Home Social કેવી રીતે પસંદ કરશો કારકિર્દી? : વિદ્યાર્થીઓને સતર્ક બની કેરીયરનો રોડ મેપ...

કેવી રીતે પસંદ કરશો કારકિર્દી? : વિદ્યાર્થીઓને સતર્ક બની કેરીયરનો રોડ મેપ તૈયાર કરવા આહવાન

888
SHARE
ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઘડવા ઇચ્છતા છાત્રો એ પોતાના માધ્યમિક શિક્ષણ દરમ્યાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા મા ઉત્તીર્ણ થયા પછી શું કરવું જોઈએ? રાજ્ય સરકાર દ્વારા આ બાબતે તારીખ ૬ થી ૧૨ સપ્ટેમ્બર દ્વારા ‘કારકીર્દી ઘડતર સપ્તાહ’ ની ઉજવણી કરાય છે. જેમા વિવિધ શાળાઓના છાત્રોને કારકિર્દી માર્ગદર્શન માટે સમજ આપતા અભ્યાસક્રમો, શિક્ષણ સંસ્થાઓ વિશેની માહિતી ઉપરાંત આ ક્ષેત્રે કાર્યરત કચેરીઓના અધિકારીઓના પ્રવચન, પ્રદર્શન, તેમ જ છાત્રો સાથે પ્રશ્નોતરી સહિતના કાર્યક્રમો યોજાય છે. આ અંતર્ગત અંજાર ની કે.કે.એમ.એસ.સરકારી ઉચ્ચ માધ્યમિક કન્યાશાળા ખાતેથી આજે જિલ્લા રોજગાર કચેરી તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભુજના સંયુકત સુધી ચાલનારા કારર્કિદી સપ્તાહનો દીપ પ્રગટાવી પ્રારંભ કરાયો હતો. જિલ્લા રોજગાર અધિકારી એમ.કે.પાલાએ કારર્કિદી આયોજનનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીકાળ દરમિયાન કારર્કિદીની પસંદગી ખૂબ અગત્યની છે. સરખું ભણી લીધુ તો રોજ દિવાળી અને સરખું ન ભણ્યા તો રોજ હોળી તેની વિગતે છણાવટ કરી વિદ્યાર્થિનીઓને અત્યાર થી જ સતર્ક બની કારર્કિદીનો રોડમેપ તૈયાર કરવા આહ્વાન કર્યું હતું. માર્ગદર્શનના અભાવે ગમે તે લાઇનમાં એડમિશન મેળવી લેતાં વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા દર વર્ષે કારર્કિદી વિશેષાંકમાં અપાતી જાણકારીનો લાભ લેવા પણ અનુરોધ કરી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના ઉપર પ્રકાશ પાડી તેના લાભો જણાવ્યાં હતા.રોજગાર વિભાગના ડી.એ.પરમારે બીજા કોઈની દેખાદેખી ને બદલે છાત્રોએ પોતાની રસ અને રૂચિ ના ક્ષેત્રે આગળ વધવાનું સૂચન કર્યું હતું અને વિદ્યાર્થીઓને કારર્કિદી આયોજન સપ્તાહની ઉજવણી કેમ કરવી પડે છે તેની વિગતે વાત કરી કારર્કિદી ઘડતરનું હાર્દ સમજાવ્યું હતું.આ પ્રસંગે કારર્કિદી ઘડતર વિશેની માહિતી આપતા પ્રદર્શનનું પણ આયોજન કરાયું હતું.આ પ્રસંગે માહિતી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ વી.એ.ભટ્ટ સહિત શાળાના દાતા અરવિંદભાઈ પટેલ, આર.એસ.પટેલ, અંજાર રોટરી કલબના વેલજીભાઈ આહિર, દિનેશભાઈ ઠકકર,અવનિબેન ભીંડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયેશ પીઠડીયાએ અને આભારદર્શન શાળાના આચાર્ય દિવ્યરાજસિંહ જાડેજાએ કર્યું હતું. શાળાના શિતલબેન રબારી, મહેન્દ્રસિંહ ઝાલા, જે.એન.પટેલ, એ.આર.ટાંક અને સંદીપ ડાભીએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.