કચ્છની ૪ નગરપાલિકા પછી હવે જિલ્લા પંચાયત અને ૧૦ તાલુકા પંચાયતોના પ્રમુખ/ઉપપ્રમુખની યોજાનારી ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ગયું છે. પંચાયતોના પ્રમુખ/ઉપપ્રમુખની વરણીને પગલે કચ્છના ગ્રામ્ય અને તાલુકા મથકોનો રાજકીય માહોલ ગરમ બન્યો છે. હવે બધાની આતુરતાનો અંત ગણત્રીના દિવસોમાં જ આવી જશે.
કયારે છે ચૂંટણી?
જિલ્લા પંચાયતનું જાહેરનામું રાજ્યના વિકાસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિદ્ધ કર્યું છે. જ્યારે કચ્છ ની ૧૦ તાલુકા પંચાયતોનું જાહેરનામું ડીડીઓ પ્રભવ જોશીએ પ્રસિદ્ધ કર્યું છે. જિલ્લા અને ૧૦ તાલુકા પંચાયતો બંનેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની દાવેદારી ૧૯/૬ સુધી કરી શકાશે. જિલ્લા પંચાયતની ભુજ માં જિલ્લા પંચાયત કચેરીમાં જ્યારે ૧૦ તાલુકા પંચાયતોની દાવેદારી જે તે તાલુકા પંચાયતોની કચેરીમાં કરી શકાશે. દાવેદારો ના ઉમેદવારી પત્રની અંતિમ ચકાસણી ૧૯/૬ ના સવારે ૧૧ થી ૨ વચ્ચે કરાશે. જ્યારે ચૂંટણી બધી જગ્યાએ એક જ દિવસે ૨૦/૬ ના યોજાશે.
શુ છે રોટેશન? કોણ કરશે ચૂંટણી?
જિલ્લા પંચાયતના પ્રમુખની બેઠક સામાન્ય છે.૧૦ તાલુકા પંચાયત ના રોટેશનની વાત કરીએ તો, ભુજ, માંડવી, અંજાર, ભચાઉની તાલુકા પંચાયતમા પ્રમુખની બેઠક સામાન્ય છે. જ્યારે મુંદરા, નખત્રાણા, રાપર, લખપત તાલુકા પંચાયતમાં પ્રમુખની બેઠક મહિલા માટે અનામત છે.એટલે અહીં મહિલા પ્રમુખ બનશે.તો ગાંધીધામ તાલુકા પંચાયતમાં પ્રમુખની બેઠક બક્ષીપંચ માટે સામાન્ય બેઠક છે, અને એકમાત્ર અબડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખની બેઠક SC મહિલા અનામત બેઠક છે. ટૂંક માં વાત કરીએ તો કચ્છની ૧૦ તાલુકા પંચાયતોમાં પ્રમુખ તરીકે ૫ માં પુરુષ જ્યારે ૫ માં મહિલા એમ ૫૦-૫૦℅ માં પુરુષ અને મહિલા ઉમેદવારોની ભાગીદારી હશે.
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી કલેકટરની અધ્યક્ષતામાં ૨૦/૬ના સવારે ૧૧ વાગ્યે જિલ્લા પંચાયત હોલ ભુજ મધ્યે થશે. જ્યારે ૧૦ તાલુકા પંચાયતોના પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ આ મુજબ છે .ભુજ તાલુકા પંચાયતમાં ડે. કલે.ભુજની ઉપસ્થિતિમાં બપોરે ૧૨ વાગ્યે તા.પ. કચેરીમાં, માંડવી તાલુકા પંચાયતમાં મામલતદારની ઉપસ્થિતિમાં સવારે ૧૧ તા.પ. કચેરીમા, મુંદરા તાલુકા પંચાયતમાં ડે. કલે. મુંદરાની ઉપસ્થિતિ માં બપોરે ૧ વાગ્યે તા.પ. કચેરીમાં, અંજાર તાલુકા પંચાયતમાં ડે.કલે. અંજારની ઉપસ્થિતિમાં સવારે ૧૧ વાગ્યે તા.પ. કચેરીમાં, ગાંધીધામ તાલુકા પંચાયતમાં બપોરે ૧ વાગ્યે મામલતદારની ઉપસ્થિતિમાં તા.પ. કચેરી, ભચાઉ તાલુકા પંચાયતમાં સવારે ૧૧ વાગ્યે ડે. કલે. ભચાઉની ઉપસ્થિતિમાં તા.પ. કચેરી, રાપર તાલુકા પંચાયતમાં બપોરે ૧ વાગ્યે મામલતદારની ઉપસ્થિતિમાં તા.પ. કચેરી, અબડાસા તાલુકા પંચાયતમાં બપોરે ૧ વાગ્યે ડે. કલે. નલિયાની ઉપસ્થિતિમાં તા.પ. કચેરીમાં, લખપત તાલુકા પંચાયતમાં બપોરે ૩ વાગ્યે મામલતદાર દયાપર ની ઉપસ્થિતમાં તા.પ. કચેરીમાં અને નખત્રાણા તાલુકા પંચાયતમાં સવારે ૧૧ વાગ્યે ડે. કલે. નખત્રાણાની ઉપસ્થિતિમાં તા.પ. કચેરી મધ્યે થશે.આમ ૨૦ મી જૂને જિલ્લા અને તાલુકા પંચાયત ના સુકાનીઓની વરણી થઈ જશે.