Home Current લખપત તાલુકા પંચાયતમાં ટાઈ પડી અને ભાજપે મેળવી જીત,કોંગ્રેસ ધુંવાફુંવા-માહોલ ગરમ

લખપત તાલુકા પંચાયતમાં ટાઈ પડી અને ભાજપે મેળવી જીત,કોંગ્રેસ ધુંવાફુંવા-માહોલ ગરમ

4361
SHARE
કોંગ્રેસ પાસે રહેલી કચ્છની એક માત્ર લખપત તાલુકા પંચાયત ભાજપે આંચકી લીધી છે. ન્યૂઝ4કચ્છે તાલુકા પંચાયતોના કરેલા એનાલીસીસમાં લખપત તાલુકા પંચાયતમાં જંગ હોવાનું જણાવ્યું હતું. જોકે, લખપત તાલુકા પંચાયતનો જંગ છેલ્લે સુધી રોચક રહ્યો હતો વચ્ચે વચ્ચે માહોલ ગરમ પણ બન્યો હતો.આજે બપોરે દયાપર મામલતતદાર શ્રી પટેલની ઉપસ્થિતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હાથ ધરાઈ હતી. ૧૬ સભ્યો ધરાવતી લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૯ સભ્યો હોઈ બહુમતી હતી.. જ્યારે ભાજપના ૭ સભ્યો હોઈ ભાજપ સતામાં નહોતું. પરંતુ, અઢી વર્ષ બાદ આજે ભાજપે કેસરિયા કર્યા અને કોંગ્રેસના લખપતના ગઢના કાંગરા ખેરવી નાખ્યા.

શું થયું મતદાન દરમ્યાન?

પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના મતદાન દરમ્યાન કોંગ્રેસના એક મહિલા સદસ્ય વીણાબેન બાબુભાઇ અસારીએ બળવો કર્યો અને પોતાનો મત ભાજપના ઉમેદવારોને આપ્યો. પરિણામે, કોંગ્રેસના મત ૯ માંથી ઘટીને ૮ થયા જ્યારે ભાજપના મત ૭ માંથી વધીને ૮ થયા. એટલેકે, બન્નેના મત ૮-૮ થયા ‘ટાઈ’ પડી. આમ કોંગ્રેસ અને ભાજપની સભ્ય સંખ્યાના મત સરખા થયા એટલે ચૂંટણી આધિકારીએ ચિઠ્ઠી કાઢવાનો નિર્ણય કર્યો અને ભાજપને લોટરી લાગી ભાજપે લખપત તાલુકા પંચાયત આંચકી લીધી. પ્રમુખ તરીકે ભાજપના નૂરબાઈ હાસમ મધરા અને ઉપપ્રમુખ તરીકે વિક્રમસિંહ સોઢા ની વરણી કરાઈ હતી.

સામસામા રાજકીય આક્ષેપો

કોંગ્રેસના લખપતના અગ્રણી પી.સી. ગઢવીએ પોલીસ થી માંડીને ચૂંટણી અધિકારીએ ભાજપના દબાણમાં કામ કર્યું હોવાનું કહીને સરકારી મશીનરીના દુરૂપયોગનો આક્ષેપ કર્યો હતો. તો અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પક્ષપલટો કરનારા કોંગ્રેસના મહિલા સદસ્ય વીણાબેનના પતિ બાબુભાઇ અસારીની બદલી અકરી થી ગાંધીનગર કરવા અને તેમના બાળકોને એડમીશન આપવા માટે ઉર્જામંત્રી સૌરભ પટેલ સુધી ભલામણ કરાઈ હોવાનો ભાજપ ઉપર આક્ષેપ કર્યો હતો. જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ લોભ લાલચ અને સત્તાના ભાજપના દુરૂપયોગનો વખોડી કોંગ્રેસ દ્વારા ઉચ્ચક્ષાએ રજુઆત કરવાનું કહ્યું હતું.
જોકે, ભાજપના જિલ્લા મહામંત્રી અને લખપત ઝોન પ્રભારી અંનિરુદ્ધ દવે એ થોડા જ શબ્દોમાં કોંગ્રેસના આક્ષેપોનો ન્યૂઝ4કચ્છને જવાબ આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી વિશ્વાસ ગુમાવી ચૂકેલા વીણાબેન અસારીએ ભાજપને ટેકો આપ્યો છે. લોકશાહી ઢબે જ ભાજપે જીત મેળવી છે. છેલ્લા અઢી વરસમાં કોંગ્રેસની કામગીરી નિષ્ફ્ળ રહી છે. લખપત ની સાથે જ હવે કચ્છમાં દસે દસ તાલુકા પંચાયતો ઉપર ભાજપનો ભગવો લહેરાઈ ચુક્યો છે.