સમગ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં હાહાકાર સર્જનાર છસરા હત્યાકાંડ મા મુંદરા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ ભુજ અને છસરા ગામે થી ઝડપાયા છે. ગત ૨૩ ઓક્ટોબરના રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં મુસ્લિમ કુંભાર પરિવાર અને આહીર પરિવાર વચ્ચે ખેલાયેલા સશસ્ત્ર ધીંગાણામા ૬ જણા ની હત્યા થઈ હતી. ૨ ના મોત બદલ મુસ્લિમ પરિવાર દ્વારા ૮ જણા વિરુદ્ધ ફરિયાદ કરાઇ હતી, જ્યારે આહિર પરિવાર દ્વારા ૧૧ જણા વિરુદ્ધ ફરિયાદ કરાઇ હતી. બન્ને પક્ષે મળીને કુલ ૧૯ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી, જોકે, પોલીસ ફરિયાદમાં ૬ એ ૬ મૃતકો ના પણ નામ સામેલ છે. કુલ ૧૯ આરોપીઓ પૈકી ૬ મૃતકોના નામ બાદ કરતાં બાકી ૧૩ આરોપીઓ પૈકી મુંદરા પોલીસે બનાવના ૫ મા દિવસે ૭ આરોપીઓની ધરપકડ કરી છે. હજી, ૬ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.
કોણ ઝડપાયું ? અને શું થશે કાર્યવાહી?
પોલીસની સતાવાર યાદી મુજબ ઝડપાયેલા આરોપીઓના નામ આ પ્રમાણે છે. (૧) અબ્દુલ આરબ કુંભાર (ઉ.૨૬) (૨) મુસ્તાક આમદ કુંભાર (ઉ. ૩૪) (૩) અનવર આમદ કુંભાર (ઉ. ૩૭) (૪) હિતેશ શામજી ચાવડા (ઉ. ૨૬) (૫) રિતેશ મ્યાજર ચાવડા (ઉ.૨૩) (૬) અશોક વેલજી મકવાણા (ઉ.૨૬) (૭) જીગર વેલજી મકવાણા (ઉ.૧૮). પોલીસે બન્ને ફરિયાદોને અનુલક્ષીને ધરપકડ કરેલ ૭ આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ,હત્યા ઉપરાંત વિવિધ કાયદાકીય કલમો નીચે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે આરોપીઓને અદાલત માં રજૂ કરી રિમાન્ડ માંગશે અને ધીંગાણા મા સંડોવાયેલા અન્ય આરોપીઓ વિશે, હત્યા મા વપરાયેલ શસ્ત્રો વિશે પૂછપરછ કરશે. આ ઉપરાંત આરોપીઓના મોબાઈલ લોકેશન અને ઇલેક્ટ્રોનિક સાયન્ટિફિક પુરાવાઓ એકઠા કરશે. સમગ્ર પ્રકરણ ની તપાસ ઉપર આઈજી ડી. બી. વાઘેલા જાતે તપાસ રાખી રહ્યા છે. છસરા ગામ માં હજી પણ પોલીસ બંદોબસ્ત યથાવત છે. ધીરે ધીરે છસરા ગામ નું જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. પોલીસ તટસ્થતાથી આ સમગ્ર બનાવની કાર્યવાહી કરી રહી છે. સોશ્યલ મીડિયા માં પણ છસરા ના બનાવ સંદર્ભે અશાંતિ સર્જે એવી પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે અને હવે પોલિસે ચકચારી કેસમા ધરપકડનો દોર શરૂ કર્યો છે.