આમ તો શ્રાવણ માસ દરમ્યાન દરેક શ્રદ્ધાળુઓ પોતાની શક્તિ અનુસાર શિવ આરાધના તો કરતા જ હોય છે. એ સૌ શ્રદ્ધાળુઓ ની શિવભક્તિ ને વંદન. પણ, હવે શ્રાવણ મહિનો પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે વાત કરીએ ‘મહાકાલ’ શિવ ના એવા શિવભક્તોની કે જેમની રગેરગ મા સતત બારે માસ ‘મહાકાલ’ પ્રત્યેનો ભક્તિરસ વહે છે. એ યુવા શિવભક્તોની ભક્તિ થી ૪૦૦ વર્ષ જુનુ ઐતિહાસિક શિવમંદિર આજે શ્રદ્ધાળુઓ ની અવરજવર થી ધમધમતુ થયું છે.
પરોઢિયે પૂજા સાથે આ યુવાનો જાતે તૈયાર કરે છે ‘મહાકાલ’ નો શણગાર
એન્ડ્રોઇડ મોબાઈલ ફોન ના આ યુગ મા શ્રાવણ માસ મા સૌ કોઈ શિવભક્તિ રૂપે પોતાના વ્હોટ્સએપ્પ સ્ટેટ્સ દ્વારા કે પછી મેસેજ દ્વારા મહાકાલ પ્રત્યેની ભક્તિ દર્શાવતા રહે છે. તો અનેક શિવભક્તો પોતાની શ્રદ્ધા, આસ્થા અનુસાર શિવમંદિરો મધ્યે પૂજન, અર્ચન, આરતી અને હોમ હવન કરતા રહે છે. પણ,તે બધા વચ્ચે ‘મહાકાલ’ ના ભુજ ના યુવાભક્તોની શિવભક્તિ બેમિસાલ છે. ભુજ થી ૧૫ કિલોમીટર દૂર આવેલા ધોસા ગામે સવારે પાંચ વાગ્યે પૂજા માટે પહોંચવું હોય તો ચાર વાગ્યે તૈયાર થઈ જવું પડે. આ શિવભક્તો હોંશે હોંશે મળસ્કે ધોસા ગામે રામેશ્વર મહાદેવ ના ચરણોમાં શિશ ઝુકાવી ને કળશ પૂજા સાથે તેમના શણગાર મા લાગી જાય છે. એક, બે, નહીં પણ ત્રણ, ત્રણ કલાક અને ઘણીવાર તો ચાર થી પાંચ કલાક પણ શણગાર મા લાગી જાય છે. આ સૌ યુવાનો ભુજ ના રામેશ્વર મહાદેવ મિત્ર મંડળના સભ્યો છે. આ શિવભક્ત યુવાનો વતી ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જય ચંદ્રકાંત ગોર કહે છે કે, જન્માષ્ટમી ના દિવસે ભગવાન શિવ ના મુખારવિંદ ને શ્રીનાથજી જેવું બનાવવા ખૂબ જ મહેનત અમે સૌએ કરી. અમારી સામે શિવ અને શ્રી કૃષ્ણ બન્નેને સાથે સાંકળવા નો પડકાર હતો. એવી જ રીતે ૧૫ ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્યતા પર્વ ને શિવભક્તિ સાથે સાંકળવાનો પડકાર હતો. અમે સૌ યુવાનો ભરત વ્યાસ, વિનુ ગુંસાઈ, જગદીશ ગોર, રમેશ મારાજ સૌ જાતે જ ભગવાન શિવ નો શણગાર કરીએ છીએ, એટલે વાર પણ લાગે આમ તો રોજ સહેજે’ય ચાર થી પાંચ કલાક નો સમય લાગે છે. શ્રાવણ મહિના દરમ્યાન દરરોજ સાંજે પણ આરતી નિયમિત થાય છે, તે સિવાય લઘુ રૂદ્રિ અને રૂદ્રિ નો હોમ હવન અહીં નિયમિત થાય છે. ‘મહાકાલ’ ના આ યુવા ભક્તોનો મોટાભાગનો સમય મંદિરમાં જ મહાદેવ ની સેવાપૂજા મા પસાર થાય છે. જોકે, સમયની પાબંદી વગર મહાકાલના ભક્તો શિવ આરાધના મા વ્યસ્ત રહે છે.
શ્રાવણ સિવાય બાકીના દિવસો મા આ રીતે કરે છે ‘મહાકાલ’ ની ભક્તિ
ભુજ ના રામેશ્વર મિત્ર મંડળ ના ૩૫ જેટલા યુવાનો સતત ધોસા મહાદેવ ના વિકાસ માટે ઝઝૂમતા રહ્યા છે. શ્રાવણ મા સતત આખોયે મહિનો મહાકાલ ની ભક્તિ કર્યા પછી શું? જય ચંદ્રકાંત ગોર અહીં જે વાત કરે છે એ તેમની અને તેમના ગ્રુપના સભ્યોની ‘મહાકાલ’ પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે. શ્રાવણ સિવાય બાકીના મહિનાઓ મા દર સોમવારે સવારે અને સાંજે આ સૌ શિવભક્તો અચૂક ધોસા આવે છે અને અહીં વહેલી પરોઢિયે અભિષેક, ભગવાન ને શણગાર અને સાંજે આરતી કરે છે. તે સિવાય પ્રદોષ નિમિતે ઉપવાસ નું વ્રત રાખી છેક સાંજે આરતી અને પ્રદોષ ની ધાર્મિક વિધિ પુરી થયા બાદ તેઓ ઉપવાસ છોડે છે. નવરાત્રી અને દિવાળીના દિવસો દરમ્યાન પણ વિશેષ શણગાર કરાય છે. ‘મહાકાલ’ના આ યુવા ભક્તો ની સતત મહેનત ને પગલે ધોસા મહાદેવ મંદિર પર્યટન ધામ તરીકે વિકસ્યું છે. અહીં રજાઓ દરમ્યાન લોકોની દર્શન માટે ખૂબ જ અવરજવર રહે છે. પ્રવાસ માટે આવતા નાના મોટા ગ્રુપ માટે અહીં રસોઈ બનાવવાની અને વાસણો ની સુવિધા છે. ધોસા નું તળાવ પક્ષીઓ જોવા માટેનું શ્રેષ્ઠ લોકેશન છે. તો રાત્રે આકાશ દર્શન માટે પણ ધોસા મહાદેવ ખગોળપ્રેમીઓ માટે પસંદગીનું સ્થળ છે. ભુજ ની આજુબાજુ આવેલા અનેક રમણીય સ્થળો જેવું જ ધોસા મહાદેવ ૪૦૦ વર્ષ જુનુ જોવા જેવું ઐતિહાસિક સ્થળ છે.