ભુજ માંડવી રોડ ઉપર સવારે ખત્રી તળાવ પાસે માર્ગ સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. અકસ્માત બાદ વેગનાર કાર અને બસ બંને પલટી ખાઈ ગયા હતા. આ બસ ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજની હતી અને કોલેજીયન છાત્રોને લેવા માટે ભુજ થી કેરા જઈ રહી હતી. અકસ્માત સંદર્ભે સંસ્કાર સ્કૂલ વતી ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કિરીટ કારીયાએ જણાવ્યું હતું કે સવારે ૧૦ થી ૧૦/૩૦ વાગ્યાના અરસામાં કેરા જતી તેમની સ્કૂલ બસ સાથે માંડવી તરફથી આવતી વેગનાર કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જોકે, બસ ખાલી હતી તેમાં કોઈ વિદ્યાર્થીઓ નહોતા. માત્ર ડ્રાઇવર અને ક્લીનર હતા. તેમને અકસ્માતમાં સામાન્ય ઇજાઓ થઈ હતી. જ્યારે વેગનાર કારમાં સવાર પ્રવાસીઓ પૈકી એક મહિલા સહિત ચાર ને ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. વેગનાર કારમાં સવાર અંજાર તરફના કોળી પરિવાર હોવાનું અને માંડવી થી ફરી પરત જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘાયલો પૈકી સંસ્કાર સ્કૂલના બસ ડ્રાઇવર અને ક્લીનરને GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યારે વેગનાર ના ઇજાગ્રસ્તો લેવા પટેલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હોવાનું જાણવા મળે છે. અકસ્માતની તપાસ માનકુવા પોલિસ કરી રહી છે.