Home Current તિરંગાના રંગે રંગાયું કચ્છ : છવાયો દેશભકિતનો જુવાળ

તિરંગાના રંગે રંગાયું કચ્છ : છવાયો દેશભકિતનો જુવાળ

1306
SHARE
દેશ અને રાજ્યની સાથે ૭૨ માં સ્વાતંત્ર્યતા પર્વ પ્રસંગે આપણા સરહદી જિલ્લો કચ્છ પણ તિરંગા ના રંગે રગાયો હતો. ધ્વજવંદન ના જિલ્લા કક્ષાના જાહેર કાર્યક્રમ થી માંડીને શાળાઓ, કચેરીઓ સહિત આમ નાગરિકોમાં અને મંદિરો સુધી દેશભકિત નો જુવાળ અનુભવાયો હતો. જિલ્લા માં ઉજવાયેલા સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉપર એક નજર કરીએ.

રાષ્ટ્રપ્રેમ સાથે જિલ્લાની ઘાસચારા અને પાણીની સમસ્યા દૂર કરવાનો વાયદો

ભચાઉ મધ્યે કચ્છના પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરે તિરંગાને સલામી આપીને આન, બાન અને શાન સાથે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી કરી હતી. આ પસંગે પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરે ટપ્પર ડેમને નર્મદાથી ભરવાની વાત સાકાર કર્યા પછી આવનારા સમયમાં માંડવી સુધી નર્મદા કેનાલનું કામ પૂર્ણ થઈ જશે એવી જાહેરાત કરી હતી. તો વર્તમાન અછત ની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા, પાંજરાપોળો અને પશુપાલકો ને ૨ રૂપીયે કિલો ઘાસ આપવાની વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવ્યું હતું. સરકાર ખેડૂતોને ૧૦ કલાક વીજળી પુરી પાડશે એવી જાહેરાત સાથે કચ્છના અને ગુજરાતના સર્વાગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો શ્રય આપ્યો હતો. આ પ્રસંગે ભચાઉમા ૫ કરોડના ખર્ચે બંધાયેલા નવા આઈટીઆઈ સેન્ટર નું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં કલેકટર રેમ્યા મોહન, ડીડીઓ પ્રભવ જોશી, ડીએસપી પરીક્ષિતા રાઠોડ અને મહેન્દ્ર ભારાડા સહિત જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ, નાગરિકો, છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપ્રેમ સાથે શિક્ષણનો સંદેશ

શ્રી જુની સુંદરપુરી પંચાયતી પ્રાથમિક ગ્રુપ શાળા – ગાંધીધામ મધ્યે સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચીનમાં ડોક્ટરેટની ડીગ્રીનો અભ્યાસ કરતાં કોમલ રામચંદ્ર મહેશ્વરીના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ આ પ્રસંગે શાળા ના SMC ના અધ્યક્ષ શ્યામભાઈ માતંગ , શાળા વિકાસ સમિતિના અધ્યક્ષ નરેશભાઇ ફમા , શિક્ષણવિદ સૂર્યકાંતભાઈ હરસોરા , નગરસેવક ખીમજીભાઈ રોલા , રામચંદ્ર મહેશ્વરી , હરશીભાઈ દેવરીયા , વાલજીભાઇ રતડ, નિલેષભાઈ, વિનોદભાઈ , ગોવિંદભાઈ, માનવભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી હિરેનભાઈ પંચાલએ શાળાના વિકાસનો અહેવાલ આપ્યો હતો તેમજ ભાવિ આયોજનનો પણ ચિતાર આપ્યો હતો. મુખ્ય મહેમાન કોમલબેને શિક્ષણનુ મહત્વ સમજાવી શિક્ષિત થવા હાકલ કરી હતી.મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે રૂપિયા 15500/- નું દાન શાળાને મળ્યું હતું.

રાષ્ટ્રપ્રેમ સાથે ભળ્યો સેવાનો રંગ

૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની પ્રસંગે અેન્કરવાલા હોસ્પિટલ મસ્કા મઘ્યે ઘ્વજ વંદન કરવામાં આવ્યુ તથા મસ્કા ગામની તમામ પ્રાથમિક તથા માઘ્યમિક શાળાઓ ના બાળકો માટે નિ:શુલ્ક દંત ચકાસણી અને નિદાન કેમ્પ નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે તારાચંદભાઈ છેડા (પૂવૅ મંત્રી ગુજરાત રાજ્ય,પ્રમુખ શ્રી સર્વ સેવા સંઘ,ક્ચ્છ) તથા કીર્તિભાઈ ગોર (મસ્કા સરપંચ) તથા શિલ્પાબેન નાથાણી (પ્રમુખશ્રી માંડવી ભાજપ મહિલા મોરચા) તથા તમામ મસ્કા ગામ ના આગેવાનો ની ઉપસ્થિત રહ્યા હતા. સેવાકીય પ્રવૃત્તિ થી પ્રેરાઈને જયંતીલાલ વાલજીભાઇ રાજગોર પરિવાર તરફ થી રૂ.25,000 નુ દાન નો ચેક સંસ્થાના પ્રમુખ તારાચંદભાઇ છેડા અપણૅ કરવામા આવ્યો હતો.

રાષ્ટ્રપ્રેમ સાથે પ્લાસ્ટિક ફ્રી ગામનો સંદેશ

૭૨ માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભુજ તાલુકાના કુનરીયા મધ્યે ગ્રામ પંચાયત દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ ઉજવાયો શાળાના બાળકોએ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન(Beat Plastic Pollution) ની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા સામાન્ય કરતા અલગ વિષયની થીમ સાથે આ ઉજવણી કરવામાં આવી જેમાં ખમીર સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ ના દુષણને ડામવા ગામલોકોની જીવન પ્રણાલી બદલી પ્લાસ્ટિક પર આધારિત રહ્યા વગર નાની નાની કાળજી રાખવાથી ખૂબ મોટા પરિણામો લાવવાની શક્યતા વ્યક્ત કરી નાનકડા ગામમાં વર્ષે ૨૩ લાખ પ્લાસ્ટિકના ઝબલાં આવે છે એક વ્યક્તિ વર્ષના ૭૨૩ ઝબલા વાપરે છે પછીથી આ ઝબલા કચરો બની પ્રાકૃતિક સંપત્તિને નુકસાન પહોંચાડે છે પાણીના વહેણ બદલી નાખે જમીનની ફળદ્રુપતા ઘટાડે અને પશુઓ પણ મોતના મોમાં ધકેલે છે. ત્યારે પર્યાવરણને જાળવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને ગામ માં રહેલ પ્લાસ્ટિક ને એકત્રિત કરી અને ફરી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ માટે જનજાગૃતિ ની સમજ આપવામાં આવી હતી. ખમીર સંસ્થા ના ભરત ભાનુશાલી અને રંજનબેન હાજર રહ્યા હતા. સરપંચ શ્રીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી કુદરતી સંસાધનોનો મર્યાદિત ઉપયોગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે મિશન વિદ્યા પ્રોજેક્ટમાં સ્વેચ્છાએ સેવા આપતી બહેનોએ શિક્ષણ પ્રત્યે ગંભીર બનવા ટકોર કરી હતી. પ્રિન્સિપાલ જયેશ પટેલે આભારવિધિ કરી હતી.

રાષ્ટ્રપ્રેમ સાથે જવાનોને બિરદાવાયા

ભુજની આર ડી વરસાણી હાઈસ્કૂલ મધ્યે 72મા સ્વતંત્રદિન ની ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ હતી. ખાસ આ પ્રસંગે અપણા દેશની સરહદ નું રખોપું કરતા અને જેમના પર અપણે સૌને ગૌરવ છે એવા BSF ના જવાનોની ઉપસ્થિતિ પ્રેરણારૂપ રહી હતી. લેવા પટેલ સમાજ દ્વારા કોઈ પણ જાતના ભેદ ભાવ વગર કરાતી સેવાકીય પ્રવુતિઓથી અને સંસ્થાના વિદ્યાર્થીઓના અંગક્સરતના પર્ફોમન્સ થી જવાનો ભાવ વિભોર થયા હતા. દેશની ભાવિ પેઢી માં રાષ્ટ્રપ્રેમ નું સિંચન થાય એ હેતુ થી BSF ના જવાનો દ્વારા સરહદના રખોપા વિશે જાણકારી આપીને જવાનોની શૂરવીરતા ને સૌએ ઉભા થઈને બિરદાવી હતી.

સજોગનગર, ભુજ એરપોર્ટ અને ટેક્સી સ્ટેન્ડમાં છવાયો રાષ્ટ્રપ્રેમનો રંગ

ભુજના શાહે જિલાન યુવક મંડળ દ્વારા સજોગનગર પ્રાથમિક શાળામાં તિરંગાને સલામી આપીને સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં છાત્રોએ દેશભકિત ના વિવિધ કાર્યક્રમો રજૂ કરી સૌના દિલ ને રાષ્ટ્રભક્તિ ના રંગે રગી દીધા હતા. આ વિસ્તારના સામાજિક અગ્રણી મજીદ કુરેશી ના પ્રયત્નો થી દાતાઓના સહયોગ દ્વારા છાત્રો ને સન્માનિત કરાયા હતા. ભુજ ના વાણિયાવાડ નાકે ટેક્સી ચાલકોના યુનિયન દ્વારા સ્વતંત્રતા પર્વની દેશભકિત સાથે ઉજવણી કરાઈ હતી. અહીં જિલ્લા ટ્રાફિક પીએસઆઇ એમ. જે. જાડેજા અને સીટી ટ્રાફિક પીએસઆઇ જે. જી. રાણાએ તિરંગાને સલામી આપી હતી. તેમની સાથે ટેક્સી યુનિયન ના પ્રમુખ મહમદરફીક ભટી, શકુર માજોઠી, આદમ મેમણ, મહેન્દ્રસિંહ ઝાલા, ભરત જેઠી સહિત ટેક્સી યુનિયન ના અન્ય સભ્યો જોડાયા હતા. ભુજ એરપોર્ટ ઉપર પણ રાષ્ટ્રપ્રેમની લહેર અનુભવાઈ હતી. ઍરપોર્ટ ઓથોરીટી ના ડાયરેકટર નવનીતકુમાર ગુપ્તા એ તિરંગાને સલામી આપી હતી. તેમની સાથે એરલાઇન્સ કંપનીનો સ્ટાફ, એરપોર્ટ પર ના ટેક્સી ચાલકો સહિત ના લોકો રાષ્ટ્રિયપર્વની ઉજવણી માં જોડાયા હતા.

મંદિરોમાં પણ અનુભવાયો દેશભકિતનો ધબકાર

પવિત્ર શ્રાવણ માસ ની ઉજવણી દરમ્યાન કચ્છ ના મંદિરો માં પણ દેશભકિત નો ધબકાર અનુભવાયો હતો. દેશની પશ્ચિમી સરહદે આવેલા ઐતિહાસિક કોટેશ્વર મહાદેવ ના મંદિરે ભગવાન શિવના શણગાર માં ધર્મ ની સાથે રાષ્ટ્રપ્રેમ નો રંગ ભળ્યો હતો. એ જ રીતે ભુજ ના વડઝર ગામે આવેલા થડેશ્વર મહાદેવ ના મંદિર મધ્યે પણ દેશભક્તિનો ધબકાર જિલાયો હતો. શ્રાવણ માસ દરમ્યાન અહીં નિયમિત શિવ પૂજા કરતા ઘનશ્યામસિંહ ભાટી ના જણાવ્યા અનુસાર મહાદેવ નો આ વિશિષ્ટ શણગાર સ્વાતંત્ર્યતા પર્વ ને અનુલક્ષીને કરાયો હતો. તો ભુજ ના સ્વામિનારાયણ મંદિર મધ્યે ઘનશ્યામ મહારાજના હિંડોળા મહોત્સવમાં પણ રાષ્ટ્રપ્રેમનો ધબકાર ઝીલાયો હતો. જિલ્લાની શાળા, કોલેજો, સરકારી કોર્ટ, કચેરીઓ, જિલ્લા, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, શહેરી અને ગ્રામીણ વિવિધ વિસ્તારો સહિત એકંદરે સમગ્ર કચ્છમા દેશભક્તિના જુવાળ છવાયેલો જોવા મળ્યો હતો.