અંજાર પોલિસે આજે વર્ષામેડી નજીકથી ઝડપેલા શંકાસ્પદ ચોરાઉ સોયાના જથ્થાની તપાસ દરમ્યાન એક મોટો ઘટસ્ફોટ થયો છે અને ભાજપના એક યુવા કાર્યકરનું પણ આ ચોરાઉ મનાતા જથ્થામાં નામ સામે આવ્યુ છે. જો કે પોલિસે આ મુદ્દે વિગતો આપવાનું ટાળ્યુ હતુ પરંતુ અંજારના અમીત ઠક્કરની આ ચોરાઉ સોયાના જથ્થામાં સંડોવણી ખુલી છે તેવુ અંજારના પોલિસ ઇન્સપેક્ટર બી.આર પરમારે જણાવ્યુ હતુ.આજે સવારે અંજારની એક પોલિસ ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે વર્ષામેડી નજીક શંકાસ્પદ સોયાના ભુકા જેની કિંમત 1,63,380 રૂપીયા થાય છે તેની સાથે અંજારનો નિરવ દિપક ભાઇ પલણ(ઠક્કર) તથા કાન્તીભાઇ રામજી કોલી મળી આવ્યા હતા પોલિસે માલ કબ્જે કરી તેની પુછપરછ કરતા તેઓ આ માલનો કોઇ આધાર રજુ ન કરી શકતા અંજાર પોલિસે CRPC 102 મુજબ માલ કબ્જે કરી બન્ને શખ્સોની અટકાયત સાથે પુછપરછ કરી હતી જેમા આ બન્ને શખ્સોએ અમીત ઠક્કર નામના યુવાનનું નામ આગળ ધર્યુ હતુ.
ચર્ચાતી વિગતો મુજબ આ પ્રકરણમાં અંજાર શહેર યુવા ભાજપના અગ્રણી અને ભાજપના મહિલા અગ્રણીના પુત્રની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે જો કે પોલિસે ઝડપાયેલા શખ્સો અને તેમની વિગત કે હોદા અંગે પ્રકાશ પાડવાનું ટાળી અમીત ઠક્કરને શોધવા ચક્રો ગતિમાન કર્યા હોવાનુ જણાવ્યુ હતુ.
આ સમગ્ર કિસ્સામાં ગ્રામજનોએ સૌ પ્રથમ આ સોયાનો જથ્થો ઝડપ્યો હતો અને પોલીસને જાણ કરી હતી અંજાર-ભચાઉ નજીકની સીમમાંથી ઝડપાયેલો આ જથ્થો મોટા પ્રમાણમાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું અને આ પ્રકરણમાં પોલીસ ઢીલી નીતિ અપનાવી રહી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો આ પ્રકરણને લઈને ઓડીઓ કલીપ પણ વહેતી થઈ હોવાનું બહાર આવ્યું છે.
અંજાર શહેરમા છેલ્લા બે દિવસથી ભાજપના રાજકીય અગ્રણીની ખાતર ચોરીમાં સંડોવણી ખુલી હોવાની ચર્ચા જોરશોરથી છે તે વચ્ચે આજે સોયાના ભુકાની ચોરીમાં ઝડપાયેલા બે શખ્સોએ અમીત ઠક્કરનું નામ ઓકતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે કે શું માત્ર સોયા ચોરી કે પછી ખાતર સહિત અન્ય માલની ચોરી કરી આ ટોળકી વહેંચવાનું કૌભાંડ ચલાવતા હતા? તે દિશામાં અંજાર પોલિસ સહિત અન્ય એજન્સી પણ ખાનગી રાહે તપાસ કરી રહી છે
લોટ કૌભાંડથી લઇ વાયર ચોરી સહિત અનેક ગુન્હામાં આમતો ભાજપના મોટા નેતાના નામો ઉછળી ચુક્યા છે તેવામાં વધુ એક રાજકીય હોદ્દેદારની સોયા ચોરીમાં સંડોવણી ખુલ્યાની ચર્ચા હાલ જોરમાં છે….જો કે તપાસ બાદ અમિતની ધરપકડ પછી વધુ વિગતો સ્પષ્ટ થઇ શકશે .