Home Current ભુજ નગરપાલિકા પ્રમુખની રેસમાં અચાનક નિમાબેનની ભલામણથી કેમ શુશીલાબેનની દાવેદારી મજબૂત બની?

ભુજ નગરપાલિકા પ્રમુખની રેસમાં અચાનક નિમાબેનની ભલામણથી કેમ શુશીલાબેનની દાવેદારી મજબૂત બની?

2527
SHARE
ભુજ નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનને મહત્વના હોદ્દાઓ માટેની રાજકીય ખેંચતાણ ચરમસીમાએ છે. પ્રમુખનો તાજ કોને મળશે તે અંગે ભારે ઉતાર-ચડાવ અને લોબીંગ ચાલી રહ્યુ છે. હાલમાજ પ્રદેશ ભાજપે આ અંગે કચ્છના અપેક્ષીત પદ્દાધીકારીઓ ને ગાંધીનગર બોલાવ્યા હતા અને તેમનો ભુજ નગરપાલિકાના ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને લોકોની નારાજગી સહિતની બાબતે ઉધડો લીધો હતો. બેઠક દરમ્યાન કચ્છની અન્ય નગરપાલિકાઓની સાથે ભુજ પાલિકાના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન અંગેની સેન્સ પણ લેવાઇ હતી. જેમા નવાઇ વચ્ચે નામ સામે આવ્યુ હતુ શુશીલાબેન.પી.આચાર્યનુ !!આમતો થોડા સમય પહેલા આ નામ ચર્ચામા પણ ન હતુ અને અન્ય દાવેદારો પ્રમુખ બનવાના મીઠા સપના સાથે તેમનુ લોબીંગ કરવામા લાગ્યા હતા. સ્વાભાવિક છે કે,ભુજના ધારાસભ્ય સાથે નિકટતા ધરાવતા અન્ય મહિલા સભ્યોને તેમની પાસે પોતાના નામની ભલામણની અપેક્ષા હોય. પરંતુ, આશ્ચર્ય વચ્ચે અંદરની વાત એ સામી આવી છે કે ભષ્ટ્રાચાર અને સમસ્યાથી ખદબદતી ભુજ પાલિકાના શાસન માટે ધારાસભ્ય તરફથી શુશીલાબેન આચાર્યનુ નામ સુચવાયું હોવાની ચર્ચા છે. આ રાજકીય હલચલને પગલે ભુજ પાલિકાના ભાજપના અન્ય મહિલા સભ્યોમાં આંતરિક નારાજગીની ચર્ચા છે. તો આશ્ચર્ય સાથે મહિલા સભ્યોમાં એ ગુસપુસ પણ થઈ રહી છે કે અઢી વરસ ઉપપ્રમુખ રહેનાર શુશીલાબેન આચાર્યએ એવું તો શું કર્યું છે કે તેમને હવે પ્રમુખપદ માટે આગળ કરાઈ રહ્યા છે. કેમકે, ઉપપ્રમુખ તરીકે તેમણે ભુજ પાલિકામાં ભ્રષ્ટાચાર અટકાવવામાં કે સમસ્યાઓથી છુટકારો અપાવવામાં કોઈ અસરકારક કામગીરીની છાપ નથી છોડી શક્યા. ત્યારે પ્રમુખ તરીકે તેમની સામે ભુજ પાલિકાની ગાડીને પાટે ચડાવવી એ સૌથી મોટો પડકાર છે. તેવા પ્રશ્નોનો ગણગણાટ શરુ થયો છે. જો કે આ બાબત હાલ તો જો અને તો ની અણી પર ઉભી છે. પરંતુ, સૂત્રોનુ માનીએ તો શુશીલાબેન લગભગ નક્કી જ છે, અને જો તેઓ ન બને તો પ્રકાશબા જાડેજાનું લોબિંગ પાવરફુલ ચાલી રહ્યું છે.

શુ ખરેખર શુશીલાબેન સક્ષમ કે પછી માત્ર ભ્રષ્ટાચારચાર મુકત શાસન માટે અપાયું છે તેમનુ નામ !!

પાલિકાના નવા શાસનમાં રહેલા તમામ મહિલા કાઉન્સીલર આમતો નિમાબેનના નજીકના ગણાય છે અને તેથીજ નિમાબેનના નામની ચર્ચાથી લઇ ધારાસભ્ય બનવા સુધી દરેક મહિલા સભ્યોએ તનતોડ મહેનત સાથે બેનનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કર્યો છે અને તેમા તેઓ સફળ પણ રહ્યા છે. તેથીજ હાલ મહિલા પ્રમુખને રોટેશન મુજબ સત્તા મળવાની હોવાથી વ્યક્તિગત લોબીંગ સાથે નિમાબેનની ભલામણની અપેક્ષા દરેકને હોય પરંતુ તે વચ્ચે નિમાબેને શુશીલાબેનના નામનો આગ્રહ રાખ્યો છે તેવુ ચિત્ર સામે આવ્યુ છે અને તેનુ એક કારણ ભ્રષ્ટાચાર મુક્ત શાસનનુ છે.જો કે નિમાબેને શા માટે શુશીલાબેનના નામનો આગ્રહ રાખ્યો તે તો માત્ર બેન જાણે!! પરંતુ બેનના આ સ્ટેન્ડથી કાર્યક્રરોમાં આંતરીક નારાજગી સાથે અનેક વાતો ચર્ચાતી થઈ છે.

કારોબારી ચેરમેન માં પણ બદલાવ ?

ભુજ પાલિકાના પ્રમુખ ની જેમજ કારોબારી ચેરમેન માટે દાવેદારના નામ માં પણ છેલ્લી ઘડીએ બદલાવની ચર્ચા ભુજ પાલિકાના સભ્યો માં છે. ચર્ચાતી હકીકત મુજબ નવા દાવેદાર તરીકે ધારાસભ્ય દ્વારા રાહુલ ગોરનું નામ સુચવાયું છે. આમ તો, ચર્ચા ભરત રાણાની હતી, તો જગત વ્યાસ પણ ધારાસભ્યની નજદીક હોઈ તેઓ પણ દાવેદાર હોવાનું મનાઈ રહયા છે. અજય ગઢવી પણ ચેરમેનપદ માટે દાવેદારી સાથે પ્રયત્નશીલ છે. આ બધા વચ્ચે એકાએક શૈલેન્દ્રસિંહ જાડેજા પણ રીપીટ થશે એવી ચર્ચા ચોક્કસ ગ્રુપ દ્વારા ઇરાદાપૂર્વક થઈ રહી છે. જોકે, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપની ભુજ પાલિકાના વહીવટ સામેની નારાજગી બાદ જિલ્લા ભાજપના મહામંત્રી એવા શૈલેન્દ્રસિંહ જાડેજા પણ એ બેઠકમાં હતા પણ ભુજ પાલિકાના વહીવટના ખુલાસાને બદલે તેઓ મૌન રહ્યા હતા અને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલને ઠપકો સાંભળવો પડ્યો. આ બધા વચ્ચે ફરી વાત કરીએ કારોબારી ચેરમેનની તો છેલ્લું ચર્ચાતું નામ રાહુલ ગોર નું છે, જેને ધારાસભ્યનું સમર્થન હોવાનું મનાય છે. પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિજ પટેલની તાજેતરમાં જ કચ્છમાં યોજાયેલી યુવા રેલીમાં તેમની સફળ કામગીરીની નોંધ લેવાઈ છે. હવે એ જોવું રહ્યું કે અંતિમ ઘડીએ શું થાય છે? રાજકારણ માં મોટેભાગે નસીબ વધુ મહત્વનો ભાગ ભજવે છે,એ હકીકત છે.રાજકારણ અને સત્તાના સંગ્રામમાં આમતો છેલ્લી ઘડીએ બાજી મારે તે સિકંદર કહેવાય છે અને તેથીજ ચર્ચા અટકળો અને વાતો વચ્ચે કઇ પણ થઇ શકે તેવી શક્યતા નકારી શકાય નહી. પરંતુ હાલ તો બેને છેલ્લી ઘડીએ હુક્કમનો એક્કો ઉતરી રાજકીય ભુંકપ સર્જ્યો છે .જેનાથી કોઇક આઘાત માં છે,તો કોઇ પોતાની દાવેદારી વધુ મજબુત કરવાની હોડમાં લાગ્યુ છે. નિમાબેનના સમજણ સાથેના આ સુઝવ મા કેટલો દમ છે તેમનુ સુચન કેટલુ મજબુત રહે છે આવા અનેક સસ્પેન્સ હાલ સર્જાયા છે જેના પરથી ૧૨મી તારીખે પરદો ઉંચકાશે.