રાજ્યની ભાજપ સરકાર વિરુદ્ધ એક બાજુ હાર્દિક પટેલે ઉપવાસ શરૂ કરી મુશ્કેલી સર્જી છે. બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસે પણ પ્રજાલક્ષી સમસ્યાઓ ના મુદ્દે સરકાર વિરુદ્ધ જિલ્લા પછી હવે તાલુકા મથકોએ મોરચો માંડ્યો છે. ભુજ તાલુકા કોંગ્રેસે ખેડૂતો ના મુદ્દે મામલતદાર ને આવેદન પત્ર આપીને ભાજપ ની કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ નિષફળતા ઉપરાંત લોક અવાજને દબાવવા ના ચોંકાવનારા આક્ષેપો કરીને રાજકીય ખળભળાટ મચાવ્યો છે.
આ છે કોંગ્રેસના આક્ષેપો…
ભુજ તાલુકા મામલતદારને તાલુકા કોંગ્રેસે આપેલા આવેદન પત્રમા ભાજપ સરકાર ઉપર નિષ્ફળ વહીવટનું આરોપનામું મુક્યું છે. કૃષિમેળા ના નામે તાયફા માં ખોટા ખર્ચા કરી પોતાની વાહ વાહ કરતી સરકાર હાલના સંજોગો મા ખેડૂતોને દેવા માફી નો લાભ આપવા અને પાક વીમા ના પૈસા ચૂકવવા તૈયાર નથી. તો લોકસભાની ચૂંટણી સમયે પોષણક્ષમ ભાવે પાક ખરીદવાની મોટી મોટી વાતો કરનાર મોદી સરકાર કે રાજ્ય ના મુખ્યમંત્રી ખેડૂતોને મગફળી, કપાસ અને તુવેરના પોષણક્ષમ ટેકાના ભાવો આપવામા નિષફળ રહ્યા છે. સૌથી મોટી સમસ્યા લેન્ડઝ રેકોર્ડની છે, ખાનગી કંપનીને કોન્ટ્રકટ આપ્યા પછી કામ માં થયેલા ગોટાળાને પગલે ખેડૂતોની જમીન ઘટી છે. સરકાર લેન્ડઝ રેકોર્ડ વિશે ખેડૂતોની રજૂઆત સાંભળવા તૈયાર નથી. ખેડૂતોની જમીન ઘટી છે, ગૌચર ઘટ્યું છે પણ સરકાર આ પ્રશ્ને ધ્યાન આપવા તૈયાર નથી. એવીજ હાલત યુવાવર્ગની છે , બેરોજગારી થી યુવાનો પરેશાન છે. જોકે, કોંગ્રેસે સૌથી મોટો ચોંકાવનારો આક્ષેપ એ કર્યો છે કે ભાજપ સરકાર પ્રજાનો અવાજ દબાવી રહી છે. પોતાની સમસ્યાઓની રજૂઆત કરવા માગતા ખેડૂતો, યુવાનો, સામાજિક સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિપક્ષ ને ધરણા પર બેસવા, આંદોલન કરવા સરકાર મંજૂરી આપતી નથી. લોકશાહી નુ ગળુ ઘોટાઈ રહ્યું હોવાના આરોપ સાથે ભુજ તાલુકા કોંગ્રેસે મામલતદારને આવેદન પત્ર ની રજૂઆત સરકાર ને પહોંચાડવા ઉગ્રતા પૂર્વક જણાવ્યું હતું. ભુજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરીશ આહીર ની આગેવાની નીચે જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ આહીર, પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરી, ભુજ પાલિકા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા,રવિન્દ્ર ત્રવાડી, રાજેશ ત્રિવેદી, ગની કુંભાર, કાસમ સમા, જગદીશ ઠક્કર, દિપક ડાંગર, મુસ્તાક હિંગોરજા, રજાક ચાકી સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યા મા સરકાર સામેના વિરોધ કાર્યક્રમ મા જોડાયા હતા.