Home Social રમજાન માસ દરમ્યાન થયું એવું કામ કે, આપ પણ કહેશો વાહ વાહ...

રમજાન માસ દરમ્યાન થયું એવું કામ કે, આપ પણ કહેશો વાહ વાહ ક્યા બાત હૈ !!

1030
SHARE
પવિત્ર રમજાન મહીનો પૂર્ણ થવામાં છે અને મુસ્લિમ બિરાદરો હવે રમજાન ઈદની ઉજવણીમાં વ્યસ્ત પણ થઈ જશે. પરંતુ અલ્લાહની ઇબાદતના આ પવિત્ર મહિના દરમ્યાન કચ્છમાં પ્રેમ, કરુણા, માનવસેવા અને સદ્દભાવના અનુભવાઈ!! ન્યૂઝ4કચ્છ આપ સૌને એવા પ્રસંગોની અનુભૂતિ કરાવે છે, જે જાણ્યા પછી આપ પણ કહેશો “વાહ વાહ ક્યા બાત હૈ”.

હિન્દુ આગેવાન દ્વારા ઇફતાર પાર્ટી

મુંદરા તાલુકાના ભુજપુર ગામે રમજાન મહીનામાં અનુભવાતી સદ્દભાવનાની મહેંક આપણને ‘કચ્છીયત’ ના ગૌરવનો અહેસાસ કરાવે છે. અહીં છેલ્લા ૭ વર્ષથી મહીપતસિંહ ગાભુભા જાડેજા વ્યક્તિગત રીતે ઇફતાર પાર્ટી નું આયોજન કરે છે. હિન્દુ અગ્રણી દ્વારા આયોજિત આ ઇફતાર પાર્ટીમાં રોજેદાર મુસ્લિમ બિરાદરો જોડાય છે અને પોતાના રોજા છોડે છે. આ પ્રસંગે ગામના વિવિધ જ્ઞાતિઓના હિન્દુ સમાજના ના લોકો પણ હાજરી આપીને ઇફતાર પાર્ટી દરમ્યાન રોજેદાર મુસ્લિમ બિરાદરોને પ્રેમપૂર્વક મળે છે. બસ, આ જ છે મારો હેતુ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા મહીપતસિંહ જાડેજા કહે છેકે તમામ સમાજો વચ્ચે સદ્દભાવના પ્રસરે અને આપસી પ્રેમ તેમ જ ભાઈચારો જળવાઈ રહે તે હેતુ થી જ હું આ ઇફતાર પાર્ટીનું આયોજન કરું છું. જોકે, મહીપતસિંહ જાડેજા ભુજપુર ગ્રામપંચાયતના સદસ્ય છે પણ આ આયોજનમાં ક્યાંયે રાજકારણ ન આવે તેનું ખાસ ધ્યાન રાખે છે. કચ્છના એક નાનકડા ગામનો સદ્દભાવનાનો આ સંદેશ કચ્છની કોમી એકતાની મહેક અને કચ્છીયત નું પ્રતિબિંબ દર્શાવતા આપસી ભાઈચારાનું પ્રતીક છે.

માનવસેવા સાથેની ઇફતાર પાર્ટી..

રમજાન મહીનાની ઈબાદત દરમ્યાન બેસહારાને સહારો આપવો અને માનવસેવા કરવાનુ પણ વિશેષ મહત્વ છે. કચ્છના જણીતા સામાજિક અને રાજકીય અગ્રણી હાજી જુમા રાયમા ઘણા વર્ષો થી એકતા અને માનવસેવાના સંદેશા સાથે ઇફતાર પાર્ટી યોજે છે. આ વખતે મિલ્લત હજરત હાસમી મિયાં સૈયદ સાહેબની ઉપસ્થિતિમાં રાયમા પરિવાર અને લાયન્સ ક્લબ ગાંધીધામ દ્વારા અંતિમયાત્રા એમ્બ્યુલન્સ (શબવાહીની) તેમ જ ચાર વિકલાંગ વ્યક્તિઓને ટ્રાઇસીકલ અર્પણ કરાઈ હતી. માનવસેવા, કરુણા, પ્રેમ અને ભાઈચારાનો આપસી સંદેશ આપતી આ ઇફતાર પાર્ટીમાં ગાંધીધામ અને ભુજ સહિત વાગડના હિન્દુ મુસ્લિમ આગેવાનો અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાજી જુમા રાયમા હમેંશા કચ્છમાં કોમી એકતા અને ભાઈચારા માટે પ્રયત્નશીલ રહ્યા છે. આ પ્રસંગે આગેવાનો દિનેશ મેઘાણી, સંજય ગાંધી, વીરેન મહેતા, મનોજ મનસુખાણી, બાબુભાઇ હુંબલ, નંદલાલ ગોયલ, ધવલ આચાર્ય, નરેશ મહેશ્વરી, રવિન્દ્ર ત્રવાડી, રાજેન્દ્રસિંહ જાડેજા, ફકીરમામદ કુંભાર, રફીક મારા, અશરફ ઝાયેસી, ગની કુંભાર સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકો એ હાજી જુમા રાયમાની સદ્દભાવનાને બિરદાવી હતી. રમજાન માસ દરમ્યાન કચ્છમાં વહેતો થયેલો કોમી એકતાનો સદ્દભાવના સંદેશ એ જ આપણા કચ્છની ખાનદાની અને ખુમારી છે.