કચ્છ યુનિવર્સિટીમા સર્જાયેલ શાહીકાંડને પગલે જિલ્લાના શૈક્ષણિક માહોલ માં ગરમાટો આવી ગયો છે. એક બાજુ કચ્છ યુનિવર્સિટી કાયદેસર કાર્યવાહી કરવા મક્કમ છે બીજી બાજુ ABVP પણ લડતના મૂડ માં છે. પાંચ વિદ્યાર્થી કાર્યકર્તાઓની ધરપકડ બાદ અમદાવાદ થી ભુજ દોડી આવેલા ABVPના પ્રાંત મંત્રી નિખિલ મેઠીયા અને કચ્છ યુનિવર્સિટીના નવા સેનેટ મેમ્બર મનોજ ગઢવીએ પત્રકાર પરિષદ યોજી હતી. બંને વિદ્યાર્થી નેતાઓએ કચ્છ યુનિવર્સિટી ના કુલપતિ સી. બી. જાડેજા અને મતદાર યાદીના કોઓર્ડીનેટર પ્રો. ગીરીન બક્ષીને મતદાર યાદીના ગોટાળા માટે જવાબદાર ઠેરવ્યા હતા.
અન્યાય સામે ABVP બાંયો ચડાવશે
કચ્છ યુનિવર્સિટીના ૬ સેનેટ મેમ્બરોની ચૂંટણી અત્યારથી જ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે,ત્યારે શાહીકાંડ ની ઘટનાની કચ્છના મીડીયાએ લીધેલી ગંભીર નોંધને પગલે એક તબક્કે ABVP ના પ્રાંત મંત્રી નિખિલ મેઠીયાએ મીડીયા દ્વારા એક જ બાજુ રજૂ કરાઈ હોવાનું જણાવીને ABVP વતી પોતે તેમનો પક્ષ મૂકી રહ્યા હોવાનું કહ્યું હતું. જોકે,શાહી લગાડવાની ઘટનાને તેમણે વખોડી હતી પણ તેની સાથે એ સવાલે’ય કર્યો હતો કે વિદ્યાર્થીઓ આવું શા માટે કરવું પડ્યું? એ યુનિવર્સિટીએ અને સૌએ વિચારવું જોઈએ. મતદાર યાદીમાં ખોટું થયું છે અને વારંવારની રજુઆત પછીયે કુલપતિ કે પ્રો. બક્ષીએ વિદ્યાર્થીઓને સાંભળ્યા નથી. ન્યૂઝ4કચ્છ સાથેની વિશેષ વાતચીતમાં નિખિલ મીઠીયાએ ગર્ભિત ભાષામાં કહ્યું હતું કે જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં ત્યાં ABVP ના વિધાર્થી કાર્યકર્તાઓ બાંયો ચડાવીને લડ્યા છે અને લડતા રહેશે. ABVP ના વિદ્યાર્થી કાર્યકર્તાઓની કરાયેલી ધરપકડ માં પોલીસ પોતાનું કામ કરી રહી હોવાનું જણાવતા નિખિલ મીઠીયાએ છાત્રોના એડમીશન રદ કરવાની પ્રક્રિયા સંદર્ભે ABVP દ્વારા કુલપતિને રજુઆત કરાશે એવું જણાવ્યું હતું. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ABVP એ મતદારયાદી માં થયેલી ધાંધલી અંગે તપાસ કરવાની માંગ કરી છે. ડખા ના કારણે નવું એડમીશન લેનારા વિધાર્થીઓની પ્રવેશ પ્રક્રિયાને થઈ રહેલી અસર માટે કુલપતિને જવાબદાર ગણાવ્યા હતા. જોકે,વારંવાર તેમણે કુલપતિ અને ઈલેક્શન કોઓર્ડીનેટર પ્રો. બક્ષી ઉપર કોંગ્રેસના ઈશારે કામ કરવાનો આક્ષેપ મૂકી અને આ સમગ્ર મામલે ABVP સરકારમાં રજુઆત કરશે એવી વાત કરી હતી. ૭૦૦ માંથી ૫૫૦ જેટલા ફોર્મ રદ કરવાના પ્રશ્ને તેમણે કોંગ્રેસના ઈશારે કુલપતિ તેમ જ કોઓર્ડીનેટર દ્વારા આ કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. દોષીતોને છાવરવા માટે જાતિવાદના રાજકારણનો ઉપયોગ કરવાની વાતને દુઃખદ ગણાવીને ABVP વતી નિખિલ મેઠિયાએ શિક્ષણક્ષેત્ર માં પ્રવેશેલા ભ્રષ્ટાચાર અને અનીતિની લડાઈમાં સાથ આપવા સમાજ અને સરકારને જાહેર અપીલ કરી છે.
કયા બે કોંગ્રેસી નેતાઓને બતાવાયું લિસ્ટ?
અત્યાર સુધી ABVP ના નેતા રહેલા અને હવે સેનેટમાં ભાજપ સરકાર દ્વારા નિયુક્ત થયેલા મનોજ ગઢવીએ મતદાર યાદીના મુદ્દે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૮ ની EC બેઠકમાં ફાઇનલ થયેલી મતદાર યાદી એકાએક કેવી રીતે બદલી? એવા સવાલ સાથે વર્તમાન EC મેમ્બરોને અંધારામાં રાખીને તેમની સહી થી આ EC મેમ્બરોની જાણ બહાર મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. પત્રકાર પરિષદમાં મનોજ ગઢવીએ કોંગ્રેસના ૨ આગેવાનો રમેશ ગરવા અને યશપાલસિંહ દેવેન્દ્રસિંહ જેઠવાના ઈશારે કુલપતિ સી. બી. જાડેજાએ મતદાર યાદીના નામો રદ કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. કચ્છ યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટના કામોમાં ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો પણ બંને વિદ્યાર્થી આગેવાનોએ ઉઠાવ્યો હતો. ABVP દ્વારા સતત મતદારયાદી અંગે રજૂઆતો કરાયા છતાંયે યુનિવર્સિટી દ્વારા ધ્યાને ન લેવાઈ હોવાનો આક્ષેપ મનોજ ગઢવી એ કર્યો હતો. જોકે, મનોજ ગઢવી ખુદ અત્યારે સેનેટ મેમ્બર છે તો આ મામલે તેઓ હવે શું કરશે તે વિશે વધુ વાત કરવાનું તેમણે ટાળ્યું હતું.
કોંગ્રેસી નેતા કહે છે ભાજપના અનેક આગેવાનોના ફોર્મ થયા છે રદ
ABVP ની પત્રકાર પરિષદમાં કચ્છ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર મનોજ ગઢવીએ કરેલા આક્ષેપો સંદર્ભે ન્યૂઝ4કચ્છ એ રમેશ ગરવાનો સંપર્ક કર્યો તો તેમણે શું કહયું? મારા અથવા યશપાલસિંહ દ્વારા એક પણ ફોર્મ રદ કરાવાયા નથી. આ આક્ષેપો ખોટા છે તેનું કારણ છે મારુ પોતાનું ફોર્મ રદ થતા મારુ નામ પણ મતદાર યાદી માંથી નીકળી ગયું છે. જોકે, ગત ટર્મમાં સેનેટ મેમ્બર રહી ચૂકેલા રમેશ ગરવાએ ભાજપના ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા, ભૌમિક વચ્છરાજાની, વિમળાબેન નરેશ મહેશ્વરી સહિત અનેક આગેવાનોના ફોર્મ રદ થયા હોવાનું જણાવ્યું હતું.