ગુરુવારે કચ્છ આવી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી ની મુલાકાત પૂર્વે પાંજરાપોળ ના સંચાલકોએ પત્ર લખીને પોતાની રજુઆત ધ્યાને લેવા વિનંતી કરી છે. મુંદરા તાલુકા પાંજરાપોળ સંગઠને આ પત્ર આવેદન સ્વરૂપે મુંદરા તાલુકા મામલતદારને આપ્યો છે.
નથી ઘાસ.. નથી પાણી.. ભૂખ્યા પશુઓના ભાંભરડા સાંભળજો અને અભયદાન આપજો
મુંદરા તાલુકા મામલતદારને ઉદ્દેશીને લખાયેલું આવેદનપત્ર ગુરુવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને આપવા મામલતદારશ્રી ને વિનંતી કરાઈ છે. આવેદનપત્રની નકલ મુંદરા પ્રાંત અધિકારી તેમ જ જિલ્લા કલેકટર ને પણ મોકલાઈ છે.આ આવેદનપત્ર માં જણાવાયું છે કે થોડા વરસાદ ને કારણે મુંદરા તાલુકાને અછત ની પરિસ્થિતિ માં થી બાકાત કરાયો હોઈ પશુઓની હાલત ભારે કફોડી થઈ છે. સમગ્ર કચ્છ ની જેમ જ મુંદરા મા અપૂરતો અને ઓછો વરસાદ છે. ઘાસ કયાંયે ઉગ્યું નથી, ઘાસ ક્યાંય થી મળતું નથી, એવી જ કફોડી હાલત પીવા ના પાણી ની છે. અત્યારે મુંદરા તાલુકાની ૧૦ પાંજરાપોળ માં ૨૦ હજાર જેટલા મૂંગા પશુઓ આશ્રય લઈ રહ્યા છે. ઘાસચારા ના અભાવે પશુઓ ના મરણ થઈ રહ્યા છે. ભૂખ્યા તરસ્યા પશુઓ ના ભાંભરડા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંભળે અને અછત જાહેર કરી રાજ્ય સરકાર પાંજરાપોળ ગૌશાળાઓ માટે ખાસ સબસીડી ની જાહેરાત કરે. રાહતદરે અપાતું સૂકું ઘાસ દરરોજ નિયમિત પૂરું પાડે. તેમ જ પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક ગોઠવે તે જરૂરી છે. સરકાર વિના વિલંબે અછત જાહેર કરી ભૂખે મરતા પશુઓને બચાવી અભયદાન આપે તેવી રજુઆત પણ કરાઈ છે. મુંદરા મામલતદાર ને કરાયેલ લેખિત અને મૌખિક રજુઆત દ્વારા નવીન મહેતા, હરિલાલ દેઢીયા, સ્વરૂપસિંહ જાડેજા, રાહુલ સાવલા, ખુશાલભાઈએ પાંજરાપોળ સંગઠનની માંગણી મુખ્યમંત્રીશ્રી ને પહોંચાડવા વિનંતી કરાઈ હતી. મુંદરા તાલુકા માં મૂંગા પશુઓને બચાવવા તાત્કાલિક અસર થી કચ્છ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા પણ મુખ્યમંત્રીશ્રી ને વિનંતિ કરાઈ છે.
આ આવેદનપત્ર (૧) કચ્છ મુંદરા પાંજરાપોળ અને ગૌશાળા (૨) ગુંદાલા પાંજરાપોળ (૩) વર્ધમાન જીવદયા કેન્દ્ર,લુણી (૪) ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર, પ્રાગપૂર (૫) ભુજપુર પાંગળાપોળ (૬) કાંડાગરા પાંજરાપોળ (૭) છસરા પાંજરાપોળ (૮) રતાડીયા પાંજરાપોળ (૯) પત્રી પાંજરાપોળ અને (૧૦) વડાલા પાંજરોપોળ દ્વારા અપાયું છે.