એકબાજુ મુન્દ્રા માં કોંગ્રેસની બે દિવસની કાર્યશાળા પુરી થશે ત્યાંજ બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ ની મુલાકાત લેશે. લાગે છે કે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી નો ડંકો અત્યાર થી જ વાગવાનો શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ના ૩૦ મી સપ્ટેમ્બરના કચ્છ પ્રવાસની તૈયારીના ભાગરૂપે વહીવટીતંત્ર એ અત્યાર થી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.આજે GSPL ના એમડી શ્રી નટરાજન, કલેકટર રેમ્યા મોહન અને પૂર્વ કચ્છના ડીએસપી પરીક્ષિતા રાઠોડે આ અંગે અંજાર મધ્યે બેઠક કરીને કાર્યક્રમની ચર્ચાવિચારણા કરી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ઘણા સમય બાદ કચ્છ આવે છે ત્યારે સૌને એ ઉત્સુકતા હોય એ સ્વાભાવિક છે કે, મોદી ના કચ્છ પ્રવાસ નો હેતુ શું છે? બિનસત્તાવાર રીતે મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંજાર મા જાહેરસભા ને સંબોધન કરશે. ગોવર્ધન પર્વત ખાતે તેમની જાહેરસભા યોજાશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સરકારના સાહસ GSPL ના મુન્દ્રા મધ્યે બનેલા CNG ટર્મિનલ પ્લાન્ટનું અંજાર માં જાહેરસભા મધ્યે થી રિમોટ કન્ટ્રોલ દ્વારા ઉદ્દઘાટન કરશે. જોકે, ગત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના પ્રચાર માટે રાહુલ ગાંધીની જાહેરસભા અંજાર માં યોજાઈ હતી અને હવે ૨૦૧૯ ના લોકસભાના જંગ પૂર્વે નરેન્દ્ર મોદી ની જાહેરસભા અંજાર મા યોજાઈ રહી છે. કદાચ ફરી એકવાર અંજાર રાજકીય યુદ્ધ ના કેન્દ્ર સ્થાન માં રહે તેવું લાગી રહ્યું છે. સતાવાર રીતે હજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફાઇનલ કાર્યક્રમ હવે જાહેર થશે. પણ, જે રીતે તંત્ર તૈયારી માં વ્યસ્ત બન્યું છે એ જોતા વડાપ્રધાન મોદીનો કચ્છ પ્રવાસ ફાઇનલ મનાઈ રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ ની ડિટેઇલ્સ PMO કાર્યાલયમાં મોકલી દેવાઈ છે. જોકે, કાર્યક્રમ કદાચ મુન્દ્રા મધ્યે પણ થાય તેવી એક શકયતા છે.