પાણી ની તંગી વચ્ચે ભુજમાં પાણીના થઈ રહેલા વેડફાટ સામે લોકો ખૂબ જ નારાજ છે. અવારનવાર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી વેડફાઈ જાય છે. આજે બપોરે ભુજ ના પ્રમુખસ્વામીનગર પાસે આશાપુરા સ્કૂલ રિંગ રોડ ઉપર પાણી ની લાઈનમાં પડેલા ભંગાણને પગલે પાણીનો ધોધ ઉડયો હતો. છેક સામે રોડ પર આર ડી વરસાણી સ્કૂલ સુધી પાણીનો ધોધ ઉડતો રહ્યો હતો. આ અંગે જાગૃત નાગરિક ઉરવ ગણાત્રા એ ન્યૂઝ4કચ્છ નું ધ્યાન દોર્યું હતું. હજારો લીટર વેડફાતું પાણી અટકાવવા તુરત જ ન્યૂઝ4કચ્છે ભુજ નગરપાલિકાના વોટર સપ્લાય સમિતિના ચેરમેન કૌશલ મહેતાનું ધ્યાન દોર્યું હતું. જાણ થયા બાદ સ્થળ ઉપર કૌશલ મહેતા, કારોબારી ચેરમેન ભરત રાણા અને એન્જીનીયર ભાવિક ઠક્કર સ્થળ ઉપર દોડી આવ્યા હતા. BSF દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખતી વખતે તેમના કોન્ટ્રકટરની બેદરકારીથી આ ભંગાણ પડ્યું હોવાનો ખુલાસો કૌશલ મહેતાએ કર્યો હતો. તેમ જ તાત્કાલિક અહીં થી પાણી સપ્લાય અટકાવીને તુરત જ પાઇપ લાઈનનું ભંગાણ સાંધવા BSF ના કોન્ટ્રકટરને તાકીદ કરી હતી. ભુજ નગરપાલિકાની મંજૂરી વગર જ રસ્તો ખોદવા અને કામ દરમ્યાન બેદરકારીપૂર્વક પાણીની લાઇન તોડી નાખવાના મુદ્દે ભુજ નગરપાલિકા BSF ને નોટિસ ફટકારશે એવું કૌશલ મહેતા અને ભરત રાણાએ ન્યૂઝ4કચ્છ ને જણાવ્યું હતું. જોકે, ભુજ માં અનેક જગ્યાએ પાલિકાની મંજૂરી વગર જ આ રીતે થઈ રહેલા કામો સામે થોડી કડકાઈ બતાવવાની જરૂર છે.