Home Current ગાંધીધામની શાળાની દાદાગીરી હદ વટાવે છે : પોલીસ ફરિયાદ કરતી નથી, હાઈકોર્ટનો...

ગાંધીધામની શાળાની દાદાગીરી હદ વટાવે છે : પોલીસ ફરિયાદ કરતી નથી, હાઈકોર્ટનો આદેશ છતાં તપાસ નહીં 

1227
SHARE
ગાંધીધામની દયાનંદ આર્ય વેદિક પબ્લિક સ્કૂલના 7 બાળકોને શાળામાથી કાઢી મૂકવા બાબત પીયુસીએલની ટીમ દ્વારા તપાસ ટીમનો અહેવાલ તૈયાર કરાયો છે તે ઘણો ચોંકાવનારો છે. બાળકો તથા તેમના વાલીઓ સાથે અસભ્ય વર્તન કરવાની ફરિયાદના સંદર્ભમાં PUCLની ગુજરાતની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. એક શાળા કેટલી હિંમતથી કાયદાઓ અને નીતિ બાજુ પર મૂકીને સરકારી તંત્ર અને સમાજને પડકાર આપી શકે છે તે આ એક શળાના અમાનવીય વર્તનથી જોઈ શકાય છે. PUCLના મીનાક્ષીબેન જોષી, (સંગઠન મંત્રી, પીયૂસીએલ, ગુજરાત) સ્મિતાબેન પંડ્યા (એડવોકેટ), શિતલ પ્રદીપ (બચપન બચાવો આંદોલન) જોડાયા હતા. આ દરમ્યાન વાલીઓ સાથે તથા DySP સાથે મુલાકાત કરવામાં આવી હતી.તપાસમાં વિનોદભાઈ ખુબચન્દાની, ધર્મેન્દ્રભાઈ માખીજાની, અશ્વિનભાઈ મહેશ્વરી, અશ્વિનભાઈ માનવાની, જયંતભાઈ ચાવડા તથા વાલીઓ હાજર રહ્યા હતા.

સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવેલી બાળકોના નામ 

(1). માખીજાની હર્ષિતા ધર્મેન્દ્રભાઈ, ધો.6, ફી ના ભરવાથી (2). માખીજાની વિશાખા ધર્મેન્દ્રભાઈ ધો.5, ફી ના ભરવાથી (3).જેતવાની નયના લલીતભાઈ ધો.6 ફી ના ભરવાથી (4). જેતવાની પીયુષ લલીતભાઈ ધો.4 ફી ના ભરવાથી (5). ખુબચન્દાની આયુષ ધો.6 ફી ના ભરવાથી (6).મહેશ્વરી સંજના અશ્વિનભાઈ ધો.6 ફી ના ભરવાથી (7).મહેશ્વરી પ્રિયા અશ્વિનભાઈ ધો.4 ફી ના ભરવાથી
ઉપરોક્ત યાદીમાંથી માખીજાની હર્ષિતા અને વિશાખાના પિતા તરફથી FIR દાખલ કરવામાં આવી નથી. તેમની સાથે વાત કરતા જણાવ્યુ કે તેમને ધમકી મળી હતી કે તમારી છોકરીઓને બીજી શાળામાં એડમીશન નહિ મળે. મહેશ્વરી સંજના અને પ્રિયાના પિતાએ કલેક્ટરને અરજી કરી છે. જીલ્લા કલેક્ટરએ ગાંધીધામના  ભાવનાબેન પટેલ, SP ને FIR નોંધવા જણાવ્યું છે પણ હજી સુધી FIR દાખલ થઇ નથી. તેઓ ગાંધીધામ SPની મુલાકાતે ગયા હતા પરંતુ તેઓ હાજર ના હોવાથી DySP (SC/ST સેલ) ની મુલાકાત લીધી હતી. તેમની સાથે બનાવની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સંજના અને પ્રિયા બંને દલિત હોવા છતાં એક મહિના પહેલા કલેકટરે આદેશ કરેલા હોવા છતાં તેમની FIR દાખલ કરવામાં આવી નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આ છે પ્રશ્નોનું મૂળ

આ કેસની વિગતે માહિતી લેતા જાણવા મળ્યું છે કે ગાંધીધામ સ્થિત DAV (દયાનંદ આર્ય વેદિક પબ્લિક સ્કુલ) શાળા વર્ષ 2010માં શરુ કરવામાં આવી હતી. જયારે તેની શરૂઆત થઇ ત્યારે DAV Public School, Gandhidham (Adipur) ના નામે શરુ થઇ હતી જે CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત વિખ્યાત DAV Public Schoolનાં નામથી પ્રચલિત થઇ અને તેના ટુંકા નામનો ખોટો ઉપયોગ કરીને વાલીઓને છેતરીને CBSEના ધારા ધોરણ પ્રમાણે ફી લઈને બાળકોને દાખલ કરવામાં આવતા હતા.
પ્રાથમિક શિક્ષણ નિયામક ને અરજી કરવામાં આવી હતી. તેમજ જીલ્લા બાળ સુરક્ષા એકમ તરફથી પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અસુવિધાઓની પુષ્ટિ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખબર પડી કે આ શાળા ને CBSE માન્યતા મળી નથી. આ સંદર્ભે વાલીઓએ જીલ્લા શિક્ષણાધિકારીને ફરીયાદ કરી અને વાલીઓ પાસેથી જે CBSE ના નામે ગેરકાયદેસર ફી ઉઘરાવવામાં આવી છે તે પરત માંગવાની રજૂઆત કરવામાં આવી. આમ, 2010 થી 2015 સુધી ગેરકાયદેસર રીતે શાળા ચલાવી હતી. લોકોની માંગણી અને દબાણના કારણે શાળાએ CBSE માન્યતા માટે અરજી કરી અને ડીસેમ્બર 2015માં શાળાને માન્યતા મળી. જ્યારથી વાલીઓએ શાળાના પ્રાથમિક સુવિધાઓ બાબતે રજૂઆત કરવાની શરૂઆત કરી ત્યારથી બાળકોને શાળામાંથી ઉઠાવી લેવાની ધમકી આપતા હતા અને બાળકો ઉપર માનસિક ત્રાસ ગુજારાતો હતો જેમકે, બાળકો તરફ ધ્યાન ના આપવું, ફી ભરવા માટે બાળકોને દબાણ કરવું, સંસ્કૃતિક કાર્યક્રમો તથા શાળા તરફથી ઉજવાતા કાર્યક્રમોમાં બાળકોને ભાગ ના લેવા દેવો.
ત્યારબાદ 15-3-2016ના રોજ વાલી મીટીગ બોલાવવાના ઈરાદાથી વાલીઓને એકત્ર કરવામાં આવ્યા હતા અને તે દરમ્યાન શાળાના સ્ટાફ તથા સંચાલકો દ્વારા ફરિયાદી અને ફરિયાદીના બાળકો સાથે બિભત્સ વર્તન તથા ગાળા-ગાળી કરવામાં આવી હતી અને વાલીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
7 વાલીઓએ ગેરકાયદેસર ફી ઉઘરાવવાનો વિરોધ કર્યો હતો ત્યારબાદ 22-3-2016 ના રોજ ફી ભરવા ગયા ત્યારે તેમણે અમારી ફી ના સ્વીકારતા તેમના બાળકોના ટી.સી. ઘરે મોકલી આપ્યા હતા. ફી નથી ભરી તેવા બહાના હેઠળ કાઢી મૂકવામાં આવ્યા હતા અને ધમકી આપવામાં આવી હતી કે તમને બીજી કોઈ સ્કૂલમાં એડમીશન નહિ મળે. આ 7 બાળકો પૈકી 5 છોકરીઓ અને 2 છોકરાઓ હતા તેમાંથી 2 છોકરીઓ દલિત પરિવારની હતી. આ 7 બાળકોના વાલી સાથે રૂબરૂ મુલાકાત કરતા જાણવા મળ્યું કે કોઈપણ કારણ દર્શક નોટીસ આપ્યા વગર અમારા બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ સંદર્ભે ૭ બાળકોના વાલી પૈકી ૧ વાલીએ પોલીસ ફરિયાદ માટે અરજી નથી કરી જયારે બાકીના ૫ વાલીઓએ પોલીસ ફરિયાદ માટે અરજી કરી છે. પરંતુ પોલીસે તેમની FIR નોંધી નથી. અવારનવાર પોલીસમાં રજૂઆત કરવા છતાં પણ અમારી ફરિયાદ સ્વીકારવામાં આવી નથી જાન્યુઆરી 2017માં NHRCમાં રજૂઆત કરવામાં આવી હતી અને 7-2-2017ના રોજ NHRCએ શિક્ષણ વિભાગને નોટીસ મોકલી હતી. તેના ભાગરૂપે 13-2-2017થી શાળાની માન્યતા રદ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી પરંતુ DAV શાળા તરફથી માન્યતા રદ ના થાય તે માટે હાઇકોર્ટમાંથી સ્ટે લાવવામાં આવ્યો હતો.
અગાઉ લલિતભાઈની પોલીસ ફરીયાદ ના નોધાતા વિનોદભાઈએ 25-1-2017ના રોજ સોગંદનામું કરી ફરિયાદ નોધાઇ જેમાં પોલીસ દ્વારા મુખ્ય કલમો ના ઉમેરતા ગુજરાત હાઇકોર્ટમાં 18-4-2017માં પીટીશન કરી ફરિયાદ નોધાઇ હતી. જેમાં હાઇકોર્ટ નિર્દેશ કર્યો છે કે ફરિયાદીની ફરિયાદમાં પુરક કલમોનો ઉમેરો કરવામાં આવે અને SITનું ગઠન કરી આ તમામ બાબતની તપાસ હાથ ધરવામાં આવે.આ સંદર્ભે SIT માં DySP કક્ષાના અધિકારીની નિમણુક કરવામાં આવી. અને તેમની સમક્ષ બનાવની વિગત રજુ કરી FIR દાખલ કરવા તથા હાઇકોર્ટના હુકમનું પાલન કરવા જણાવ્યું. આ દરમ્યાન શાળા સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાં જઈ શાળાની માન્યતા રદ કરવાના નિર્ણય સામે Stay લઈ આવ્યા હતા. જેમાં વિનોદભાઈ તથા તેમના વકીલ વચ્ચેની ગેરસમજના કારણે તેઓ પીટીશનમાં પાર્ટી બની શક્યા નહિ.
આ કેસમાં SIT દ્વારા કોઈપણ જાતની તપાસ હાથ ધરવામાં આવી નથી અને જો તપાસ હાથ ધરી છે તો તેમાં વાલીઓના નિવેદન લેવામાં આવ્યા નથી. આમ એક શાળા કાયદો કેવી રીતે પોતાના ગજવામાં મૂકી દે છે અને તેને સરકાર, સરકારી અધિકારીઓ, રાજકારણીઓ, પોલીસ છાવરે છે તે આ એક ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે. આ સમગ્ર ઘટનામાં શાસકપક્ષ ભાજપ દ્વારા દબાણ હોવાથી શાળા સંચાલક વિરુધ્ધ કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી અને અરજદારને પોતાની ફરિયાદ પાછી ખેચી લેવા દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે.

વાલીઓ તરફથી આવેલા સૂચનો

(1) શાળાની માન્યતા રદ કરવાના આદેશ સામે આવેલ સ્ટે ન્યાયના હિતમાં તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવે.
(2) CBSEની માન્યતા રીન્યુ કરવામાં ના આવે.
(3) બધા જ વાલીઓને પક્ષકાર બનાવવા અંગે કાર્યવાહી.
(4) આ આખી પ્રક્રિયામાં વાલીઓ PUCL પાસેથી ન્યાયના હિતમાં કાર્યવાહી કરવાની મદદ માંગી રહ્યા છે.

પીયુસીએલની તપાસ ટીમ આ માંગણી કરે છે

(1) શાળાના સમગ્ર કૌભાંડ માટે શરૂઆતથી જ તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ બનવી જોઈએ અને નિશ્ચિત સમયગાળા માં ન્યાયિક અને કુદરતી ન્યાય ના સિધાંત મુજબ અહેવાલ બનાવી આપે.
(2) આ કૌભાંડમાં સંડોવાયેલ દરેક જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી પગલા લેવામાં આવે.
(3) શાળા પરિસરની અંદર વાલીઓ ઉપર કરવામાં આવેલ હુમલા ની ન્યાયિક તપાસ થાય.
(4) વાલીઓ પાસેથી લીધેલ ખોટી રીતની અને નિયમ વિરુધની તેમજ ગેરકાયદેસર ફી પરત કરવામાં આવે.
આમ, આ સમગ્ર વિગત ઉપરથી એ સાબિત થાય છે કે ગાંધીધામ અને કચ્છ જેવા વિસ્તારોમાં જ્યાં બાળકોને ભણવા માટે બીજા કોઈ વિકલ્પ નથી ત્યાં આવી ખાનગી શાળાઓ પોતાના સ્વાર્થ માટે વાલીઓને લલચાવીને બાળકોના વર્તમાન શિક્ષણ તથા ભાવી સાથે ચેડા કરી રહ્યા છે.