Home Current 42 ડિગ્રી તાપમાન સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર !

42 ડિગ્રી તાપમાન સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર !

2105
SHARE
હવામાન વિભાગ દ્રારા પાંચ દિવસ સુધી સોરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં ગરમીનુ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે તેવામાં સોમવારે કચ્છનુ પાટનગર ભુજ રાજ્યનુ સૌથી ગરમ શહેર રહ્યુ હતુ ત્રણ દિવસ ગરમીમાં હજુ કોઈ રાહત મળશે નહી રસ્તા પર અસર દેખાઇ
ગરમીની શરૂઆત સાથે લોકો ગરમીથી બે દિવસમાં ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આજે સોમવારે રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે અમદાવાદ, સુરત અને રાજકોટના તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 42 ડિગ્રી તાપમાન સાથે ભુજ રાજ્યનું સૌથી “ગરમ” શહેર રહ્યું હતું. હવામાન વિભાગે સોમવારે 13 સેન્ટરો પર યલો એલર્ટ જાહેર કર્યું હતું. આ પહેલા રવિવારે ગુજરાતમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો,દાહોદમાં પારો ૪૩.૨° પર પહોંચ્યો હતો. રાજકોટમાં ૪૧.૧° નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૬.૮°C વધુ હતું, જ્યારે ભુજમાં પણ ૪૦.૪°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૬.૪ વધુ હતું.અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૮.૭° નોંધાયું હતું, ગાંધીનગર ૩૯.૨, સુરત ૩૮.૭,અમરેલી ૩૯.૦ રહ્યુ હતુ આ સાથે અન્ય મુખ્ય શહેરોમાં પણ સરેરાશ કરતાં વધુ ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.હવામાન વિભાગ એ 12 માર્ચ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું રહેવાની ચેતવણી જારી કરી છે. જેથી આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના આંતરિક ભાગો અને ઉત્તર ગુજરાત ક્ષેત્રના નજીકના ભાગો તેમજ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું રહેવાની સંભાવના હતી તે મુજબ મોટાભાગના સેન્ટરમાં આજે ગરમીની અસર જોવા મળી હતી મોટાભાગના સેન્ટરો પર મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2 થી 7 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ આ વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યાર પછી બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તોડે તેવી સંભાવના વ્યકત કરી હતી ગુજરાતના સોમવારે નોંધાયેલ તાપમાનની વાત કરીએ તો ભુજ 42 ડિગ્રી સાથે ગરમ રહ્યુ આ સાથે રાજકોટ 41.7 ડિગ્રી, અમદાવાદ 40.4 ડિગ્રી,સુરત 41.8 ડિગ્રી,વડોદરા 39.8 ડિગ્રી,ગાંધીનગર 40.4 ડિગ્રી,અમરેલી 40 ડિગ્રી સાથે અન્ય શહેરોમાં પણ 40 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાયુ હતુ
હીટવેવથી બચવા તંત્રએ ઉપાયો સુચવ્યા
હીટવેવની આગાહીના પગલે નાગરિકો “લૂ”થી રક્ષણ મેળવવા કેટલાક ઉપાયો સુચવવામાં આવ્યા છે.ગુજરાતના વિવિધ વિસ્તારો સહિત ખાસ કરીને કચ્છ જિલ્લામાં આગામી દિવસો દરમિયાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. ત્યારે નાગરીકો માટે તંત્રએ એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું હિતાવહ છે. વાઈ, હદય, કીડની કે યકૃતને લગતી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતાં પહેલા ડૉક્ટરની સલાહ અચૂક લેવી. રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્રો વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહેવાયુ છે. તો શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો. વજનમાં તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો. જો તમે ઘરની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃદ્ધો, બીમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ”ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે, તેમની વિશેષ કાળજી લો.બપોરના ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી તડકામાં ન જાઓ. જ્યારે તમે બપોરના સમયે બહાર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરો. ઊઘાડા પગે બહાર ન જાઓ. આ સમયે રસોઇ ન કરો. રસોડામાં હવાની અવર જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખો. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાઓ જેવા કે, શરાબ, કૉફી, સોફટ ડ્રિંકસ ન લો. પ્રોટીનની વધુ માત્રાવાળા મસાલેદાર, તળેલા વધુ પડતા મીઠા વાળા આહારને આરોગવાનું ટાળો.જેવા અનેક ઉપાયો સુચવાયા છે.

આગામી ત્રણ દિવસ માટે ગરમીથી રાહતની કોઇ શક્યતા નથી તેવામાં લુ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર સાથે પશુપાલકો-ખેડુતો તથા સામાન્ય નાગરીકો માટે તંત્રએ કેટલાક સુચનો જાહેર કર્યા છે. આ સાથે હોસ્પિટલમાં બે દિવસમાંજ સનસ્ટોક લાગવાના કેસો સામે આવી રહ્યા છે.