આજે કચ્છમાં કિડનીની બિમારીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે મુંબઈના જાણીતા નેફ્રોલોજીસ્ટ ડો. નરેન્દ્ર દેઢિયા ન્યૂઝ4કચ્છ સાથેની ખાસ વાતચીતમા કિડનીની બિમારીથી કઈ રીતે બચી શકાય તે માટે ઉપયોગી ટીપ્સ આપે છે. ભુજ કવિઓ મહાજન દ્વારા આયોજિત મેડીકલ કેમ્પમા સેવા આપવા આવેલા મૂળ કચ્છના ગઢશીશાના અને હાલે નેફ્રોલોજીસ્ટ તરીકે ૩૨ વર્ષનો વિશાળ અનુભવ ધરાવતા મુંબઈના નામાંકિત તબીબ ડો. નરેન્દ્ર દેઢિયાની આ મુલાકાત સમયે કવિઓના મેડીકલ કન્વીનર ડો દેવચંદ ગાલા અને ડો અશોક ત્રિવેદી ઉપસ્થિત હતા. સાંભળો નેફ્રોલોજીસ્ટ ડો. નરેન્દ્ર દેઢિયા નો આ ઓડિયો ઇન્ટરવ્યૂ.. કેવી રીતે બચશો કિડનીની બીમારીથી.
કચ્છી નવા વરસ તેમ જ શ્રી ભુજ કવિઓ જૈન મહાજનના અધ્યક્ષ તારાચંદભાઈ છેડા ના ૬૮મા જન્મદિવસ પ્રસંગે આયોજિત કિડની અને પેશાબના દર્દીઓ માટે આયોજિત મેડિકલ કેમ્પને તારાચંદભાઈની સાથે નર્મદા નિગમના ડાયરેકટર મુકેશભાઈ ઝવેરી અને ડો. નરેન્દ્ર દેઢિયાએ દીપ પ્રાગટય દ્વારા મેડીકલ કેમ્પને ખુલ્લો મુક્યો હતો. સંસ્થાના ઉપપ્રમુખ મુકેશ છેડા, મંત્રી નરેશ શાહ, સહમંત્રી હિરેન પાસડ અને ખજાનચી હરેશ ગોગરીની સયુંકત યાદીમાં જણાવ્યા પ્રમાણે આ કેમ્પમાં ૧૨૫ જેટલા દર્દીઓનું ચેકઅપ કરાયું હતું જેમાં ૩૫ જેટલા ઓપરેશન લાયક દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન માટે માર્ગદર્શન અપાયું હતું. સર્વ સેવા સંઘના ઉપેન્દ્ર ઉપાધ્યાય, ડો પી. એન. આચાર્ય, વરિષ્ઠ પત્રકાર નિખિલ પંડ્યા, મુકેશ ભટ્ટ, મહેન્દ્ર જોશી સહિત બન્ને સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં યુરોલોજીસ્ટ ડો. નૌશાદ ખત્રી, જનરલ સર્જન ડો. કૌશિક શાહે પોતાની સેવાઓ આપી હતી. આ પ્રસંગે અંજારના ભુપેન્દ્ર શશીકાંત પરમારના ઓપરેશન માટે કવિઓ દ્વારા લોક સહયોગથી એકઠા કરાયેલા ₹ બે લાખનો ચેક અર્પણ કરાયો હતો. જ્યારે માનવજ્યોત સંસ્થાના સહયોગ થી અભ્યાસ કરતા ૧૦૦ ગરીબ શ્રમજીવી બાળકોને સ્કૂલ યુનિફોર્મ અને સ્કૂલ કીટ અર્પણ કરાઈ હતી. માનવજ્યોતના પ્રબોધ મુનવર, સુરેશ માહેશ્વરીએ આભાર વ્યક્ત કર્યો હતો.બન્ને સંસ્થાઓ દ્વારા સાંજે યક્ષ મંદિર મધ્યે સંગીતની રેયાણ નું આયોજન કરાયું હતું.