ગત તા. 26/9/2018 ના રોજ રાપર તાલુકા ના ગાગોદર ગામે આવેલ ગોરાસર તળાવ ના રમણીય સ્થળ અને ધાર્મિક લાગણી ધરાવતા રાજબાઈ માતાજી ના મંદિર પાસે ચણ માં ઝેરી પદાર્થ નાખી ને 39 રાષ્ટ્રીય પક્ષી મોર ની હત્યા અને 85 થી વધુ થી વધુ કબુતર ની હત્યા કરી હતી. તે બાબતે પ્રારંભ મા તંત્રની ઉદાસીનતા પછી લોકો ગુસ્સે થતા વનવિભાગ દોડતું થયું હતું. પરંતુ આડેસર વાઈલ્ડ લાઈફ રેન્જ ના આરએફઓ કુરેશી એ કોઈ નક્કર પગલાં ના લેતા ગાગોદર સહિત ના આસપાસના અનેક ગામોમાં આ બાબતે લાગણી દુભાઇ હતી અને આજુબાજુના ગામલોકો નો રોષ ભભૂકી ઉઠયો હતો. ત્યારે આ મંદિર પરિસર ખાતે ગાગોદર મોર હત્યા કાંડ પગલાં સમિતિ દ્વારા ચૌદ ગામો ના બંધ ના એલાન થી અચોક્કસ મુદત ના ઉપવાસ ની શરૂઆત કરાઈ હતી અને તેને પગલે વનતંત્ર અને પોલીસ ની તપાસ નો ધમધમાટ શરૂ થયો હતો. આ તપાસ મા કચ્છ ના વન સંરક્ષક એ. સી. પટેલ અને પૂર્વ કચ્છ ના ડીએફઓ પી. એ. વિહોલ ના માર્ગદર્શન હેઠળ રાપર દક્ષિણ રેન્જ. રાપર ઉત્તર રેન્જ અને આડેસર નોમઁલ રેન્જ ના અધિકારીઓ એ આજુબાજુ ના વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી ને નજીકના વિસ્તારમાં આવેલા કેમ્પ માં થી મરેલા મોર ના અવશેષો બળેલા મોરપીંછ સહિત ના મુદ્દામાલ સાથે પશ્ચિમ બંગાળ ના ૧૨ આરોપી ઓ ને પકડી ને તેમને આ તપાસ કરી રહેલા આરએફઓ કુરેશી ને સોંપવામાં આવ્યા હતા. પરંતુ તપાસ દરમિયાન આરોપીઓ ની સામે કોઈ નક્કર કાર્યવાહી ના બદલે તપાસ કર્તા આરએફઓ કુરેશીએ આરોપી ઓ ના રિમાન્ડ પણ માગ્યા નહિ. એટલે લોકો નો અને ઉપવાસીઓ નો રોષ વધુ વકયોઁ હતો. વિરોધ અને ઉહાપોહ બાદ વનતંત્ર ના વાઈલ્ડ લાઈફ સેન્ચુરી ના ડીએફઓ અસોડા દ્વારા આ તપાસ આરએફઓ કુરેશી પાસે થી છીનવી ને એસીએફ પી. બી. દવે ને આપવામાં આવી હતી. દરમ્યાન મોર હત્યા પ્રકરણ ના આરોપીઓ સામે ધાક બેસાડતી કાર્યવાહી થાય તે હેતુ થી જીવદયા અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ કરાયું હતું. દરમ્યાન આજે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, વાધજી પ્રજાપતિ અને ડીએફઓ અસોડા સાથે ઉપવાસીઓ ની છાવણી ની મુલાકાતે પહોંચ્યા હતા. સાંસદ વિનોદ ચાવડા પાસે આગેવાનો ની હાજરી માં ઉપવાસીઓ એ માંગણી કરી હતી કે મોર હત્યા પ્રકરણની તપાસ તટસ્થ થાય તેમ જ આરોપીઓ ના રિમાન્ડ લેવામાં આવે અનેઆરએફઓ કુરેશી ની બદલી કરવામાં આવે, તેમની સામે વનતંત્ર દ્વારા પગલાં લેવા મા આવે . લડત સમિતિના કન્વીનર અને જાણીતા કથાકાર નવલશંકર શાસ્ત્રી એ લોકોની ફરિયાદ અને આક્રોશ રજૂ કરતા સાંસદ વિનોદ ચાવડા એ સૌની હાજરી મા ખાતરી આપી હતી કે મોર હત્યા પ્રકરણની સંપૂર્ણ રીતે તટસ્થ તપાસ કરવામાં આવશે. ખાતરી ને પગલે ઉપવાસીઓ એ સાંસદ વિનોદ ચાવડા ના હસ્તે પારણા કર્યા હતા. આ સમયે લખાગઢ ના ગામલોકોએ પણ લખાગઢ ખાતે થયેલા મોર ની હત્યા, પદમપર ગામની સીમમાં થયેલ મોર ના શિકાર સહીત ની જે તપાસ વિવાદાસ્પદ આરએફઓ કુરેશી કરી રહ્યા છે તે બધી તપાસ પણ એસીએફ ની મારફતે કરવાની ઉગ્ર રજુઆત કરી હતી. ત્યારે સાંસદ વિનોદ ચાવડાએ આ બાબતે લખાગઢ તેમ જ પદમપર બંને ની તટસ્થ તપાસ માટે ડીએફઓ ને સુચના આપી હતી અને આ તપાસ પણ એસીએફ દ્વારા થશે તેમ જણાવ્યું હતું . આજે ઉપવાસીઓ ના પારણા સમયે સાંસદ વિનોદ ચાવડા, જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, વાધજી પ્રજાપતિ, નવલશંકર શાસ્ત્રી, દેવાભાઈ ભરવાડ, રમેશભાઇ, અંબાપ્રસાદ, જગુભા જાડેજા, નિલેશ માલી, ભરત મારાજ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.