કચ્છ કોંગ્રેસના નવા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર સામે છાત્રો માટે નવી બનાવાયેલ હોસ્ટેલના મુદ્દે રાજકીય પડકાર ફેંક્યો છે. કચ્છ યુનિવર્સિટીમાં બનેલી નવી સમરસ હોસ્ટેલ અંગે કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસે અખબારી યાદી જાહેર કરીને રાજ્ય સરકારને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
કચ્છ કોંગ્રેસે રાજ્ય સરકારને શું ચીમકી આપી છે?
કચ્છ યુવા કોંગ્રેસના અગ્રણી દિપક ડાંગરે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાને ટાંકી ને મોકલેલી એક અખબારી યાદીમાં છેલ્લા એક વર્ષથી તૈયાર સમરસ હોસ્ટેલ બંધ હાલતમાં પડી હોવાનો આક્ષેપ કર્યો છે. કચ્છ યુનિવર્સીટી માં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે સમરસ હોસ્ટેલ બનાવાઈ છે. પરંતુ છેલ્લા એક વર્ષ થી તૈયાર આ નવી હોસ્ટેલ ના બે બિલ્ડીંગ બંધ હાલત માં છે. ૨૫૦ વિધાર્થીઓ રહી શકે તે માટે ૧૫ કરોડ ₹ ને ખર્ચે બોયઝ હોસ્ટેલ અને ૨૫૦ વિદ્યાર્થીનીઓ રહી શકે તે માટે ૧૫ કરોડ ₹ ને ખર્ચે ગર્લ્સ હોસ્ટેલ એમ કુલ ૩૦ કરોડ ₹ ને ખર્ચે ૫૦૦ છાત્રો હોસ્ટેલ માં રહી ને ભણી શકે તેવી વ્યવસ્થા ઉભી તો કરાઈ છે પણ છેલ્લા એક વર્ષ થી આ નવી હોસ્ટેલ બંધ હાલત માં મૂકી દેવાઈ છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છતાંયે હોસ્ટેલ ના તાળા ખુલ્યા નથી. પરિણામે છાત્રો છતી સગવડે હેરાન પરેશાન છે અને તેમનો અભ્યાસ બગડે છે. આવા સંજોગો જો નવી હોસ્ટેલને ૧૦ દિવસ માં ખુલ્લી નહી મુકાય તો કચ્છ યુવા કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની નીચે આ સમરસ હોસ્ટેલને ખુલ્લી મુકશે. એટલે કે, ભાજપ સરકારને બદલે વિરોધ પક્ષ કોંગ્રેસ આ હોસ્ટેલનું ઉદ્દઘાટન કરશે. લાંબા સમય બાદ સ્થાનિક પ્રશ્ને કચ્છ કોંગ્રેસે આકમક રૂખ બતાવ્યા પછી એ જોવું રહ્યું કે હવે શું થાય છે?