Home Special સાઉથ એશિયા જીત્યા પછી ભુજના યુવાનની નજર હવે ઓલિમ્પિક ઉપર-દેશનો હીરો આપણો...

સાઉથ એશિયા જીત્યા પછી ભુજના યુવાનની નજર હવે ઓલિમ્પિક ઉપર-દેશનો હીરો આપણો કચ્છી યુવાન!!

2388
SHARE
સમયની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સ ક્ષેત્રે નવીનવી રમતનો ઉમેરો થતો રહે છે. રમતગમત જગતમાં આવોજ એક નવો પ્રકાર ઉમેરાયો છે, જેનું નામ છે, ઇ-સ્પોર્ટ્સ અને તેમાં ખેલાતી રમત એટલે “હાર્થસ્ટોન”,અને આ રમતમાં ચેમ્પિયન આપણા દેશનો હીરો છે, ભુજનો યુવાન!!કચ્છનું, ગુજરાતનું અને દેશનું નામ વિશ્વમાં ગાજતું કરનાર યુવાનનું નામ છે, તીર્થ મહેતા !! ભુજના આપણા કચ્છી યુવાન તીર્થ મહેતાનો “હાર્થસ્ટોન”ની રમતમાં ભારે દબદબો છે. એમજ, કહીયે કે કચ્છી રમતવીર તીર્થ એ ઇ-સ્પોર્ટ્સની ગેમ “હાર્થસ્ટોન” માં આપણા દેશનો હીરો છે. ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા તીર્થ મહેતા કહે છે કે, હમણાં એ સાઉથ એશિયા ના દેશો વચ્ચે રમાયેલી “હાર્થસ્ટોન” ગેમમાં નંબરવન મેળવીને ચેમ્પિયન બન્યો છે. જોકે, તીર્થની સફર આસાન નથી રહી, તે આ પહેલા આખા દેશમાં નબરવન મેળવીને સાઉથ એશિયા રમવા ક્વોલિફાઈ થયો. હમણાં જ ૨૦૧૮ એશિયન ઇ-સ્પોર્ટ્સ ફેડરેશન AESF દ્વારા થાઈલેન્ડમાં યોજાયેલી સ્પર્ધામાં પાકિસ્તાન અને શ્રીલંકાના સ્પર્ધકો સામે ઝળહળતી ફતેહ મેળવીને તીર્થ સાઉથ એશિયાનો “હાર્થસ્ટોન” ચેમ્પિયન બન્યો. હવે શું? ભુજનો આ નાગર યુવાન કચ્છી ખમીર દર્શાવતા કહે છે, હવે મારી નજર ઓલિમ્પિક ઉપર છે. યસ.. આઈ વીલ વીન, હવે ઓગસ્ટ ૨૦૧૮મા ઇન્ડોનેશિયાના જાકાર્તા મધ્યે રમાનાર “હાર્થસ્ટોન” ઓલિમ્પિકમાં તીર્થ મહેતા જીત મેળવવા માટે સજ્જ છે. જોકે, ઓલિમ્પિકમાં વૈશ્વિક સ્તર ના ૮ એક્સપર્ટ સ્પર્ધકો વચ્ચે તેનો મુકાબલો થશે. જો, ઓલિમ્પિકમાં તીર્થ જીત મેળવશે તો તે કચ્છ માટે જ નહીં ગુજરાત માટે પણ ગૌરવ હશે, કારણકે, તીર્થ “હાર્થસ્ટોન” માં વૈશ્વિકસ્તરે પહોંચનાર એક માત્ર ગુજરાતી છે!!

“હાર્થસ્ટોન” શું છે?

તીર્થ મહેતા કહે છે કે, “હાર્થસ્ટોન” એ કોમ્પ્યુટર ઉપર રમાતી ઇ-સ્પોર્ટ્સ ગેમ છે. જેમાં, ઘણી બધી રમતો નું મિશ્રણ છે, કાર્ડગેમ, પોકર અને ચેસની જેમ ધીરજ તેમજ બુદ્ધિની કસોટી કરતી સ્ટ્રેટેજીકલ ગેમ છે. અત્યારે MSC, IT માં અભ્યાસ કરતા કરતા તીર્થ મહેતા “હાર્થસ્ટોન” વિશે સમજ આપતા ઓનલાઈન આર્ટિકલ “ટેમ્પોસ્ટ્રોમ” ના નામે લખે છે,જે લોકપ્રિય છે. નાની ઉંમરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે સફળતા મેળવનાર તીર્થ મહેતા ઓલિમ્પિકમાં સફળ બની કચ્છનું અને દેશનું નામ દુનિયામાં રોશન કરે તેવી કચ્છીમાડુઓ વતી હાર્દિક શુભેચ્છાઓ.