૧૫ મી ઓગષ્ટ ૭૨ મો સ્વાતંત્ર્યતા દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. આ સમયે આપણે હંમેશા દેશની સુરક્ષા તેમ જ આપણા જવાનોના શૌર્ય ની વાતો કરીને ગૌરવ લઈએ છીએ. પણ, આજે અહીં વાત કરવી છે મારી, તમારી, આપણા સૌની એટલે કે ભારતીય નાગરિકોની. એક ભારતીય નાગરિક તરીકે આપણે અનેક પ્રશ્નો સરકાર સામે કરીયે છીએ. વાત એક નાગરિક તરીકે ના હક્ક ની થતી હોય છે અને શાસકો સામે આપણે દોષારોપણ કરતા રહીએ છીએ. આજે સ્વાતંત્ર્ય દિને ન્યૂઝ4કચ્છ નો આપણને સૌને એ સવાલ એ છે કે, હક્ક ની વાત કરતી વેળાએ આપણે કયારેય આપણી એક નાગરિક તરીકેની જવાબદારી નિભાવીએ છીએ ખરા? જોકે, આમાં ક્યાંક અપવાદ હોઈ શકે છે. આજે અહીં વાત કરવી છે એવા યુવાનોની કે જેમણે એક નાગરિક તરીકેના કર્તવ્યની જવાબદારી અદા કરીને એક નવી દિશામાં પ્રેરણાદાયી પહેલ કરી છે.
પ્રવાસીઓ મારા વતનમાંથી સ્વચ્છતાની મહેંક લઈને જાય
ગત રવિવારે ભુજના જ કેટલાક યુવાનો છતરડી ની સાફસફાઈ કરતા જોવા મળ્યા. માત્ર ભુજ જ નહીં પણ કચ્છ સહિત ગુજરાત અને દેશના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન છતરડી માં સાફસફાઈ દરમ્યાન મોટા પ્રમાણમાં કચરો અને વેસ્ટ પ્લાસ્ટિક મળી આવ્યું. સાફસફાઈ પછી છતરડી નું પરિસર આથમતી સંધ્યાની લાલીમા સાથે સોહામણું ભાસી રહ્યું હતું. પણ, રવિવારે ફરવાના બદલે ભુજનો યુવાવર્ગ સાફસફાઈમાં શા માટે જોડાયો? ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતાં પંકજ શાહ અને હરીશ હુરમડે કહે છે કે પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા કચ્છના વિવિધ લોકો અને વ્યવસાયીઓ દ્વારા કચ્છનો પ્રવાસન ઉદ્યોગ ટકી રહે અને આગળ વધે તે માટે એક વોટ્સએપ ગ્રુપ ચલાવે છે. આ ગ્રુપના સભ્યોએ એક વિચાર વહેતો મુક્યો કે આપણે ભુજના ઐતિહાસિક સ્મારકોની સાફસફાઈ કરીએ તો? જોકે, ટુરીસ્ટ સીટી ભુજની સફાઈની હાલત વિશે અને પાલિકાની નિષફળતા વિશે આપણે સૌ જાણીએ છીએ. પણ, અહીં વાત એ પ્રેરણાદાયી પહેલની છે કે, ભુજના યુવાનોના ગ્રુપે એ વિચાર કર્યો કે આપણે નાગરિક ધર્મ નિભાવીએ આપણા ઐતિહાસિક સ્મારકોને સ્વચ્છ રાખીએ જે થી કચ્છ આવતા પ્રવાસીઓ આપણા વતનની સ્વચ્છતા ની મહેંક લઈને જાય અને કચ્છ તરફ પ્રવાસીઓનો પ્રવાહ વધે. પ્રવાસન એક એવું ક્ષેત્ર છે કે જેના દ્વારા સમાજના દરેક વર્ગને રોજગારી મળી રહે છે. સફેદરણ ને પગલે આપણે બન્ની વિસ્તારની કાયાપલટ થતી જોઈ છે. ત્યારે ભુજના આ યુવાનોની પહેલ ને આપણે સૌ અપનાવીએ અને આપણા ઐતિહાસિક સ્થળો હોય કે પછી આપણી આજુબાજુનો વિસ્તાર હોય આપણે જાતે જ ગંદકી હટાવીને સ્વચ્છતા માટેની પહેલ કરીએ. પંકજ શાહ કહે છે કે આપણે નાગરિક તરીકે જાગૃતિ દર્શાવીએ અને આપણી પહેલ સાથે ઔદ્યોગિક કંપનીઓને પણ જોડીએ તે કંપનીઓ આપણા ઐતિહાસિક સ્થળોને દત્તક લઈ તેની જાળવણી કરે. આ વિચાર જો ફળીભૂત થાય તો કચ્છના પ્રવાસન માટે દેશ વિદેશના નાગરિકોનું આકર્ષણ જળવાઈ રહેશે અને પ્રવાસન ને કારણે તેનો આર્થિક ફાયદો પણ કચ્છી માડુઓ ને થશે. પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા ભુજના અન્ય યુવાનો મીનાબેન રાસ્તે, સલીમ વઝીર, કુલદીપ ગઢવી, જય અંજારીયા અને રોમીન જોશીને પણ વિશ્વાસ છે કે સ્વચ્છતા માટે લોકો આગળ આવશે જ..!!
શૌર્યતાના પ્રતીક સમાન ભુજીયા કિલ્લા ઉપર ધ્વજવંદન
ભુજીયો કિલ્લો એ માત્ર ભુજ જ નહીં પણ સમગ્ર કચ્છ અને કચ્છી માડુઓ માટે શૌર્યનું પ્રતીક છે. પાંચેક વર્ષ પહેલાં જ ભારતીય લશ્કર ના કબ્જા માં રહેલો ભુજીયો કિલ્લો મુક્ત થયો ત્યારે ભુજ ના યુવા પત્રકારોને એક વિચાર સ્ફુર્યો કે કચ્છની આન, બાન અને શાન ના પ્રતિક સમાન ભુજીયા કિલ્લા ઉપર ધ્વજવંદન કરીને તેની શૌર્યગાથાને આપણે સલામી આપીએ તો? યોગેન ખત્રી, જય દવે અને વિમલ જોશી જેવા યુવા પત્રકારોએ ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગષ્ટ એ બન્ને રાષ્ટ્રીય પર્વો પ્રસંગે અહીં ધ્વજવંદન કરવાનું શરૂ કર્યું અને એ સીલસીલો હજી સુધી જળવાયો છે. વહેલી સવારે ધ્વજવંદન કર્યા પછી સૂર્યાસ્ત પહેલા ધ્વજ ઉતારીને આ યુવાનો રાષ્ટ્રધ્વજની પૂરતી અદબ જાળવે છે. ધ્વજવંદન સમયે જ્યારે રાષ્ટ્રગાન થતું હોય છે ત્યારે ભુજીયા કિલ્લાના કાંગરે કાંગરે શૌર્યતાની ગાથા જીવંત થાય છે. ભુજના પત્રકાર યુવાનોની રાષ્ટ્રપ્રેમ ની પહેલ ભારતીય નાગરિક તરીકે રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે સૌને પ્રેરણા આપે છે.
આ મુસ્લિમ યુવાન માટે રાષ્ટ્રીયપર્વ છે મુખ્ય તહેવાર
આજે દેશ જાતિ, જ્ઞાતિ અને સામાજિક વર્ગીકરણ ની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. ત્યારે ભુજના એક સામાન્ય પરિસ્થિતિ ધરાવતા મુસ્લિમ યુવાનની પહેલ અંધકાર વચ્ચે ટમટમતા દિવા ની જ્યોત સમાન છે. અનવર નોડે નામના ભુજના મધ્યમ વર્ગીય મુસ્લિમ યુવાન ૨૬ જાન્યુઆરી અને ૧૫ મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સરકારી પ્રાથમિક શાળાઓ બાળકો ને રાષ્ટ્રધ્વજ ની વહેંચણી કરી, બાળકોને રાષ્ટ્રપ્રેમનો પ્રેરક સંદેશ આપે છે. દેશના દરેક ધર્મ અને દરેક લોકોની શ્રદ્ધા ને પુરો આદર અને માન આપતા અને રાષ્ટ્રિયપર્વ ને મુખ્યપર્વ તરીકે ઉજવતા યુવાન અનવર નોડે માને છે કે, રાષ્ટ્રપ્રેમ એ સૌથી મોટો નાગરિક ધર્મ છે. આપણે દેશ માટે જીવીએ અને આપણા કર્તવ્ય દ્વારા દેશની આન, બાન અને શાન ને જાળવીએ.