Home Current ભાજપ,કોંગ્રેસ,જૈન સંતો,સમાજે જૈન સાધ્વી પરના હુમલાખોરોને પકડવા કરી માંગ- ભચાઉ રહ્યું ચર્ચામા

ભાજપ,કોંગ્રેસ,જૈન સંતો,સમાજે જૈન સાધ્વી પરના હુમલાખોરોને પકડવા કરી માંગ- ભચાઉ રહ્યું ચર્ચામા

1058
SHARE
રવિવારે સાંજે જૈન સાધ્વી ઉપર થયેલા હુમલાને પગલે સતત ભચાઉ ચર્ચા મા રહ્યું છે. જિલ્લાના રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ ઉપરાંત જૈન સંતો અને જૈન સમાજ દ્વારા જૈન સાધ્વી ઉપરના હુમલા ના બનાવને ઉગ્ર શબ્દો મા વખોડીને પૂર્વ કચ્છ પોલીસ ભચાઉના હુમલાખોર આરોપીઓને ઝડપી પાડે તેવી માંગણી વહીવટીતંત્ર સમક્ષ કરી છે.

જૈન સંતો,ધારાસભ્ય, પૂર્વ નાણામંત્રી, પૂર્વ ધારાસભ્યોએ કરી હુમલાખોરો ને પકડવા માંગ

જૈન સાધ્વી નમસ્મૃતિ મહાસતીજી ઉપર થયેલા હુમલાને છ કોટી સ્થાનકવાસી જૈન અજરામર સંપ્રદાયના આચાર્યશ્રી ભાવચન્દ્રમુનિ મહારાજ સાહેબ અને વરિષ્ઠ મુનિ શ્રી ભાસ્કરમુનિ મહારાજ સાહેબે વખોડીને જૈન સાધુ સંતો ઉપરના હુમલાની ઘટનાને કમનસીબ ગણાવી છે. જૈન સાધ્વી ઉપરના હુમલામાં ભચાઉ સજ્જડ બંધ રહ્યું. તો, બીજી બાજુ આ વિસ્તારના ભાજપ ના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ નાણામંત્રી બાબુભાઇ મેઘજી શાહ, ભચાઉ એપીએમસી ના ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોંગ્રેસી આગેવાન અશોકસિંહ ઝાલા, પ્રભુલાલ ઠક્કર, અસગરબાપુ, વનરાજસિંહ જાડેજા, અવિનાશ જોશી સહિત ના રાજકીય, સામાજિક આગેવાનો અને ભચાઉ જૈન સમાજના આગેવાનોએ મામલતદાર ને આવેદનપત્ર આપીને સાધ્વીજી ઉપરના હુમલાને વખોડી હુમલાખોર આરોપીઓને પકડી પાડવા માંગ કરી હતી. તો, જિલ્લા મથક ભુજ મધ્યે પૂર્વ ધારાસભ્ય અને સમસ્ત જૈન સમાજના પ્રમુખ મુકેશ ઝવેરી ની આગેવાની નીચે વરિષ્ઠ જૈન આગેવાનો અને પૂર્વ ધારાસભ્યો મોહનભાઇ શાહ, તારાચંદભાઈ છેડા ની સાથે ભદ્રેશ શાહ, વિનોદ મહેતા, મધુભાઈ શાહ, ચેતન શાહ સહિત સાત સંઘ ના જૈન સમાજના હોદ્દેદારોએ સમસ્ત ભુજના સમાજની લાગણી વ્યક્ત કરી કલેકટર સમક્ષ હુમલાખોરો ને પકડી પાડવા માંગ કરી હતી.
મુંદરા મધ્યે જૈન સમાજ રેલી દ્વારા મામલતદાર કચેરીએ પહોંચ્યો હતો. જૈન સમાજના પ્રમુખ ભોગીલાલ મહેતા, વિનોદ ફોફળીયા, મેહુલ શાહ, અશ્વિન મહેતા, જયેશ વોરા, અનિલ શાહ, વિનોદ મહેતાએ જૈન સમાજ વતી હુમલા ના બનાવને વખોડીને આરોપીઓ ને પકડી પાડવા માંગ કરી હતી. માંડવી મધ્યે જૈન સમાજના પ્રમુખ હરનીશ શાહ, જેન્તીભાઈ શાહ, મહેશ મહેતા, જુગલ સંઘવી, અશોક શાહ, નલિન પટવા બાબુભાઇ સંઘવી સહિતના આગેવાનોએ જૈન સાધ્વી ઉપર હુમલો કરનારાઓને પકડી પાડવાની માંગ તંત્ર સમક્ષ કરી હતી.

કચ્છ કોંગ્રેસે પણ જૈન આગેવાનો ની સાથે મળીને ઘટનાને વખોડી હુમલાખોરોને પકડવા કરી માંગ

ગાંધીધામ મધ્યે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસી આગેવાનો સાથે જૈન સમાજના આગેવાનોએ ભચાઉમાં જૈન સાધ્વી નમસ્મૃતિજી મહાસતીજી ઉપરના હુમલાની ઘટનાને વખોડીને હુમલાખોર આરોપીઓને પકડી પાડવા પૂર્વ કચ્છના ડીએસપી પરીક્ષિતા રાઠોડ સમક્ષ માંગ કરી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસની સતાવાર યાદી અનુસાર જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ની આગેવાની નીચે પ્રદેશ મંત્રીઓ જુમા રાયમા, તુલસી સુજાન, સંજય ગાંધી ની સાથે જૈન સમાજના મનસુખ પુંજ, અનિલ નાગડા, પ્રફુલ મહેતા, રાજ નાગડા, બીપીન મહેતા સહિત અન્ય આગેવાનો રજુઆતમાં જોડાયા હતા.