Home Current રાપરમાં રૂપકડાં ફ્લેમીંગોનું આગમન-નંદાસરના તળાવમાં પડાવ

રાપરમાં રૂપકડાં ફ્લેમીંગોનું આગમન-નંદાસરના તળાવમાં પડાવ

1268
SHARE
કચ્છ અને ફ્લેમિંગો એ બન્ને આમ જોઈએ તો એકબીજાની ઓળખના પર્યાય છે. દેશભરના પર્યાવરણપ્રેમીઓ, પક્ષીવિદો અને પક્ષીઓ જોવા માંગતા બર્ડ વોચર્સ માટે કચ્છ એ માનીતું પસંદગીનું સ્થળ છે. વીન્ટર બર્ડ્સ એટલેકે શિયાળામાં આવતા અનેકવિધ યાયાવર પક્ષીઓની સાથે ફ્લેમીંગોનું આકર્ષણ સૌને રહે છે.આમતો ફ્લેમીંગોનું કચ્છમાં આગમન ચોમાસાના આખરી પડાવ પછી થતું હોય છે. પરંતુ આ વખતે આશ્ચર્ય સાથે પક્ષી અને પર્યાવરણપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે,કે ફ્લેમિંગોનું આગમન ચોમાસા પહેલા જ આગોતરું થયું છે. રાપરના યુવા ઉત્સાહી પત્રકાર મુકેશ રાજગોરે ન્યૂઝ4કચ્છને આપેલી માહીતી પ્રમાણે રાપરના નંદાસર ગામ પાસે નર્મદાની પાઇપ લાઈન પાસે રચાયેલા તળાવમાં તેમણે સંખ્યાબંધ ફ્લેમીંગોને વિહરતા જોયા. અંદાજિત ૪૦૦ થી ૫૦૦ની સંખ્યામાં ફ્લેમિંગો દેખાયા હોવાનું મુકેશ રાજગોરે જણાવ્યું હતું. સામાન્ય રીતે આ સીઝનમાં યાયાવર પક્ષીઓ ભાગ્યેજ જોવા મળે છે, ત્યારે નંદાસરના નાનકડા તળાવ માં ફલેમિંગોની સાથે બતક, જળ કુકડી તેમજ અન્ય પક્ષીઓ પણ વિહરતા જોવા મળે છે. નિરવ શાંતિ પૂર્ણ વાતાવરણ વચ્ચે સંભળાતો રૂપકડાં પક્ષીઓનો મધુર કલરવ પ્રકૃતિપ્રેમીઓની સાથે તસ્વીરકારો તેમજ બર્ડવોચર્સ ને આકર્ષે તેવો છે.