ભુજમા સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ચલાવતા બોગસ બીપીએલ કાર્ડના કૌભાંડ સંદર્ભે હાઇકોર્ટ ચોંકીને કચ્છના પુરવઠાતંત્ર ને ફટકાર લગાવી છે. કચ્છના સામાજિક અને રાજકીય આગેવાન આદમ ચાકીએ કરેલી જાહેર હિતની અરજી સંદર્ભે ન્યૂઝ4કચ્છને માહિતી આપતા ભુજના એડવોકેટ હનીફ ચાકીએ જણાવ્યું હતું કે આજે ચીફ જસ્ટિસ સહિત બે સભ્યોના હાઇકોર્ટના જજ ની બેંચે આ સુનાવણી હાથ ધરી હતી. ચીફ જસ્ટિસ સુભાષ રેડ્ડી અને જસ્ટિસ શ્રી પંચોલીએ કચ્છના પુરવઠાતંત્ર ને તપાસના મામલે અપનાવાયેલ ઢીલી નીતિ ઉપર ફટકાર લગાવીને આગામી ૩૦ મી ઓક્ટોબરે બોગસ બીપીએલ કાર્ડ બાબતે સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. (બીપીએલ કાર્ડ એટલે બિલો પોવરટી લાઇન ગુજરાતીમા કહીએ તો ગરીબી રેખા હેઠળ આવતો ગરીબ પરિવાર.) આદમ ચાકીએ જિલ્લા પુરવઠા અધિકારી, કલેકટર, રાજ્યના પુરવઠા સચિવ સમક્ષ પૂરતા આધારપુરાવા આપીને બોગસ બીપીએલ કાર્ડ મારફતે ચાલતા સરકારી અનાજના કાળા કારોબાર નો પર્દાફાશ કર્યો હતો. પણ, તપાસ ન થતા તેમણે વારંવાર જિલ્લા પુરવઠા તંત્રને હાઇકોર્ટ માં જવા ચીમકી આપી હતી. આજના ઓર્ડર અંગે આદમ ચાકીએ ન્યૂઝ4કચ્છ ને જણાવ્યું હતું કે ગરીબ લોકો સાથે થઈ રહેલી છેતરપીંડી સામે તેમણે જે અવાજ ઉપાડ્યો છે, તેની આ જીત છે. તેમને ન્યાયતંત્ર મા સંપૂર્ણ વિશ્વાસ છે.
શા માટે ચોંકી હાઇકોર્ટ?
ગત ફેબ્રુઆરી મહિનામાં આદમ ચાકીએ આધારપુરાવાઓ સાથે જ્યારે બીપીએલ કાર્ડ ના નામે ચાલતા કૌભાંડ નો પર્દાફાશ કર્યો ત્યારે મીડીયા ના અહેવાલોએ પુરવઠાતંત્રને ધ્રુજાવી દીધું હતું. તો લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. કચ્છી દાનવીર અને જેમના નામે ભુજની લોહાણા મહાજનવાડી છે તેવા નાનજી સુંદરજી સેજપાલ જેવા શ્રીમંત પણ પોતે બીપીએલ યાદી માં આવે છે. ભુજના ભાનુશાલીનગર મા આવેલ જલારામ ગ્રાહક ભંડાર મા તેમનું અને તેમના પરિવારના નામે બીપીએલ કાર્ડ છે. આ અહેવાલ બાદ ભુજ આવેલા નાનજી સુંદરજી સેજપાલે રદિયો આપીને પોતાના નામે બીપીએલ કાર્ડ બનાવનાર જલારામ ગ્રાહક ભંડાર વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. જોકે, આદમ ચાકીએ ભુજની ૪૦ સસ્તા અનાજની દુકાનો માં ૧૩૦૦૦ બીપીએલ કાર્ડ બોગસ હોવાનું જણાવીને તે કાર્ડ ધરકના નામે આવેલી મિલકતો પણ દર્શાવી હતી, જેમા રાજકીય આગેવાનો ના નામ હતા તો બીપીએલ કાર્ડ ના નામો જ્યાં બતાવ્યા હતા તે આખેઆખી બોગસ વસાહતોનો પણ આદમ ચાકીએ પર્દાફાશ કર્યો હતો. જોકે, આદમ ચાકીની ફરિયાદ ને પગલે ભુજ થી ગાંધીનગર પુરવઠા તંત્રમાં ખળભળાટ મચ્યો હતો પણ તપાસમાં ઓટોગોટો કરી દેવાતા આદમ ચાકીએ હાઇકોર્ટ માં જવાની ચીમકી ઉચ્ચારી હતી,અને આજે ૮ મહિના પછી ભુજનું બોગસ બીપીએલ રાશનકાર્ડ કૌભાંડ આજે રાજ્યના ઉચ્ચ ન્યાય મંદિરે હાઇકોર્ટ મધ્યે પહોંચ્યું છે. ભુજ ના પુરવઠા તંત્ર દ્વારા ભાડે રખાયેલ ગોડાઉન અને પુરવઠાતંત્ર ના અનાજની હેરાફેરી નો ઠેકો લેનાર ટ્રાન્સપોર્ટ કોન્ટ્રેક્ટર ઉપરાંત પોતાની સસ્તા અનાજની દુકાનો બીજાને ચલાવવા આપી દેનાર દુકાન ધારકો, સસ્તા અનાજના ઘઉં કઈ રીતે ફ્લોરમિલ મા પહોંચે છે તે વિશેનો પર્દાફાશ આદમ ચાકીએ કરીને આધારપુરાવાઓ સાથે કલેકટર થી માંડીને રાજ્યના પુરવઠા સચિવને ફરિયાદ કરી હતી. પણ, જિલ્લા અને રાજ્યના પુરવઠા તંત્ર દ્વારા તપાસ તો કરાઈ પણ બાદ મા કંઈ પગલાં ભરાયા નહોતા. જિલ્લા મથક ભુજ મધ્યે જ તંત્ર ની આંખમાં ધૂળ નાખીને હજારો ગરીબ પરિવારો ના નામે ચાલતા સરકારી અનાજના ચાલતા કાળાબજાર સામે સરકારી બાબુઓના મૌન બાદ હવે હાઇકોર્ટ ની લાલ આંખને પગલે સમગ્ર કચ્છ માં હલચલ મચી ગઇ છે. તો, વહીવટીતંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો મા પણ ફફડાટ મચી ગયો છે.