આજે શિક્ષકદિને જ ખાનગી ટ્યુશન કલાસ ચલાવવા બદલ ભુજના શિક્ષક સામે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરતા ખાનગી ટ્યુશન કલાસ ચલાવતા સરકારી શિક્ષકોમાં ફફડાટ મચી ગયો છે. જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે આ અંગે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા આ કાર્યવાહીને સમર્થન આપતા શિક્ષણ કચેરી દ્વારા કરાયેલ કાર્યવાહી વિશે માહિતી આપી હતી. તે અનુસાર માતૃછાયા વિદ્યાલય ના શિક્ષક હિમાંશુ બારોટ સામે ફરિયાદ મળતા પાંચ સભ્યોની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
અને હિમાંશુ બારોટ નાઠા, વિધાર્થીઓ સરને આરોપીની જેમ ભાગતા જોઈને ડઘાઈ ગયા..
ડીઈઓ રાકેશ વ્યાસ ના જણાવ્યા પ્રમાણે તેમની સાથે કેળવણી નિરીક્ષક સ્નેહાબેન રાવલ અને અન્ય ત્રણ અધિકારીઓ સહિત પાંચ સભ્યોની ટીમ ભુજમાં ઘનશ્યામ નગર માં ચાલતા હિમાંશુ બારોટના કલાસીસ માં તપાસ માટે ગઈ હતી. પરંતુ, શિક્ષક હિમાંશુ બારોટને તે અંગે ખ્યાલ આવી જતા તેઓ ચાલુ ટ્યુશન કલાસ માંથી નાઠા હતા. એકાએક પોતાના સર ને કલાસ છોડીને ભાગતા જોઈને વિદ્યાર્થીઓ ડઘાઈ ગયા હતા. જોકે, તપાસ ટીમે નિયમ પ્રમાણે ત્યાં પંચનામું કર્યું તેમાં વિદ્યાર્થીઓએ એવું જણાવ્યું હતું કે હિમાંશુ સર તેમને કેમેસ્ટ્રી નું ટ્યુશન ભણાવે છે. શિક્ષણ વિભાગે તેમના જવાબો નોંધ્યા છે. હવે શિક્ષક હિમાંશુ બારોટ ને નોટિસ આપીને તેમનો ખુલાસો પૂછવામાં આવશે. જો તેમની વિરુદ્ધ ખાનગી ટયુશન નો ગુનો સાબિત થાય તો? ડીઇઓ રાકેશ વ્યાસે તેનો જવાબ આપતા કહ્યું હતું કે સરકાર ના નિયમ અનુસાર તેઓ સામે સસ્પેનશન ની કામગીરી થઈ શકે છે. જોકે, અગાઉ પણ હિમાંશુ બારોટ સામે ટ્યુશન બાબતે કોઈ ફરિયાદ થઈ છે કે કેમ? એ જાણવા માતૃછાયા વિદ્યાલય ના સંચાલકોને પણ શિક્ષણ વિભાગે ખુલાસો પૂછ્યો છે.
ટયુશન ક્લાસના ઘોંઘાટ થી કંટાળેલા રહેવાસીઓએ કરી હતી ફરિયાદ
ભુજ માં જ્યાં જ્યાં ટયુશન કલાસ ચાલે છે, તે વિસ્તાર માં મોટે ભાગે વિદ્યાર્થીઓ દ્વારા પુરપાટ બાઇક ચલાવવી, આડેધડ પાર્કિંગ કરવું, મોટા અવાજે બોલચાલ કરવી એવી અનેક ફરિયાદો રહેવાસીઓ અનુભવે છે. આ કિસ્સામાં ઘનશ્યામનગર ના રહેવાસીઓએ હિમાંશુ બારોટ દ્વારા ચલાવતા ટયુશન ક્લાસને કારણે થઈ રહેલી મુશ્કેલીઓ ની ફરિયાદ કરી હતી. એ ફરિયાદ ને અનુસંધાને શિક્ષણ કચેરીએ કાર્યવાહી કરી હતી.