વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોતાના કચ્છના પ્રવાસ દરમ્યાન ફરી એક વખત રાજકીય ખળભળાટ મચાવી દીધો છે. ભીમાસર(અંજાર) થી બપોરે ભુજ પહોંચેલા જીજ્ઞેશ મેવાણીએ ખુલ્લીને મીડીયા સાથે વાતો કરી હતી. જીજ્ઞેશે શું કહ્યું? રાજ્યની સાથે દેશના રાજકારણમાં પણ હલચલ સર્જનાર દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ તેમના વારંવારના કચ્છ પ્રવાસના કારણે રાજકીય ચર્ચાઓ અને કચ્છી માડુઓમાં તેમના પ્રવાસ સંદર્ભે થતા રાજકીય તર્ક વિતર્કો સહિત ભાજપ, તેમજ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો વિશે વાત કરી હતી તો ભીમસરની ઘટનાના આરોપીઓને પકડી પાડવાની માંગ પણ કરી હતી.
એકાએક કચ્છ માટે જીજ્ઞેશે શુ જાહેરાત કરી?૨૦૧૯ની તૈયારી?
જીજ્ઞેશ મેવાણી એ કચ્છના મીડીયા સાથે વાતની શરૂઆત કરતા જ ‘કચ્છ એકતા મંચ’ ની સ્થાપનાનું એલાન કર્યું હતું. અદાણી જી.કે. હોસ્પિટલમાં મૃત્યુ પામનારા નાના બાળકોનો મુદ્દો ઉખેડતા જીજ્ઞેશે કહ્યું હતું કે તેમણે પોતાના પ્રવાસ દરમ્યાન કચ્છમાં દલિત, મુસ્લિમ અને બહુમતી સમાજના અનેક પ્રશ્નો નિહાળ્યા છે. એટલે કચ્છના પ્રશ્નોના ઉકેલ માટે કચ્છ એકતા મંચની તેઓ આજ થી સ્થાપના કરી રહ્યા છે. તેમનો ઉદેશ્ય કચ્છને જે અન્યાય થઈ રહ્યો છે તેની સામે ન્યાય અપાવવાનો છે. એકાએક વધુ પડતા કચ્છ પ્રવાસ અને કચ્છ એકતા મંચની સ્થાપના જીજ્ઞેશ મેવાણીની નજર શું ૨૦૧૯ની કચ્છની લોકસભાની સીટ ઉપર છે? રાજકીય પાર્ટીઓ અને લોકોમાં ચર્ચાતા આ પ્રશ્નનો ઉત્તર સિફતપૂર્વક આપીને જીજ્ઞેશે થોડામાં ઘણું કહી દીધું. ૨૦૧૯ મા પોતે કચ્છમાં થી લોકસભા લડશે કે નહીં એનો સ્પષ્ટ જવાબ આપ્યા વગર જીજ્ઞેશે જે કહ્યું તે સૂચક છે પોતે(જીજ્ઞેશ) ૨૦૧૯, ૨૦૨૧, ૨૦૨૨, ૨૦૨૯ અને જીવીત હશે ત્યાં સુધી કચ્છ આવ્યા કરશે. જોકે, પાકા રાજકારણીની જેમ સીધો જવાબ નહીં પણ આવનારા સમયની પોતાની કામગીરી તેમ જ કચ્છ એકતા મંચની જાહેરાત સાથે જ જીજ્ઞેશ આમ તો ઈશારામાં ઘણું બધું કહીને રાજકીય સંકેત આપી દીધો છે. આજનો પ્રવાસ પૂર્વ કચ્છના ભીમાસર થી શરૂ કરી બાબા સાહેબના અપમાન બદલ દલિત સમાજની લાગણીને વાચા આપવી, ભુજમાં મીડીયા સમક્ષ સમગ્ર કચ્છને થતા અન્યાયની વાત ઉખેડીને તમામ કચ્છી માડુઓ ની લાગણી જીતવા ‘કચ્છ એકતા મંચ’ ની જાહેરાત અને પશ્ચિમ કચ્છના માંડવીમાં જાહેરસભા, ઇફતાર પાર્ટી તેમ જ એકાએક કચ્છનો પ્રવાસ લંબાવવાની જાહેરાત એ જીજ્ઞેશ મેવાણીની એક કાબેલ રાજકીય નેતા તરીકેની યથાર્થતા દર્શાવે છે.
મોદી પાસે કચ્છ માટે શું માંગ્યું?
કચ્છને થતા અન્યાયનો મુદ્દો દોહરાવતા જીજ્ઞેશે મુખ્યમંત્રી તરીકે મોદીએ કચ્છ માટે જાહેર કરેલ ૨૧૦૦ કરોડના પેકેજની માંગણી કરી હતી. જોકે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ યાદ અપાવ્યું હતું કે ૧૨૫ કરોડના ખર્ચે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ઉભી કરવાનું કચ્છને આપેલું વચન તેઓ ભૂલી ગયા છે પણ હવે પ્રતિમાના બદલે વડાપ્રધાન મોદી ૧૨૫ કરોડના ખર્ચે કચ્છમાં આધુનિક હોસ્પિટલ બનાવે. જેથી કચ્છને સારી આરોગ્ય સુવિધા મળે. ભાજપ પોતાથી ડરે છે એવો આક્ષેપ કરતા જીજ્ઞેશે કહ્યું હતું કે આંબેડકર ભવનમાં તેમના યોજાયેલા લોકદરબારની મંજૂરી એકાએક રદ કરી દેવાઈ હતી. એટલે તેમણે ન છૂટકે સરકીટ હાઉસમાં લોકોને બોલાવવા પડ્યા. વિરોધ પક્ષમાં કોંગ્રેસના નેતૃત્વ અને સબળ ભૂમિકાના પ્રશ્નનનો સીધો ઉત્તર આપવાના બદલે જીજ્ઞેશે બસપા, સપા સહિતના અન્ય રાજકીય પક્ષોની એકતા થી વિરોધપક્ષ વધુ સબળ બની શકે છે તેવું તેમણે જણાવ્યું હતું. ગેંગસ્ટર રવિ પૂજારી ની ધમકી બાદ પણ ગુજરાત સરકારે તેમની સુરક્ષા વધારી ન હોવાનો આક્ષેપ કરીને તેમણે પોતાના ઉપર જાન નું જોખમ હોવાનું જણાવ્યુ હતું.
આઈ.જી. પિયુષ પટેલને શું કહ્યું?
ભીમાસર(અંજાર) માં બાબાસાહેબની પ્રતિમાને જોડાનો હાર પહેરવવાની ઘટના થી સમગ્ર કચ્છના દલિત સમાજની લાગણી દુભાઈ છે એવું કહેતા જીજ્ઞેશે આવું કૃત્ય આચરનારા આરોપીઓને પોલીસ હજી સુધી નથી પકડી શકી તેની ઝાટકણી કાઢી હતી. પોતાના સ્વભાવ થી વિરુદ્ધ આ વખતે જીજ્ઞેશે ખાસ રેન્જ આઈજી પિયુષ પટેલને નામજોગ યાદ કરતા કહ્યું હતું કે દર વખતે પોતે લોકપ્રશ્નો કે સમસ્યાઓના ઉકેલ માટે તંત્રને સમય મર્યાદા આપે છે,પણ, આઈજી પિયુષ પટેલની કામગીરી તરફ સંતોષ સાથે સોફ્ટ કોર્નર દર્શાવતા જીજ્ઞેશે મેવાણી એ કહ્યું હતું કે આ વખતે ભીમાસરની ઘટનાના આરોપીઓ કયારે ઝડપાશે તેનો સમય આઈજી પિયુષ પટેલ સામેથી આપે. પરંતુ, પોલીસ આરોપીઓને શોધવામાં નિષ્ફળ જશે તો તેઓ(જીજ્ઞેશ મેવાણી) કચ્છના દલિત સમાજની સાથે રસ્તા ઉપર ઉતરશે.