાસ બાદ જ બહાર આવશે. જોકે, પ્રાથમિક તબક્કે કલેકટરે કોઈ જાનહાની ની માહિતી હોવાં અંગે અજાણતા દર્શાવીને તપાસ બાદ જ જાણકારી મળી શકે તેવું જણાવ્યું છે. બિન સતાવાર રીતે મળતી માહિતી મુજબ ફાઇટર પ્લેન તૂટી ૫ડતા ૧૪ ગાયો ના મોત નીપજ્યાં હોવાનું જાણવા મળે છે. ઘટના બાદ એરફોર્સની ટીમ પણ ઘટના સ્થળે તપાસ માટે બેરાજા પહોંચી ચુકી છે. ફાઇટર પ્લેન ના પાયલોટ અંગે તપાસ કર્યા બાદ જ માહિતી મળી શકે તેવું કલેકટર રેમ્યા મોહને ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું.