અછતની સમસ્યાના અહેવાલોને પગલે ખાસ કચ્છ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપ,કોંગ્રેસ ના ધારાસભ્યો અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. તો કચ્છ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પણ મુખ્યમંત્રી ને મળ્યું હતું. ભુજની કલેકટર કચેરીના કોંફરન્સ હૉલમાં બંધ બારણે બેઠક યોજાઇ હતી અને કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પણ ત્યાંજ મળ્યું હતું. કોણે શું રજુઆત મુખ્યમંત્રી ને કરી એ વિશે રાજકીય આગેવાનો, કાર્યકરો મા સતત ચર્ચા થતી રહી હતી. તો લોકો માં પણ અછત ના મુદ્દે બેઠક ની અંદરની ચર્ચા જિજ્ઞાસા નુ કારણ રહી હતી.
સાચી પરિસ્થિતિથી કરાવ્યા વાકેફ
મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ ભુજ અને બન્ની, ખાવડા પંથક મા પીવાના પાણી ની સમસ્યા ગંભીર હોવાનુ જણાવ્યું હતું. નર્મદાનું પાણી સમયસર અને વધુ નહીં મળે તો ભુજ મા પીવાના પાણી સમસ્યા વિકરાળ બનશે એવું જણાવ્યું હતું. નીમાબેને મુખ્યમંત્રી ને બન્ની, ખાવડામાં ઘાસ ની સમસ્યા ગંભીર હોવાનું કહી પશુઓને ચારિયાણ માટે લશ્કરના પ્રતિબંધિત વિસ્તારમા પશુઓને ચરવા માટેની પરવાનગી આપવાની ભલામણ લશ્કરને કરી મંજૂરી આપવા માટે મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું. સાંસદ વિનોદ ચાવડાએ પશુ સંખ્યા પ્રમાણે ઘાસ ઓછું હોવાનું જણાવીને ઘાસનો સ્ટોક રહે એ હકીકત તરફ મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું. વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ ઘાસ ની પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવી ને નર્મદાના પીવાના પાણી ની ચોરી અટકાવી પૂરતું પાણી કચ્છમાં પહોંચે એ વિશે મુખ્યમંત્રી નું ધ્યાન ખેંચ્યું હતું. રાજયમંત્રી વાસણભાઇ આહીરે કહ્યું હતું કે અછતની પરિસ્થિતિમાં દર વખતે ઓક્ટોબર મહિના બાદ જ સરકાર રાહતદરે ઘાસનું વિતરણ કરતી હોય છે. પણ, આ વખતે મુખ્યમંત્રી વિજયભાઈ એ જુલાઈ અને ઓગસ્ટ મહીના થી જ રાહતદરે ઘાસનું વિતરણ શરૂ કરી દીધું છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જ્યાં પાણી છે તેવા વિસ્તારમાં ખેડૂતો લીલો ચારો વાવે તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. અત્યારે આવતા સૂકા ઘાસ ની ક્વોલિટી સામાન્ય કક્ષાની હોઈ અહીં જ લીલો ઘાસચારો વાવતા ખેડૂતો પાસે થી જ સરકાર પાછુ ઘાસ ખરીદે એવી માંગણી કરી હતી. બે મહિલા ધારાસભ્યો પૈકી કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન પટેલ બેઠકમાં મૌન રહયા હતા તો ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી એ પણ વધુ કંઈ રજુઆત કરવાનું ટાળ્યું હતું. NGO પૈકી પાંજરાપોળ ગૌશાળા ના સંચાલકો પૈકી પ્રાગપુર પાંજરાપોળ દ્વારા અત્યારે આવતું સરકારી ઘાસ ઘણી વખત પશુઓ માટે ખાવા લાયક ન હોવાનું જણાવ્યું હતુ. તે સિવાય પાંજરાપોળ ગૌશાળા માટે ઝડપભેર સબસીડી જાહેર કરવા અને ઢોરવાડા શરૂ કરવા કહ્યું હતું. રાપર પાંજરાપોળ દ્વારા પાણી અને ઘાસનો પૂરતો જથ્થો ફાળવાય તેવી રજુઆત કરાઈ હતી.
કોંગ્રેસે મુખ્યમંત્રીને શું કહ્યું? જુમા રાયમાએ શું ભેટ આપી?
કચ્છ કોંગ્રેસ ના ડેલીગેશનને મળવાનો સમય આપીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશ્ચર્ય નો આંચકો આપ્યો હતો. લેખિત માં અછતના તમામ પ્રશ્નો સાથે રજુઆત કરતા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને કહ્યું હતું કે કચ્છમાં દરરોજના ૧૨ લાખ કિલો ઘાસની ખપત છે તેના માટે ૪૦૦ ટ્રક જોઈએ પણ માંડ ૮૦ થી ૯૦ ટ્રક માંડ આવે છે. પ્રદેશ મંત્રી આદમ ચાકી અને જુમા રાયમાએ બન્ની, ખાવડા પંથક માં પશુઓ ને બેટ ઉપર ચારિયાણ માટે જવા ની છૂટ આપવાની માગ કરી હતી. ભચુભાઈ આરેઠીયાએ રાપર વાગડ વિસ્તાર માં નર્મદાનું પાણી અને ઘાસની તકલીફ હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પાણી, ઘાસચારો અને રાહતકામો વિશે રજુઆત કરી હતી.જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલે રોજગારી ના કામો ચાલુ કરવા સૂચન કર્યું હતું. નવલસિંહ જાડેજા, નરેશ મહેશ્વરીએ પાંજરાપોળ ના પશુઓની કફોડી હાલત હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ મંત્રી જુમા રાયમા એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અતર ની બોટલ ભેટ આપીને સૌને ચોકાવી દીધા હતા.