ગાંધીધામ જી.આઇ.ડી.સી વિસ્તારમાં ઝોન-એમાં આવેલા એક ભંગારના વાડામાં આજે બપોરે અચાનક ભિષણ આગ લાગી હતી. આગ એટલી ભંયકર હતી કે જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. અને ભંગારના વાડાની સાથે આસપાસ આવેલા 3થી વધુ કાચા મકાનોને ઝપેટમાં લીધા હતા. જેને લઇને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનીક લોકોએ મકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો જો કે ત્યાર બાદ તાત્કાલીક ગાંધીધામ નગરપાલિકા અને ઇમરજન્સી રીસ્પોન્સ ટીમની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ત્રણ ફાયર ફાઇટરો વડે આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. જો કે સમયસુચકતાથી મોટી જાનહાની ટળી હતી કેમકે આગને પગલે આસપાસમાં આવેલા ત્રણ કાચા ભુંગા માં (મકાનમાં) પણ આગ પ્રસરી હતી. જો કે તેમા વસતા કામદારો તેમાથી બહાર નિકળી ગયા હતા પરંતુ મકાનમાં રહેલ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. તો આગના વિકરાળ સ્વરૂપને જોતા લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દુરદુર સુધી આગની જ્વાળાઓ ફેલાઇ હતી. જો કે હાલ મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવાયો છે. અને સમયસુચકતાથી મોટી જાનહાની ટળી છે. હાલ ફાયરફાઇટરની ત્રણ ગાડીઓ આગ પર સંપુર્ણ કાબુ મેળવવા માટે કામ કરી રહી છે. જો કે આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી.